Saturday, October 2, 2010

મારી કવિતા અને ગઝલમાં ખૂશીનો રંગ છે


જીવનમાં સામ–સામે યુદ્ધ તો ચોપાસ ચાલે છે,
છતાંયે ભીતરે ખાલીપણાનો શ્વાસ ચાલે છે.

જુઓ આંખોનું આ ઉઘાડ–બંધ રોજિંદી ઘટના છે,
કશું નક્કર કરું છું એટલે ઇતિહાસ ચાલે છે.

અમારા શ્વાસ અટકી અટકીને ચાલે છે જાણે કે,
આ નકરી વાસ્તવિકતા વચ્ચે પણ આભાસ ચાલે છે.

બધી આપત્તિઓ વચ્ચે સલામત થઇને જીવું છું,
દવા સાથે દુઆનો પણ હજી સહવાસ ચાલે છે.

ગઝલ લખવાનું ચાલે છે, કદી અટકીને ચાલે છે,
તમારો જો કરું ઉલ્લેખ તો તો ખાસ ચાલે છે.

(નરેશ કે.ડૉડીયા)

છંદ – લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા

--------------------------------------------
પૂર્નજન્મનું પ્યાસું કોઇ પંખી ટહુકો શોધતું આવ્યું
ઝાડ સાથેનું ગયા ભવનું કોઇ લેણું યાદ આવ્યું

માળો વિખાયો પહેલાની વાતોનું કંઇ યાદ આવ્યુ
લીલી ડાળૉમાં વહેતું કલરવનુ ઝરણું યાદ આવ્યું

ટહુકાઓથી શણગારવાનુ પંખીને દ્રશ્ય યાદ આવ્યું
નાના મોટા સૌ ભાંડેરાનું એ યોગદાન યાદ આવ્યું

સમણાઓ ભરી વિંહગોનું ઉડતું વ્હાલ યાદ આવ્યું
પાંખોથી નભે રંગ ભરવાનું એ સમણું યાદ આવ્યું

ઝુકેલા ઝાડને જોઇને પોતે કરેલા લાડ યાદ આવ્યા
ઝાડીં-ઝાખરાઓમાં ખોવાયેલું બચપન યાદ આવ્યું

પંખીએ ઝાડને પુછયું,મને જોઇ તને કૈં યાદ આવ્યું?
સુકાયેલી ડાળની આંખમાં એક આંસું દડી આવ્યું

(નરેશ કે.ડૉડીયા)
---------------------------------------
ઉદાસીની કંઇક સાંજ સાચવેલી પડી છે
તારા વિના ગુજારેલી હર પળ રડી છે

મૌસમને કયાં સમયે આવવાની પડી છે?
તારા વિના મૌસમ પણ ટલ્લે ચડી છે

મિલનની એ તરસ પણ વલખે ચડી છે
મૃગજળના એ મૃગને તરફડવાની ઘડી છે

સદીઓ જિવવાની હામ ભીડી હતી એ
ઘડીઓ પણ માછલીની જેમ તરફડી છે

યાદોના બોજ લઇને ફરતા કાફિલાને પણ
સુકા રણોમાં ભટકવાની આદત પડી છે

કિસ્મતમાં લખેલું એ મીટાવી ના શકીયે
એટલે જ અમારી ઇચ્છા પાછી પડી છે

દરવાજે કોઇ આવશે એ તકતી જડી છે
હવે લખેલું ભુંસવાની શુકનવંતી ઘડી છે

(નરેશ કે.ડૉડીયા)
-------------------------------------------
લૂટાંય જવાની પણ મજા કંઇ ઔર હોય છે
લૂટનારની આંખો ખૂલી ને આપણી બંધ હોય

છેતરાય જવાની પણ મજા કંઇ ઔર હોય છે
છેતરનાર કોઇ નાર હોય ને દ્વાર બંધ હોય
...
ભૂલી જવાની પણ મજા કંઇ ઔર હોય છે
જ્યારે એ મળવા આવે ને ઘડીયાળ બંધ હોય

છુપાયને પીવાની મજા પણ કોઇ ઔર હોય છે
પત્ની પીયરે હોય ને એની ટકટક બંધ હોય

એકાંત માણવાની પંણ મજા કંઇ ઔર હોય છે
એ એકલા હોય ને એની પાપણો બંધ હોય

જિવી જવાની મજા પણ કંઇ ઔર હોય છે
મિજાજ જવાન હોય ને વયની લેણ બંધ હોય

શાયરી કરવાની પણ મજા કંઇ ઔર હોય છે
શ્રોતાઓ સમજદાર હોય ને ઘોંધાટ બંધ હોય

એને સ્પર્શવાની મજા પણ કંઇ ઔર હોય છે
લાંબી રાત્રી હોય ને સુરજનુ બારું બંધ હોય

(નરેશ કે.ડૉડીયા)
---------------------------------------

ઍટલી હક્કીત તો મેં આંખોમાં છુપાવી છે
સપનાની વાતો હક્કીતમાં તમોને કહી નથી

એટલી હક્કીત તો મેં દિલમાં છુપાવી છે
તમે સુંદર છો એ વાત તમને કહી નથી

એટલી હક્કીત તો મેં સંબધોમાં છુપાવી છે
ચુંબનોની આપલેની વાત તમોને કહી નથી

એટલી હક્કીત તો વિલુપ્તતાની છુપાવી છે
લુપ્ત થવાની ગુપ્ત વાત તમોને કહી નથી

એટલી હક્કીત તો મે કાગળમા છુપાવી છે
લખું છું ગઝલ એ વાત તમોને કહી નથી

(નરેશ કે.ડૉડીયા)
-------------------------------------
સુટબુટમા લાલાને જોઇ છોરીના લાળા પડયા
કોઇ એને તો પુછો જેને કપડે હજાર બખિયા છે

અન્નકુટને જોઇને ભકતોના મોમાં પાણી આવ્યા
કોઇ એને તો પુછો જેઓ છતે ભાણે ભુખ્યા છે

ગઝલમાં દર્દ ભાળી વિરહી હૈયે ડુમાં બાઝયા
કોઇ એને તો પુછો,જે પ્રિયાની યાદમાં રડયા છે

થોડી ઠોકરો ખાધી ને જિંદગી માંડ્યા ભાંડવા
કોઇ એને તો પુછો જે પોતે બીજા માટે જીવ્યા છે

થોડુ દુઃખ પડયુ ને બે-ચાર શબ્દો સરી પડયા
કોઇ એને તો પુછો જેને હજારો શેર લખ્યાં છે

(નરેશ કે.ડૉડીયા)
---------------------------------------
શેરોની કાગજી ડણકથી ભલે ગભરાતો હોય
મારે મન ગઝલો તો ખતરનાક શીકારી છે

બદનામ થવાના ધ્યેયથી ભલે તું ડરતો હોય
છે મસ્ત મિજાજ તો બદનાંમીથી કોણ ડરે છે

મારી સમજણ તારી સમજબહારનો વિષય છે
અંલકારોથી સજ્જ છે ભાષા ને તું હથોડાછાપ છે

તારા માટે આંખોમાં આંસુ જિવનનું અંતિમ છે
અશ્રુભરી આંખો અમારા જીવનની શરૂઆત છે

પાંચ શેરોમાં જિંદગીને તું નહી સમજી શકે
અમારા એક શેરમાં જ જિંદગીની કહાણી છે

તારે મન ગઝલનો આસવ ભલે પાણી હોય
મારે મન તો માનવતાની કેફી મદીરા છે

(નરેશ કે.ડૉડીયા)
----------------------------------
ગઝલના નગરના ભૂલા પડયાનો કંઇ ગમ નથી
નગરવાસીઓ તો ગયા ભવના લેણીયાત નિકળ્યા

ફેસબુકના ભીડમાં ભુલા પડ્યાનો કંઇ ગમ નથી
સંબધોના અવસરો ઉજવવાના જાણે ટાણા નીકળ્યા
...
લાગણીઓની ભીડમા ભૂલા પડવાનો કંઇ ગમ નથી
સુકાયેલા સંબધોના મૂળમાં ઊંડે જતા ભીના નિકળ્યા

શબ્દોના ગુનેગાર બનીને સજાનો કંઇ ગમ નથી
જેલમાં ગઝલના ખેંરખાઓ કાચાકામના કેદી નિકળ્યા

(નરેશ કે.ડૉડીયા)
--------------------------------------
જીવનમાં સુરા ને સંગીતની અસર હોવી જોઇએ
નહીતર પ્રિયાની યાદોની ખુમારી હોવી જોઇએ,

ન હોય સ્થળ ને સમયનો સવાલ શેરો-શાયરીમાં
કયારેક સ્મસાને શાયરોની મહેફિલ હોવી જોઇએ

જીવન એવું જિવજે જીવડા મસ્તી તણી બહાર સમું
વૈદોની દવામાં પણ મદિરાની અસર હોવી જોઇએ

મુંગી વેદના સહેતા માનવીના હ્રદયે ટકોરા મારજે
લાગણી તારી ઝેર પીતા નિલકંઠ જેવી હોવી જોઇએ

હમેંશા એક મહાકાય વટવૃક્ષ તણો અડીખમ રહેજે
અસર તારી પાનખરના પર્ણો જેવી ના હોવી જોઇએ

ભલે ફરે તારા અધર મૌન તણા અસરાર લઇને ફરે
આંખો તારી બુલબુલની જેમ ચહેકતી હોવી જોઇએ

ન કરજે કદી મળતા રહેતા ઝખ્મોનૉ હિસાબ'નરેન'
તારી ગઝલમાં દવા ને દુવાની અસર હોવી જોઇએ

ન ડરજે મોતથી ભલે પધારે મૃત્યુદેવી તારા આંગણીયે
કદાચ એ પણ તારી ગઝલની દીવાની હોવી જોઇએ?

(નરેશ કે.ડૉડીયા)
-------------------------------------------

વ્હાલી,અજાણી આંખલડીમાં કોઇ અજાણ્યું વસે છે,
એ રીતે મારી આંખલડીમાં વસવાનું મન થાય તને?

વ્હાલ,ઝાકળ જે રીતે ફૂલોમાં રાતવાશો કરે છે
એ રીતે મારામાં રાતવાસો કરવાનું મન થાય તને?
...
વ્હાલી ક્ષિતિજે આકાશ ધરતીને ચુમે છે
એ રીતે ઝૂકીને મને ચુમવાનું મન થાય તને?

વ્હાલી,લીલુડા ઘાસ જે રીતે પવનસંગ ઝુમે છે?
એ રીતે મારી બાહોમાં ઝુલવાનું મન થાય તને?

વ્હાલી,જે રીતે પ્રાસમાં અક્ષરો ગઝલમાં પ્રસરે છે
એ રીતે મારી નસનસમાં પ્રસરવાનું મન થાય તને?

વ્હાલી,કોઇને જોઇને સાતેકોઠે અંજવાળું થાય છે
એ રીતે સાતેકોઠામાં અંજવાળુ થવાનું મન થાય તને?

વ્હાલી,હું તને જે રીતે અસિમ પ્રેમ કરું છું?
એ રીતે મને અસિમ પ્રેમ કરવાનું મન થાય તને?

વ્હાલી,સિંહને જોઇને સિંહણ ધુળમાં આળેટે છે,
એ રીતે મને જોઇને આળોટવાનું મન થાય તને?

(નરેશ કે.ડૉડીયા)

------------------------------

મનમૌજી મૌસમને હવે મનામણા કરવા પડે છે
શણગાર સજીને આવો,મૌસમને રંજાડવાની તક છે

વંસત પણ એના વ્હેમમાં ફરે છે વ્હેત ઉંચી
હોઠોને ફફડાવો,વંસતનો વ્હેમ દુર કરવાની તક છે
...
ચાંદ ચાલાકી કરે છે વાદળો પાછળ છુપાયને
છત પર આવો જરા,ચાંદને શરમાવવાની તક છે

ભંવરાઓ ભાન ભૂલીને અભિમાની બની ગયા
એક આહ ભરો,ભંવરઓને ભાનમાં લાવવાની તક છે

બુઢા અરીસાને ભૂતકાળના ચહેરાનું અભિમાન છે
અદા બતાવો,અરીસાને વર્તમાનમાં લાવવાની તક છે

માનવિય સૌંદર્યને ભૂલીને શાયરો પથ્થરને પૂજે છે
એક ઝલક બતાવો,શાયરોને લયમા લાવવાની તક છે

(નરેશ કે.ડૉડીયા)

---------------------------------
હવે સામ-સામી લાગણીઓના યુધ્ધ ચાલે છે
ભીતરમાં તો યે ખાલીપણાનો કયાશ ચાલે છે

આંખોનું ઉઘાડ-બંધ ઘટનાક્રમમાં ચાલે છે
આંસુનું આવારાપણું વધતાક્રમમાં ચાલે છે
...
શ્વાસો તો જીવાડવા માટે જ ફકત ચાલે છે
હોવાપણાનો ભાર નથી દુનિયા તોયે ચાલે છે

ઉપચારકોની વિના જીવન સલામત ચાલે છે
વૈદના ખાટલે તો યે દુવાથી કામ ચાલે છે

લાગણીઓ 'રણછોડ' હોય તો રણ ચાલે છે
રાધા ના હોય તો મીરાના ભકિતભાવ ચાલે છે

ગઝલ ના લખાય તો શેરથી કામ ચાલે છે
લોકોનો પ્રેમ થકી'નરેન'તારું નામ ચાલે છે

(નરેશ કે.ડૉડીયા)
---------------------------------------
માનવી જેમ ભૂલવાની આદત હું હવે પાડતો જાંઉ છું
શાયરીની ખ્વાબી દુનિયાની બહાર નવી દુનિયા જોંઉ છું

રાતપૂરતાં પ્રકાશિત થયેલા મીણ ને આગના સંબધો
ને સવારે સંબધોમાં જામેલા હવે મીણના ગઠા જોંઉ છું

અધુરી કહાની જેવી આલેખી ના શકાય એ શકયતામાં
શીલાલેખો જેવી સમજી ના શકાય એવી લીપિઓ જોઉં છું

દુરતા સારી હતી કે તમારી વધું પડતી એ નિકટતા
સંબધોનાં કોષ્ટકમાં ના સમજાય એવી ગણતરી જોઉં છું

માનવીય સંવેદના સાથે માનવ સારી રીતે ખેલી શકે
એ સચ્ચાઇને તારી સાથેના સંબધોમાં અલેખાતી જોઉં છું

ખુદા ને સનમ જેવાં સુફી સંબધોની પાવન દુનિયામાં
ધબકતા ઉરને પથ્થર સાથે ટકરાવાની સજા જોંઉ છું

(નરેશ કે.ડૉડીયા )
--------------------------------------------------

કેટલી જરુરતંમંદ છે એની મહોબ્બતની અસર
હર સમયે મારી નાજુક ગઝલની અસર બોલે છે

લહેજત છે એની અદાઓમાં અનેક ઉપવનોની
હર સમયે કળીઓ ખિલેને હાજરીની અસર બોલે છે

એની ઝુલ્ફોનાં તાબામાં મૌસમનો મિજાજ પલે
રાત ઢળેને ચાંદનીની એના મોં પર અસર બોલે છે

ખૂલ્લી જાય કિસ્મતના તાળા એના સાંનિધ્ય તળે
જીવ આવે લકિરોમાં એના સ્મિતની અસર બોલે છે

ના પુછો મને મુહોબ્બતનાં ઝૂનૂનની અસર તમે!
પગ પડયો ઇશ્કના કુંડાળામાં એની અસર બોલે છે

(નરેશ કે.ડૉડીયા)
--------------------------------------------

મને હું ગમું છું પણ જ્યારે તમારી સાથે હોઉં છું
ત્યારે હું મારી જાતને તમારી આંખેથી મને જોઉ છું

દર્પણની સામે જોઇ ને એકલી એકલી હસું છું
પ્રતિબિંબ બનું છું જ્યારે તમારી આંખોથી મને જોઉં છું

ફુલો ને વેણી ગજરાથી સજવાનો મને બહું શોખ છે
સુંગધી ઉઠું છું જ્યારે તમારી આંખેથી મને જોઉં છું

મારી ઘુંઘરાળી લટૉથી રમવાનો મને બહું શોખ છે
લટકો કરે લટૉ જ્યારે તમારી આખેથી મને જોઉં છું

મારી બિન્દાસને અલ્લડ અદાનાં દિવાનાઓ અનેક છે.
ખૂદ શરમાંઉ છું જ્યારે તમારી આંખોથી મને જોંઉ છું

(નરેશ કે.ડૉડીયા)

--------------------------------------------------------------

એક પંસદગીના ગાનમાં શબ્દ થાંઉ તો સારું
મળે કોઇ દુઃખી એનો સહારો થાંઉ તો સારું

વિંહગ જોઇને મજબૂર છે ને પાંખ થાંઉ તો સારું
કોઇ સંતનાં મુખેથી હવે સંતવાણી થાંઉ તો સારું

પરિણામો નિરર્થક હોય ને સાર્થક થાંઉ તો સારું
બે આત્માના મિલન કાજે ક્ષણ થાંઉ તો સારું

દુશ્મનોની વચ્ચે એક સ્નેહની સાંકળ થાંઉ તો સારું
આંધળી વ્યકિતની આંખમાં હવે અંજવાળુ થાંઉ તો સારું

સફરે નીકળેલા અજાણ્યાની રાહ થાંઉ તો સારું
સરવાળાની ફિકરમાં હવે બાદબાકી થાંઉ તો સારું

(નરેશ કે.ડૉડીયા)
-----------------------------------------------------

તારા વિરહને ખોખલા નાળિયેર ના સમજ
એકાદ લાગણીનો ટકોરો મારીને તું કર પરખ

વેદનાઓ ક્ર્મબધ્ધ નથી ચાલતી એ સમજ
એને સૃષ્ટીની અસર થઇ એટલુ તું પરખ

લય સ્તરોની કશીક તો હોવી જોઇએ સમજ
એમ અક્ષરો ના પ્રસરે એ તું પરખ

કટૉરા ભરેલા છે લાગણી નિચોવીને એ તું સમજ
એમાં ડુબેલા છે ડુસ્કાઓ અનેક તું પરખ

આ ગઝલ છે,નથી વિધાતાની ભૂલ એ તું સમજ
કંકુ લઇને આવજે ચોખાના અક્ષરોમાં છે પરખ

કંઇ રીતે વધામણા કરવા ‘રદીફ’ એ તું સમજ
અક્ષરોને કંઈ રીતે વાળવા ‘કાફિયા’ને છે પરખ

(નરેશ કે.ડૉડીયા)

-------------------------------------------------

ખૂશીના ચાકડે તમારી તમન્નાઓને મૌજ કરાવવા
મદમસ્ત કમનિય વળાકોવાળી ગઝલ લાવ્યો છું,

શબ્દો કેરા ગાર ને લોહી કેરા પાણીને મિલાવવીને
ઉંમગોમાં રંગ ભરવા રંગોવાળી ગઝલ લાવ્યો છું.
...
ઉદાસીની સાંજ સુરજની સથવારે ડુસકે ચડે ત્યારે
લખનૌની નવાબી નજાકતવાળી ગઝલ લાવ્યો છું.

નિરાસાઓની વચ્ચે ડુબતી કસ્તીઓને બચાવવા
ખૂશીના ગીતો ગાતી નાખુદાવાળી ગઝલ લાવ્યો છું.

કરમાયેલા ફૂલોના ચહેરા પર ખૂશ્બૂસબર સ્મિત ભરવા
નવી-નવેલી વંસતની મૌસમવાળી ગઝલ લાવ્યો છું.

જે’આવજો’કહીંને પાછા નથી ફર્યા એ બધા સ્વજનોની
યાદીઓને શબ્દેમઢીને ખૂશીઓવાળી ગઝલ લાવ્યો છે.

ગુજરાતની ખમિરવંતી ધરાના કાઠિયાવાડના હાલારથી
ગૌરવવંતી ગુજરાતણના લટકાવાળી ગઝલ લાવ્યો છું.

(નરેશ કે.ડૉડીયા)

------------------------------------------------------------

આજે સરેલા પાલવની ભીનાસ હવામા
એક અજાણ્યા બોજથી લહેરાતા ડરે છે,
તને મેં હમેંશા ચાંદનીની શીતળતા અને
મારા દામનની મખમલી પથારી બક્ષી છે

મને ખબર નહોતી કે ચાંદનીની ઉદાસી પણ
ક્યારેક મારીં આંખો વાટે નિતરી આવશે!
હોય છે જિંદગીમાં આવતી ક્ષણો સહિયારી
એ બધા ઉપર તું અધિકાર ધરાવતો હતો.

જવાની તો શું છે?એક ખરી ગયેલુ પાન!
જેને સફેદીની હવા લાગતા ઉડી જવાનું છે,
ભલે એક સંબધ આપણૉ હતો,નામ વગરનો!
ત્યારે હું તારા ઇશારે નાચવા મજબૂર હતી,

એક ફનકારની ફન ઉપર હું પણ ફિદા હતી
તારી એક એક અદા ઉપર આફ્રિન હતી
મહેફિલો ઉપર મહેફિલ સજતી તારા નામની
સઘળો દોરીસંચાર મારા નાજુક હાથમા હતો,

યાદ છે તને?હું જરા અમસ્તી રૂઠી જતી તો
ગુલાબોની સાથે તારું અસ્તિત્વ પાથરી દેતો
જવાબ શોધું છુ વિતી ગયેલા સમય પાસે
તારી પાછળ ફના થયેલી જિંદગી ક્ષણૉનો

મારી ક્ષણૉ પાછી આપવા તું સક્ષમ નથી
હું તને ભુલી જાંઉ એ નારીનું ગર્વ નથી.

(નરેશ કે.ડૉડીયા)

------------------------------------------------

જે રીતે તે મને આદી બનાવ્યો છે આંખોથી પાઇ પાઇને
નથી એવો નશો કોઇ શરાબખાનાની સાકીના હાથના પ્યાલામા

નસીબદારીના બધા રહસ્યો ખૂલી જાય તારી ખાતિરદારીમા
જરૂર હશે કોઇ ફરીશ્તાની કિસ્મત મારી હાથની રેખાઓમાં

બુંલદી હુસ્નની અમસ્તી નથી આવતી આશિકની પનાહમા
હશે જરૂર કંઇક અસર શબ્દોની વરસતી લગાતાર બુંદાબાંદીમાં

ભર્યા છે ખુદાની કાયનાતમાં મુફલિસ અને મંલગોનો દુઃખ
લગાતાર જીવ્યો છું હું,બાદશાહ બની ફકીરોના આલમમા

‘નરેન’કહે છે અમસ્તી નથી જ બનતી ગઝલને કવિતા
કંઈક રાતોની રાતો આંસુઓની નૂમાઇશ થઇ છે શબ્દોમાં

(નરેશ કે.ડૉડીયા)
--------------------------------------------------------------


અનેક પ્રંસગોની ભરપૂર યાદોથી શણગારેલો ઓરડૉ,
આજે તારા હાથના સ્પર્શનો મોહતાજ બન્યો છે..
આશ્રુના ટીપે ટીપે ઝાંઝવાના તળાવો ભરાય છે
જયા લાગણીના પૂર આવતા ત્યાં દુકાળ ચાલે છે

સંવેદનાની જમીનમાં વેદનાઓના બાવળો ઉગ્યા છે
ચાલ!લાગણીના હથીયારો વડે આ બાવળીયા વાઢીયે
મિલનન ઉર્જા આકાશે જશે,ખૂશીના વાદળા ઘેરાશે
વરસી પડશે ખૂશીના વાદળો ને,ફુટશે તાજી કુંપળૉ

ચાલ વ્હાલી!રાહ શાની જુવે છે? મીલાવી લે હાથ!
હર્દયગોખમા ફરીથી ઉંમગોના સ્થાપન કરી લઇએ.

(નરેશ કે.ડૉડીયા)
-------------------------------------------------
બહુ ના બોલો તમે,આ પડઘા હવે ભારે લાગે છે
સમયનો તકાજો છે,મૌનનું ખૉળીયુ સારું લાગે છે

વાયદાઓના દાખલાઓ હવે બધા ખોટા લાગે છે
રહી રહીને જિવનનું ગણતર મને ખોટૂ લાગે છે
...
રહી રહી ને ફુલોને હવે હવાનો ભાર લાગે છે
થાકેલા ફુલોને હવે પાનખરનો અહાંગરો લાગે છે.

હવે વંસંતને કયા સુધી મનાવશો ઓ ડાળખીઓ?
વસંતને હવે પરદેશનો માહોલ બહુ સારો લાગે છે.

તમે કયા સુધી પહેરી રાખશો આ ઝાકળનો મુખવટૉ
મુખવટૉ ઉતરી જશે,એને સુરજનો તાપ લાગે છે

ફુટેલી કિસ્મતને સહારો લઇને તમે ક્યાં સુધી જીવશો
લાગે છે!કોઇની કિસ્મતનો સીતારો બુંલદ લાગે છે.

(નરેશ કે.ડૉડીયા)
——————————————----------------

જોઇ મેં તારી જાદુગરી ને મને અણધારી ચોકાવી દીધી,
બતાવી સુરજને અરીસો મને આંધળી બનાવી દીધી.

ચાંદની ચાંદનીને શરમાવીને તેં મને હસાવી દીધી,
બતાવી ફુલોની પથારી, તે મારી ઉંઘ ઉડાડી દીધી.

નજરોના તીર મારીને,તેં મને ઘાયલ બનાવી દીધી,
વગાડી મોરલી, મને નાગણની જેમ ડોલાવી દીધી.

બારીમાં અચાનક ડોકાયને, તે મને ચોકાવી દીધી,
અર્ધી રાતે સપનામાં આવીને મને જગાડી દીધી.

જીતીને બાજી,તે મારી હારને જિતમા પલટાવી દીધી
સર્વ મૌસમની મૌજ બાહોમાં ભરીને કરાવી દીધી

સમજાવી ફોસલાવી,તેં મને એકાંતમાં બોલાવી લીધી,
ભરીને મને બાંહોમા, મને અચાનક ચૂમી લીધી.

બાળપંણને નોધારું બનાવી,મેં જવાનીને વધાવી લીધી
ખાધી હતી કસમ,તે એક પલમાં તોડાવી દીધી.

(નરેશ ડૉડીયા)
----------------------------

જરા ધીરે બોલો તમે,આ પડઘાઓનું શહેર છે
સંવેદના ભેદી શકે ,કાચી દિવાલોનું શહેર છે.

જરા ધીરે ચાલો તમે,આ કાંટાળા પંથનું શહેર છે
લોહીની લકિરને ચીલો માનીને ચાલનારું શહેર છે

જરા મલાજો રાખો તમે,આ મરજાદીઓનું શહેર છે
કઈક ખૂબસૂરત ચહેરાના હાસ્યને દફનાવવાનું શહેર છે

જરા તકાજો રાખજો,આ તકસાધુઓનું શહેર છે .
કઈક સત્યવાદીઓના મોતનું કારણ આ શહેર છે.

જરા માથે ઓઢીને ચાલજો,આ રૂઢીવાદીઓનું શહેર છે
કંઇક અબળાઓના જિવતર એળે ગયાનું શહેર છે.

જરા છેટે ચાલજો મારાથી,આ અફવાઓનું શહેર છે
કંઇક નવાણિયા કુટાય ગયાના દાખલાઓનું શહેર છે.

(નરેશ ડૉડીયા)
———————————-

તમારા સુવાળા અધરોની લાલીમાં
સુરજ ડુબ્યો તે ડુબ્યો તે પછી અહિયાં
કોણે સુરજના કિરણૉના દર્શન કર્યા છે,

તમારા કાળા કેશમાં ઘનઘોર રાત્રી
ઉતરી તે ઉતરી તે પછી અહિંયા
કોણે સુરજના કિરણૉના દર્શન કર્યા છે,

તમારી આંખોમાં ચમકતી ચાંદની
ઉતરી તે ઉતરી તે પછી અહિંયા
કોણે સુરજના કિરણૉના દર્શન કર્યા છે,

તમારી ફેલાયેલી બાહોના પ્રાસમાં
અમારું અસ્તિત્વ ખોવાયુ તે પછી અહિંયા
કોણે સુરજના કિરણૉના દર્શન કર્યા છે,

સ્પર્શની સરહદ ટપીને તમારી સાથે
સુખ આવ્યુ તે આવ્યુ તે પછી અહિંયા
કોણે સુરજના કિરણૉના દર્શન કર્યા છે,

તમારા સ્મિત સાથે સંધ્યાના રંગોથી
કેશરી રંગોળી પુરાણી તે પછી અહિંયા
કોણે સુરજના કિરણૉના દર્શન કર્યા છે,

રજનીના સથવારે તમારી વાણી ફોરમ
બની ફેલાય તે ફેલાય તે પછી અહિંયા
કોણે સુરજના કિરણૉના દર્શન કર્યા છે,

ખીલ્યા હતા મધરાતે બેલાના ફુલો જેમ
અરમાનો ખીલ્યા તે ખીલ્યા તે પછી અહિંયા
કોણે સુરજના કિરણૉના દર્શન કર્યા છે,

રોશન થઇ હતી આપણી જિંદગી તે સાંજે
રોશની ફેલાય તે ફેલાય તે પછી અહિંયા
કોણે સુરજના કિરણૉના દર્શન કર્યા છે,

તારા સૌંદર્યના ગુલશનમાં ફુલો આપણા
સુંગધી બન્યા તે બન્યા તે પછી અહિંયા
કોણે બીજા સૌંદર્યના ગુલશનના દર્શન કર્યા છે.

(નરેશ કે.ડૉડીયા)
-------------------------------------------------


મારા ઉપર તમારી દયાની નજર હોવી જોઇએ
નથી જોઇતી દોલત તમને કદર હોવી જોઇએ,

મિજાજ ને મૌસમ બદલે તો અસર હોવી જોઇએ
પણ, પ્રેમ ને લાગણી તો પ્રખર હોવી જોઇએ
...
શું છે તાકાત એ લોહમાં,જ્યા સોનું ના બને
ખરેખર આ પારસમાં કંઇક કસર હોવી જોઇએ,

સાગરમા આવે છે મોજાની એ ભરતીઓ
તેને લગાતાર મોહબ્બતની અસર હોવી જોઇએ,

નરેન,જિંદગી જીવશે તમારી નજર સામે જ
તમારી કબર સાથે મારી કબર હોવી જોઇએ,

જિવી ગયા દરેક જનમ આપણે યુગ યુગથી
પ્યાસ જન્મો જન્મની અમર હોવી જોઇએ,

(નરેશ કે. ડૉડીયા)

—————————————————

ધગધગતી અને બેફામ ગતિથી આવતી તારી યાદ,
પછડાય પછડાયને હ્રદયને ઝંઝાડતી દઝાડતી તારી યાદ.

શ્વાસ ખાવાની ફુરસત ક્યાં છે ગરમ ગરમ શ્વાસોને,
બેચેની આપીને સુખચેનની લૂટ કરે તારી યાદ.

બે કીનારે ઘસમસતા પ્રવાહોની જેમ પછડાતી યાદ,
ઘસાતી ઘસાતી છીલી નાંખે ત્વચાને તારી યાદ.

સાગરના મોજાની જેમ ઘુઘવતીને ઉછળતી તારી યાદ,
મેરામણના મોજા જેવી તોફાની સ્વછંદી તારી યાદ.

દિવસને રાતનૉ કયાં ફરક જુવે લગાતાર તારી યાદ,
દિવસે ઘેન ભરી આંખોને થક્વાડે તારી યાદ.

રાતોના સપનાઓમા ખુલ્લમખુલા ખીલતી તારી યાદ,
મારી કવિતાને ગઝલના શબ્દોને બેફામ દોડાવતી યાદ.

હૈયામાં પલિતો ચાપીને ખીલખીલાટ હસતી તારી યાદ.
યાદોના અશ્વોને તેજતોખારની જેમ દોડાવતી તારી યાદ.

સ્મૃતિમાં છવાયેલા ચહેરાને સામે લાવતી તારી યાદ,
તાપમાં વિષાદી છાયા બનીને આવતી તારી યાદ.

બામુલાયજા હોશીયાર કહીને આવતી તારી બાદશાહી યાદ,
કાળજૂ કંપાવતી થથરાતી થથરાતી આવતી તારી યાદ.

યાદોના ગુલશનમાં વંસતી વાયરા જેવી તારી યાદ
રંગબેરંગીને પુષ્પોમાં ખીલતી કળી જેવી તારી યાદ.

મુકામ પોસ્ટને સરનામાં વિના અચાનક આવતી યાદ,
રાહતમાં અચાનક આવતા તોફાન જેવી તારી યાદ.

કેમ દિલને મનાવું,મળી મુજને અચાનક આમ,
આંખ,નાક-નકશી,લટો જોઇને આવી તારી યાદ.

(નરેશ ડૉડીયા)
-------------------------------------------------------
ફુલોના રંગો દબાય જાય છે ખૂશ્બૂના ભારથી ,
આંખો ઘેરાય છે અધુરા સપનાઓના અંજામમાં

સુરજ દબાય જાય છે સંધ્યાના કેશરી રંગમાં,
મન ભરાય જાય છે વિતેલી યાદોના સંગમાં

જામના પ્યાલાનો કશો અર્થ નહી ખાલી ગમમાં,
ખાલી બોટલના બેહિસાબ થાય અર્થ સરભર પલમાં

હૈયામા દબાયેલી ઉર્મિના અંત નથી જીવનમાં,
તારી કાજે જિવન વિતાવી દેવુ આ કવનમાં

શબ્દોના સોદાગર બનીને ભટકી જવું છે પ્રાસમાં,
કંઇક અંદર હશે તો વિસ્તરસે કાગળના પટમાં

વેપારીને કવિ બનાવનાર તને પંણ કંઇક ખટકશે,
ખોટ ન કરે જાણે કયા અટકવું વેપારમાં

ખાંમી હતી કયાંક તારા વ્યવાહરમાને વર્તનમાં,
આવે છે અવાજ બોદા,ભરેલા પ્રેમના બર્તનમાં

અધુરા ઘડા છલકાય જાય છે સંબધોના ટકરાવમાં
આંખોને છલકાવી દીધી તમે પ્રેમના પથરાળ રસ્તામાં,

હશે કંઇક કસર અમારા તરફથી જો ઊણા ઉતર્યા,
પ્રેમના સોદામાં ખોટમાં નફા ઉમેર્યા એ વધારામાં.

(નરેશ કે. ડૉડીયા)
----------------------------------------

સુકાયેલી ક્ષણોને સાચવીને લાવજે
આંતરમનની લાગણીને સંતાડીને આવજે તું,

વંસતના અંદાજમા ફાવે તો
બાગોના ફુલોથી સંતાતી આવજે તું,

તરછોડાયેલા વાદળૉને ભેગા કરીને
આજે મનમુકીને વરસવા આવજે તું,

ઉચે આકાશે એક નજર કરી
સિતારાને ઘાયલ કરીને આવજે તું,

સીધી લિટીએ નજરોના તીરનું ભાથુ ભરીને
યુવાનોએ ઘાયલ કરીને આવજે તું,

શ્વેત વસ્ત્રૉને ત્યજીને સંધ્યાના રંગે
રંગાયને રંગીન થઇને આવજે તું,

આથમતા સુરજને રાતની ખામી ના દેખાય
તારી જુલ્ફોને લહેરાવીને આવજે તું,

આજની રાતને વિનવીને લંબાવી છે
આબરૂ રાખવા એકાંતમા આવજે તું,

સ્મરણનું પંખી ટહુકે છે પિંજરામાં
આજે મુકત કરવા આવજે તું,

ફરીથી સજાવીશું એ ભીની મૌસમ,
ચાતકની જેમ તરસી,આવજે તું,

કંઇક ચુમ્બનોના કારસા કરવા છે
લથબથ ચોમાસુ લઇને આવજે તું.

(નરેશ કે.ડૉડીયા)

---------------------------------------------


મારી જિંદગીનો દસ્તાવેજ તારા શ્વાસો શ્વાસ છે
મારી બદલતા લયબધ્ધ તાલ એ તારા હાવભાવ છે

મારી અંતરની ઉર્મિઓ તારા દિલની ઉઠતી સંવેદના છે
મારી તકદીર બુંલદી તારા હાથની બદલતી રેખા છે
...
મારી જિંદગીનો તમામ ખેલ તારી ધડકનોનો તાલ છે
મારી તમામ લાગણીઓ તારા મનમા ઉઠતા ખ્યાલ છે

મારી રાહત ને ચાહત તારી બે આંખોના પલકારામાં છે
મારી આયખાની મનેખ તારા બાહોના ફેલતા પ્રસારમા છે

મારી મરજી નામરજી એ તારી મનસુફીના આધાર છે
મારી મન-ગમતી એ તમામ ક્ષણૉ તારા સાનિધ્યમાં છે

મારી હાર કે જીત બધી તારી જિંદગીની બંધ બાજીમા છે
મારી મમત કે ગમ્મત એ તારી મરજીના સંમતીમાં છે

મારી સૂષ્ટીની અવિચળ આરાધના તારા ભકિતભાવ છે
મારી સૃષ્ટીના તમામ સુખ તારી એ અંખડ આરાધના છે

મારી એક-એક પળનુ અસ્તિત્વ નક્કી તારી જ કૃપા છે
મારી પૃથ્વી પરની હાજરી નક્કી તારી જ કોઇ ચાલ છે

(નરેશ કે.ડૉડીયા)

--------------------------------------------------

લાવ તારા ટેરવા,એમાં મારી હસ્તરેખાને સાથે જોડી દઉં,
પછી જોઇએ કે,મારી હથેળીમાં ભાગ્ય-રેખા કેમ બદલે છે?

લાવ તારું એંકાત,એમાં તને મનગમતી ક્ષણોને મઢી દઉ,
પછી જોઇએ કે, એકાંતમાં તારા કાંતની કિંમત શુ છે.

લાવ તારી આંખો,એમાં મારી એક તસ્વીર ઉતારી દઉ
પછી જોઇએ કે,એમાં તું કેવા રંગની રંગોળી પુરે છે?

લાવ તારા કુંવારા હોઠ,એમાં કંઇક ગુલાબને રોપી દઉ
પછી જોઇએ કે,બાગમાં વંસત પુરબહાર કેમ ખીલે છે?

લાવ તારું સ્મિત,એમાં ઝીણા અનારના દાણા વેરી દઉ
પછી જોઇએ કે,અનારકલીની નવી આવૃતિ કેવી લાગે છે?

લાવ તારી ઓઢણી,એમાં હાલારી બાંધણીની ભાત પાડી દઉ,
પછી જોઇએ કે,આ જામસાહેબની સવારી કેમ નીકળે છે?

લાવ તારું હ્રદય,એમાં દરેક ધડકનમાં મારો તાલ મુકી દઉં,
પછી જોઇએ કે, ઉછળતા અરમાનો કેમ પુરા થાય છે?

લાવ તારી પેની,એમાં મારા હાથથી મહેંદી મુકી દઉં,
પછી જોઇએ કે,એમાં મારા ચુમવાની કેવી અસર છે.

લાવ તારું લલાટ,એમાં મારા ભાગ્યના ભાવ ચોડી દઉ
પછી જોઇએ કે,લક્ષ્મી સામે ચાલીને ચાંદલો કરે છે?

(નરેશ કે.ડૉડીયા)

------------------------------------------------------------

જિન્હે ફલક કે સિતારે ક્યાં હૈ વોહ માલૂમ નહી હૈ
આજ,વોહ લંગૂર ચાંદ પર જાને કે ખ્વાબ રખતે હૈ.

જહાં ખાને કે દાને દાને પે હર મજલૂમ કી નજરે હૈ
વોહ સારી દુનિયાકો દાવત દેને કે ખ્વાબ દેખતે હૈ

જમુરિયત કયા હૈ,યે નાકારા લોગો કો માલૂમ નહી હૈ
યે નાપાક લોગ મુલ્કકી બડી જમુરિયતકો તાને દેતે હૈ

ઉસ બદકિસ્મત મુલ્ક કે પાસ કપડે પહનેને કો નહી હૈ
વોહ,સારી દુનિયા કો હિજાબ પહનાને ખ્વાબ દેખતે હૈ

લોગ સોલાવી સદી મે જીને કે સદીઓ સે આદી રહે હૈ
પાંચ સાલમે ચાંદ પે જાને કી અલ્લાહસે દુવા માગતે હૈ

અજીબ કિસ્મ કે લોગ હૈ જો ખુદ કે અલ્લાહકે બંદે કહેતે હૈ
વોહી લોગ કિતની બદજૂબાનસે કાફીરો જૈસી બાતે કરતે હૈ

(નરેશ કે.ડૉડીયા)

------------------------------------------------------------------
તું હોય ખુદા કે હોય તું ઇશ્વર હવે મને લાગે છે કે
તારી બનાવેલી દુનિયા પર તને પણ અફસોસ હશે?

તું તો મંદિર અને મસ્જિદોમાં આરામ ફરમાવે છે
લડે છે તારી પનાહગાહ માટે, તને અફસોસ હશે?

કોઇ પૂજા કરે કે કોઇ ત્યાં નમાજ અદા કરે પણ,
ત્યાં તારો વાસ નથી એટલે ફરિસ્તાઓને અફસોસ હશે?

હોય ગીતા,કુરાન કે બાઇબલ જેવાં ગ્રંથ દુનિયામાં
પઢે બધા અમલ નથી,એનો તને અફસોસ હશે?

મઝધારમાં છોડી જનારાઓ હવે મને મોત નો ભય નથી
અમોને તારી શકતો નથી ખુદા તને અફસોસ હશે?

(નરેશ કે.ડૉડીયા)
-------------------------------

અરીસો પણ માંગે છે ચુંબન તારી જેમ,
જો ને તારી જેમ નખરા કરતો અરીસો.

નથી શરમાતો કે નથી ભરમાતો અરીસો,
તારી જેમ નફ્ફટ થઇ જતો આ અરીસો.

પ્રતિબિંબ મારું જોઇને ચેડા કરતો અરીસો,
મુજ કાયાને પોતાનામાં સમાવતો આ અરીસો.

મારા નાજોનખરાને પ્રેમથી માણતો અરીસો,
મુજને નખથી શીખ સુધી નીહાળતો આ અરીસો.

મુજને મારા જ પ્રેમમાં પાડતો અરીસો,
તારા કરતા મને વધુ પ્રેમ કરતો અરીસો.

દિવસ રાત મને સતાવતોને હસાવતો અરીસો,
ખુદ તો ચમકેને મને ચમકાવી દેતો અરીસો.

સોળની સળ ઉતરીને પ્રેમમા પડી એ અરીસો,
વર્ષ સત્તરની જાણે ગણતરી કરતો આ અરીસો

તારી જેમ ટીકી ટીકીને જોતો અરીસો,
તારી જેમ નફ્ફટ ને નિર્લજ થતો અરીસો.

શ્રીંગાર દર્શનનો પુજારી આ અરીસો,
રૂપ પર તારી જેમ મોહી પડતો અરીસો

મારી વ્યથાની હર પળનો સાથી આ અરીસો,
સુખ દુઃખમાં મારી પડખે રહેતો આ અરીસો.

વિરહની રાત્રીમાં દોસ્ત બનતો અરીસો,
નહી આવે તો તારો રકીબ બનશે અરીસો.

(નરેશ કે. ડૉડીયા)
----------------------------------
મારી વેદનાના વિખરાયેલા શબ્દોને,
ગુંથીને ગઝલ બનાવનાર ગજગામિની
તને હું શું નામ આપું ?

મારી વેરાન ભૂમિને પ્રેમરસથી સિંચીને,
ઉપવન જેવી બનાવનાર,
ફુલો જેવી નાજુક નાર,
તને હું શું નામ આપું ?

મારી બંધ્ આંખોમાં
સપનાના વાવેતર કરનાર,
મારા સપનાની રાણી,
તને હું શું નામ આપું?

મારા અંહકારી અસ્તિત્વને એક પલમાં,
તારા પગ પાસે ઝુકાવનાર,
ગુલાબી પેનીની માલિકણ,
તને હું શુ નામ આપું ?

મારા તોરીલા મિજાજને ,
એક પલમાં નિખાલસ બનાવનાર,
તોરલ જેવી સતી ,
તને હું શું નામ આપું ?

એક વાર તો બોલ
તને હું શું નામ આપું ?

(નરેશ કે.ડૉડીયા)
---------------------------------------
આત્મિય અવાજના માલિકને “તમે” જેવાં
વજનદાર શબ્દોથી બોલાવતૉ નથી.
જયારે તારાં શબ્દોમાં સગીતની મહેફિલ છે

આવી જાદુગરી તારી મને અંચબિત કરે છે.
ખરેખર વૈભવ છે તારા શબ્દો નો….
આટલી ખુશીનો મને એકલાને માલિક બનાવી દેનાર.

તારું કર્જ કેટલીય કવિતામાં પણ ચુકવી નહી શકું
કદાચ આવતાં જન્મમાં પણ તારો કરજદાર બનીશ.

શબ્દો ખોવાયા છે મારી કવિતાના
મારી સામે તું ગઝલ બનીને ઉભી છે

એક અજાણ્યું વિશ્વ આજે મારી માલિકીનું બની ગયું.
મારી સવારને કવિતાનાં પુશ્પોથી ખુષ્બુદાર બનાવનાંર્ .
એ ઉપવનને હું શું નામ આપું?
ગીત કહું કે ગઝલ ?

(નરેશ કે.ડૉડીયા)
------------------------------------
મીણબત્તિની એ છોકરી,
પછી સ્વિકારી માંરી નોકરી,
સળગતી રહી ને ઓગળતી રહી,
આગંળીઓ જલાવતી રહી,
રોટલીઓ શેકતી રહી,
આંગળીઓ દઝાળતી ગઇ,

તડકામાં તપતી રહી,
પાપડ તણા તાણા વાણામાં,

જલતી રહી આંખો તારી,
ધુમ્રસેરના વલયોમાં ને,

ધુંવાડાઓનાં ગોટેગોટેમાં,
દાઝ્માં ને ખીજમાં,ગુસ્સામાં,
ઓગળતી રહી,

મુગ્ધતાંનો માળૉ છોડી,
કાંટાળા સંસારમાં વસી,

પંખીળીની કાયાને છોડીને,
મારી પત્ની બની,

કબુતરી થઇને માણસને વરી,
રહી રહીને પાંખો આવી,
તો ય ઉડવાની મૌસમ ના આવી

———————————————————————————

મળે છે માનવી,
કોઇ વાનર મુખા,
કોઇ સુંવર મુખા,
કોઇ લાલ મુખા,
કોઇ લીલા મુખા,
કોઇ શરીર ભુખા,
કોઇ નજર ભુખા,
કોઇ વાસના ભુખા,
કોઇ આલમગીર્,
કોઇ ફકીર્,
કોઇ સાધુ,
કોઇ શેતાન્,
કોઇ નર,
કોઇ નારી,
કોઇ અર્ધ નારેશ્ર્વર્,

છટ ! પ્રભુ,
તારી સૃષ્ટિ છે ખરાબ !

મને પ્રાણી સંગ્રાહલય બહું ગમે છે,
મળે છે માનવી કેવાં હેત થી,
કોઇ પુંછડી હલાવે છે,
કોઇ એક બિજાને ચાટે છે પ્રેમથી,

ઓહ ! પ્રભુ,
તારી સૃષ્ટિ કેટલી સુંદર છે.. ( નરેશ ડોડીયા )

———————————————————————

યૌવનને મજા છે અંધકાર ભરી રાતોમાં,
ઓગળ્યું છે અસ્તિત્વ મારૂં તારી આંખોમાં,
સમાણાઓની મધુરતાને રસભરી રજની,
લજતી,લસરતી,મધુરજની જેવી સજની,

સૃષ્ટિ છે સહવાસની એવી છે મજેની,
નથી કોઇની દરકારને નથી ફજેતી,

કળે છે મનની વાતો પત્ની થઇને મજેથી,
કરે છે કામણ કાજળઘેરી આંખોથી,
કુંજ કુંજને વસંત મારા મોહરે છે તેના સંગથી,
રતિને આરંભ સૃષ્ટિના દિઠા તન થી,

ચલ ને અચલ ક્ર્મ બંધ છે તેના વચનથી,
અસ્ત છું તેના રસભર્યા તનમનમાં,

ઉગું છું ઉષાના સંગમાં,
ભરીને રંગ તેના અંગેઅંગમાં.

(નરેશ ડોડીયા )
--------------------------------------
કંઈક રાતૉ વિતાવી છે દોસ્ત કલમની ઓથમાં,
નથી રહયું અંજવાળુ તારી યાદોનુ મારે સાથ,

રડી રડી ને ભરી છે કલમની શાહીં આંસુની,
ઉતારી રહયૉ ટાંચણ મારી નથી સમયનો સાથ,

ક્યારેક ઝબકીને આંખોને ભાસ થાય છે,
રાતલડીના મીઠા સ્પદનૉ ભુલાણા તારી યાદોને સાથ

ક્યારેક હસતી,પ્રસારતી,બાહોને ફેલાવતી,
માઝમ ગઝલ કેરી રાત વિતાવી હતી સાથ

તને એ યાદ છે! ઢાળીને ઢોલીયાને અને
ખૈલયા બનીને આપણે ખેલતા રાતોની સાથ સાથ

(નરેશ કે.ડૉડીયા)

—————————————————————————————

પકડો કલમ તો યે ખુશી ક્યા છે ચહેરા પર,
કલમ કરે કોઇ ને ઇલ્જામ છે મારે પર,
કરી છે એક ગુસ્તાખી તો ય સજા છે,
જિંદગી ભર..સીતમના ભાર વેઠીને,
હવે તો થાકી છે કલમ……
વેપારીને વરણાગી બનાવનાર,
આ કલમ છે બહું કાલીઘેલી,
બનવું હતું નવીનવેલી દુલ્હન ને,
ધરી લીધો છે વિધવાનૉ વેશ..

————————————————————

કયારે એક સપનુ નજરથી દુર ગયું,
ક્ષિતિજ પાર ઝાખુ થતું દુર દુર,
ક્ષિતિજનો પટ્ટ ફેલાતો ગયો દુર,

ધરતીને જ્યાં આકાશ મળે છે દુર,
સુરજ ઉગે છે એ ક્ષિતિજથી પણ દુર,
પડછાયા લંબાતા ગયા દુર દુર્,

આભને આંબવાની કોશિશમાં,
ફેલાતા ગયા હાથ દુર દુર,

ઉગતી પ્રભાતનું એક કિરણ,
લઇ આવ્યુ આશાનો સંદેશ દુરથી,
એક ચહેરો નજર આવ્યો દુરથી,

આંખોના ઝાંખી નજરમાં ચમકી ગયુ,
તારી આખોનુ સચવાયેલુ નૂર,
નજીક આવતી ગઇ તું દુરથી,

મને નજર ચડી ગઇ તારી સફેદ લટ્ટ્,
જેના પર લટૂ થઇ હતી,એક નજર.

(નરેશ ડૉડીયા)
———————————————————

તમે છો તો આ દુનિયા મને એક ઉપવન લાગે છે,
તમે નથી તો દુનિયા મને એક ઘટનાક્ર્મ નજર આવે છે.

તમારો ચહેરો જોઉં છું તો આ ફુલોને સ્પશવા બહું ગમે છે,
તમે નથી તો આ ફુલોની બદલે કાંટા નજર આવે છે.

તમે છો તો આ સૃષ્ટિનો નજારો શાનદાર લાગે છે,
તમે નથી તો આ સૃષ્ટિનો નજારો કૃત્રિમ નજર આવે છે

તમે છો તો આ દુનિયા દિવાની લગાતાર લાગે છે,
તમે નથી તો આ દુનિયા દુઃખની વણજાર નજર આવે છે.

તમે છો તો મને ખૂબસૂરતીની બોછાર નજર આવે છે,
તમે નથી તો આ બધી મૂરજાયેલી મુરત નજર આવે છે.

તમે નથી આ સકળ સંસાર ફક્ત એક વણજાર લાગે છે.
તમે છો તો આ સકળ સંસારમાં સૌંદર્ય નજર આવે છે,

તમે નથી આ જામના પ્યાલાઓ બહું પ્યારા લાગે છે.
તમે છો તો મને પ્રિયતમા અને પ્રિયાના ખ્યાલો આવે છે.

તમે છો તો મારા અસ્તિત્વમાં નવો ધમધમાટ લાગે છે,
તમે નથી તો મારી દુનિયામાં બધે વૈધ્યવનો અણસાર આવે છે

તમે છો તો ફુલોના ગજરા અને વેણીઓના વિચાર આવે છે,
તમે નથી તો આ ફુલોના કરમાયેલા ચહેરાઓ નજર આવે છે.

(નરેશ ડૉડીયા)

---------------------------------------------
ચાહત શું છે ઓ માનવી તારે મન,
મનમંદિરમાં મૂર્તિ રાખી છે તારી,
દિલમાં સાચવી છે એક તસવીર તારી,
વહાણા વીતે છે દિવસોના દિવસોના,

વાળ મારા ઉતરી ગયાં બેપનાહ ચાહતમાં,
તારી લટૉમા પણ સફેદી દેખાય આવી છે,
કેમ કરીને મનાવું મનનાં ખ્યાલોને અને
કેમ કરીને સમજાવું દિલમાં ઉઠતાં તરંગોને,

હજુ પણ ગુંજે છે એ ગીતોના શબ્દો તારી
યાદોની સંગીતમય સુરાવલી બનીને,
હજું પણ અરમાની ભાવો ઉપસે છે મનમાં
ઉડતા પાલવોમાં આભાસી ખ્વાબ લહેરાય છે,

ચાહતની પરિસિમા અને પરિમાણનું માપ ક્યાં છે,
ચાહત મારી છે એક અનંત જિવન યાત્રા…

(નરેશ કે.ડૉડીયા)
----------------------------------
સતત થતી તારી ઝંખનાઓનો ગુંજારવ
તને સંભળાતો હશે સાત સંમદર પાર..
કરું પણ એ કેવી રીતે પાર..

હ્રદય અને મનનો તાલમેલ નથી..
હ્રદયમાં ઉઠતી તારા વિરહની વેદના થકવે છે
મનમાં ઉઠતાં તારા વિચારો મુંજવે છે…

મનતો મારૂ તો હાથોના હલેસાથી પાર કરવાની ઇચ્છા રાખે છે
હ્રદય મારૂ આમ કરતાં રોકે છે..
મુજને શીદ થાય છે તને મળવાની પારાવાર ઝંખના

મને સતત કેમ એવુ કેમ લાગે છે કે..
ઇશ્વરના બનાવેલા રસ્તાઓ હમેશાં જેને મળવાની સતત ઝંખના હોય
તેનાથી દુર રહેવાં માટે બનાવેલા હોય છે.

(નરેશ ડૉડીયા)

—————————————————

મારા તારામાં હોવાના પુરાવા ન માંગ તું,
તારા આંખોમાં ચમકતા સપના હું છું,

મારા તારામાં હોવાના પુરાવા ન માંગ તું,
હ્ર્દયમાં ધડકતી ધડકનનો હું તાલ છું,

મારા તારામાં હોવાનાં પુરાવા ન માંગ તું,
તારા રગેરગમાં વહેતા રકતના કણ હું છું.

મારા તારામાં હોવાના પુરાવા ન માંગ તું,
તારી ખોમાસ નજરની બેચેની હુ છું.

મારા તારામાં હોવાના પુરાવા ન માંગ તું,
તારી બદલતી કરવટની શિકન હું છું.

મારા તારામાં હોવાના પુરાવા ન માંગ તું,
તારી આંખોમાં ઉઠતી ચપળતાનો ચોર હું છું.

મારાં તારામાં હોવાના પુરાવા ન માંગ તું
તારી દરેક શ્વાસોની નીકળતી વરાળ હું છું

મારા તારામાં હોવાના પુરાવા ન માંગ તું,
તારા હ્રદયમંથનમાંથી નીકળતું અમૃત હું છું.

મારા તારામાં હોવાનાં પુરાવા ન માંગ તું,
તારા રાધા જેવો રૂપનો રૂપાળો શ્યામ હું છું.
(નરેશ ડૉડીયા)

———————————————————–
કોણે કીધું દુઃખની ભાષા રુદન છે
એ મારું હસવું પણ હોઇ શકે ..
‘નભ-ધરા’ તમારા માટે કવિતાના શબ્દો છે
કોઈકનું તે ‘ઘર’ પણ હોઈ શકે !

મારી કવિતા અને ગઝલમાં ખુશીનો રંગ છે.
એ હું કહું છું…..
જરા ઝાકીને જુઓ તો….
એમાં પારાવાર વેદનાઓનો એક અજાણ્યો રંગ છે…

અહિંયા તો છે સદા બહાર છે…
તારા પાલવના રંગનો ઉત્સવ..
એ હું કહું છું..
જરા ઝાકીને જુઓ તો…

મારા આંશુંઓથી ભીના થયેલા એના
પાલવમાંથી ઉતરેલો રંગ છે….

(નરેશ ડૉડીયા)

————————————————

સમયની જાહોજલાલી આપણે બે હાથે લુટી છે
ફરી ફરીને એ સમય નહી આવે જાહોજલાલીનો.
દુઃખનો સમય સમયની જેમ થોડૉ સતત ચાલે છે
આપણો પણ સમય આવશે ત્યારે સમયને રોકીશુ.

શીદને વિરહના આંસુ સારે સમયે સમયે દુઃખના
મુસીબતના એ દહાડા કેટલા ચાલશે સમયને પુછો.
પાણી તો સૌવના મપાય જાય છે સમયે સમયે

સુકાયેલા ઝરાઓ આંસુથી ભરવા આંખો થાકે છે.
ગગન ગોંરભાય ત્યારે તારી યાદોની ઘટા છવાય છે
ચાતકે નયને રાહ જોતી પ્રિયતમાની આંખ ઘેરાય છે.

રાતલડીના આભાસી ખ્વાબોમાં ક્યારેક તું મલકાય છે
ઉગતા સુરજની લાલીમા આશાનુ કિરણ દેખાય છે.
ક્યારેક તો આપણે સમયને થાકવા મજબુર કરીશું
ફરીથી એક વાર મળીશું એ સમયની મોટી હાર હશે.
(નરેશ ડૉડીયા)
--------------------------------------

અમારો મકામ તો પહાડોની ચોટી પર હોય છે
તારે નિશાન તાકવુ હોય તો તાકજે,બે ફિકર.

એક વાત યાદ રાખજે,નિશાન ચુક તને માફ,
નહી નીચુ નિશાન,ચોટીની બુંલદી અમારી શાન.

કબુતરની જેમ નહી ગુટરગુ કે કાબરનો કલબલાટ
પહાડોની ચોટીના આશિયાના અમારા શાંત.

ગરૂડોની તો તકદીર બુંલદ છે મારા દોસ્ત,
માળા અમારા પહાડોની ચોટીની શાન છે

(નરેશ કે. ડૉડીયા)
-----------------------------------
સમજણને ઘોડે હું ક્યા ચડી વાલમજી,
હજીં તો આંખ્યુમાં મારી બચપણ આંટાફેરા કરે.
અને તમે પણ થોડા અણસમજુ
જવાની જોશમાં હવાને બાથુ ન ભરો
મારી શેરીયુમાં આમ આંટાફેરા ન કરો

શ્વાસોને હજું ભીનાસ છે માટી કેરી પ્રીતની
હાથોને અડવા દો એ ગારમાટીની ઢીંગલીને.
વાલમ,આમ પ્રીતયુને પનારે ના પાડો
મારી શેરીયુંમાં આમ આંટાફેરા ન કરો

હજું તો સોળની સળ ક્યાં ઉકલી.
ને તમારા સપનાની વળ ચડી
મારી સાહેલડીના આમના રોકો
મારા ખબર એને ન પુછો
મારી શેરીયુંમાં આમ આંટાફેરા ન કરો

દલડાની વાત આમ ઉઘાડે છોગે ન બોલો.
કેટલાયના કાન મંડાણા મારે ઉપર ને
કેટલાયની આંખ ખોડાય ગઇ મારા જોબન ઉપર
મારી શેરીયુમાં આમ આંટાફેરા ન કરો.

તમારી આંખ્યુંની રીત મને વ્હાલેરી લાગે
ડારો દઇ મારા બચપણને જાણે પ્રેમને વળાવે રે
વાલમ,હજુ બચપણ આંખ્યુમાં આંટાફેરા મારે,
પરાણે મારા બચપણને આમ ડારા ન આપો
મારી શેરીયુમાં આમ આંટાફેરા ન કરો.

(નરેશ ડૉડીયા)

——————————————

ફુલોની ભરપૂર મૌસમમાં તું વંસત બનીને આવ,
વરસતા વરસાદમાં મેઘદુતની તું યક્ષકન્યા બનીને આવ.

ભર ઉનાળે આંબે બેઠેલા તું મોર બનીને આવ,
શીયાળાની રાત્રીમાં તું મખમલી રજાઇ બનીને આવ.…

ભેખ લીધો છે તારા પ્રેમનો તું જોગણી બનીને આવ,
સમાધી લગાવી સાધુની તું મેનકા બનીને આવ.

મીઠા મધુરા સપનામાં સપનાની રાણી બનીને આવ,
ધુણી ધખાવી તારા નામની આહેલેક બનીને આવ.

અંધારી અમાસની રાતે તું પૂનમનો ચાંદ બનીને આવ,
જિવનનાવને કીનારે લગાવવા તું નાખુદા બનીને આવ.

જીવનને સજાવવા અવનવા રંગોની રંગોળી બનીને આવ,
ભવસાગરને પાર કરવા તું જીવનનાવ બનીને આવ.

મહેફિલ સજાવી છે તું નજરોના જામ છલકાવીને આવ.
મદિરાને જાકારો દેશુ તું પ્યાસ બુજાવા આવ.

જિવનના સફળ કરવા શુભ ઘડીએ લક્ષ્મી બનીને આવ
કુવારી ચોકટમાં કકુપગલા કરવા દુલ્હન બનીને આવ…

(નરેશ ડોડીયા)

---------------------------------
ભરપૂર જોબને ભીંજાયેલી નદી જેવી લથબથ
માહોલને બારમાસી બનાવવા આવી!
આ કોણ ષોડસી સૌંદર્યવતી આવી છે?

આંખોમાં ઇશ્કના મહારથીઓને વિંધી નાંખે
એવા રામબાણ ઇલાજો લઇને આવી !
આ કોણ ષોડસી નયનકટારી આવી છે?

હોઠો ઉપર ભરપૂર ગુલાબી વંસતના રંગે રંગેલી
તાજી ખિલેલી કળી જેવી મુસ્કાન ભરી આવી !
આ કોણ ષોડસી ફૂલવતી આવી છે?

કરકમલ જુલાવતી કલાકારોને આહવાન આપવા
કમનિય વળાંકોવાળી કાયાની માલિકણ આવી !
આ કોણ ષોડસી સૌંદર્યકારા આવી છે?

સંગેમરમરસી કાયાને કેશરાશીને હવામા લહેરાવતી
સંઘેડા ઉતાર અંગો વાળી કચકડે મઢવવા આવી !
આ કોણ ષોડસી સ્વપનની રાણી આવી છે?

મુહોબ્બતનું ઝુનૂન ને સૌંદર્યનું સુરાતન ભરીને
કવિઓને તાન ચડાવવા કાવ્યશ્રુંગાર સજીને આવી !
આ કોણ ષોડસી સોળેશણગાર સજીને આવી છે?

(નરેશ કે.ડૉડીયા)
----------------------------------
બારણે ઉભી ઉભી નજરથી જમીન ખોતરવી તને ન શોભે
આવ તી રે!ઘરમાં!આ દરવાજા તારા હારૂ તો ખુલ્લા છે.
(નરેશ કે.ડૉડીયા)
——————————————–
અનેક પ્રંસગોની ભરપૂર યાદોથી શણગારેલો ઓરડૉ,
આજે તારા હાથના સ્પર્શનો મોહતાજ બન્યો છે..
આશ્રુના ટીપે ટીપે ઝાંઝવાના તળાવો ભરાય છે
જયા લાગણીના પૂર આવતા ત્યાં દુકાળ ચાલે છે

સંવેદનાની જમીનમાં વેદનાઓના બાવળો ઉગ્યા છે
ચાલ!લાગણીના હથીયારો વડે આ બાવળીયા વાઢીયે
મિલનન ઉર્જા આકાશે જશે,ખૂશીના વાદળા ઘેરાશે

વરસી પડશે ખૂશીના વાદળો ને,ફુટશે તાજી કુંપળૉ
ચાલ વ્હાલી!રાહ શાની જુવે છે? મીલાવી લે હાથ!
હર્દયગોખમા ફરીથી ઉંમગોના સ્થાપન કરી લઇએ.

(નરેશ કે.ડૉડીયા)
---------------------------------------
આપણા સંબધની દુનિયા બહુ નાની બનતી જાય છે
સવારે ભુલા પડેલા લોકો સાંજે ફરી મળી જાય છે,
એક આંખમાં ભવિષ્ય અને એક આંખમાં સપના ભરી
એક નાનકડા ઓરડામાં આપનું વિશ્વ દોરીયે છીએ

સવારે એ વિશ્વમાંથી બહાર નીકળીને આપણે બે ય
બહારની દુનિયામાં ઠોકરો ખાવા નિકળી પડીયે છીએ
તારા હાથમા ઘરસામગ્રીના વજનદાર થેલાનો ભાર
મારા હાથમા ઓફીસના અધુરા કામના થેલાનો ભાર

એ જ ચહેરાઓ સામે મળે છે જેમ તું સાંજે મળે છે
બે વ્યકિતની વચ્ચેના સંવાદો કેમ થાકતી જાય છે?
કોઇ એવી નિશાળ આપણે શોધી આપણા વિશ્વ બહાર
જયાં બે વ્યકિતીની સંવેદના ઉકેલતા પાઠ ભણાવી શકે

અધુરા રહી ગયેલા ભણતર જેવી તારીમારી સંવેદાનાને
કોઇ લાગણીની નિશાળમા ફરીથી ભણવા મુકીયે તો કેમ?
ચાલ વ્હાલી!આપણા સવાલોના જવાબ આપણે જ શૉધીયે
સંવેદનાને સ્પર્શ સાથે જોડીને કોઇ નવો જવાબ શોધીયે

(નરેશ કે.ડૉડીયા)
——————————————--------------------
તમારો એક ચહેરો જોઇને પ્રફુલ્લિત થઇ મારી ગઝલ
તમારા રૂપના કામણમા પ્રજવલિત થઇ મારી નઝમ,
હશે તમારા ચાહકો અનેક, પણ અમે ખેલાડી છીએ નેક
તમે પણ કહેશો કે આ ખેલાડી તો જીતવા જેવો હતો,

હશે તમારૂ સૌંદર્ય દેદીપ્યામ ને આંખોથી છલકે જામ
લઇ ને પ્યાલો એક પ્રેમનો અમે પણ છીએ તૈયાર,
ભલે આજે અમે તમારી આંખોમા કાંટાની જેમ ચુભતા
કાલે અમે જ તમારી આંખોમા ફુલોની જેમ ખીલી જઇશુ

રૂપના કામણ શૃંગારની કલા છે,દિલના ધાયલ થયા અમે
રચી નાંખી અનેલ ગઝલ,બસ તમારી રૂપની જ માયા છે,
કમનિય મુગ્ધા જેવા રૂપે વારી જતા કવિઓ ને કલાકારો
બન્યો દિવાનો હુ, ગઝલને ભુલી,તમારા રૂપના પ્રતાપે,

ફરીને ન કહેશો કે રચો તમે કવિતાને ગઝલ અમારે કાજ
દિવાનાને ગીત કે ગઝલ શું,બસ તમારા ચહેરાની જ ચાહ,
નિઃશબ્દપણે તારા રૂપની આરાધના મારા શબ્દોથી કરીશ,
મારી કલમની કસમ તારા ગળામા ગઝલના હાર પહેરાવીશ,

એમ જ નથી શોભતો તમારા ગળામા ગઝલ કેરો ફુલોનો હાર?
શબ્દોના ફુલ ચુટવામાં કંઇક કાંટાના મારા સહ્યા છે લગાતાર,
ન અવગણશો તમારા આ દિવાનાને પાગલ પ્રેમી સમજીને,
અમે કંઇક દરિયાને ડાહ્યા બનાવ્યા છે એક કાકરીના ચાળાથી.

( નરેશ કે.ડૉડીયા)
——————————————------------------------------

તમે મૃત્યુની કિંમત જાણી ના શક્યા હોત
એમાં વિરહના દર્દની કલ્પના હોવી જોઇએ

મરે છે કંઇક પ્રેમીઓ આ સકળ જગમાં,
પ્રેમીઓને આ કલા કારગત હોવી જોઇએ

ચીલો આ નથી લીલો સહુ કોઇ જાણે
પ્રેમીઓના મિલનની એક કેડી હોવી જોઇએ

પ્રેમીઓને મન જુદાઇ શુ કે મિલન શુ?
સપનામાં પણ મિલનની જગા હોવી જોઇએ

દિવાનગીનો ભેદ ના સમજી શકો ગઝલમાં
પ્રેમ સર્વસ્વ ગુમાવવાની જગા હોવી જોઇએ

દુનિયામા પ્રેમીઑના ચિત્રો છે જુદા જુદા
જેમ કાંટાઓમાં ગુલાબની જગા હોવી જોઇએ

પ્રેમ પથ પર મંજીલના નકશાના ના મળે
કોઇ હમસફરની સફરમાં જગા હોવી જોઇએ

એક વાર તમારી જાતમાથી બહાર નીકળૉ
કોઇના દિલમાં વસવા રજા હોવી જોઇએ

(નરેશ કે.ડૉડીયા)
—————————————-----------------------

આમ જ ન મહોરી ઊઠે આંબો મંજરીઓથી;
નક્કી કોઈ ટહુકો પાંદડે પાંદડે ફર્યો હશે !

આમ જ નદી આટલી રેતીથી લથબથ ન હોય
નક્કી રણની વચ્ચેથી પસાર થઇ હશે !

આમ જ ન હોય તમારા સ્મિતમા આવકાર
નક્કી અમારી કિસ્મતની લકિર બદલી હશે !

આમ જ ન હોય ભર ઉનાળો વંસતનો માહોલ
નક્કી તમારો પાલવ હવામાં લહેરાતો હશે!

આમ જ ન હોય આંખોમાં ઉજાગરાનો થાક
નક્કી રાતના સપનામાં મને મળ્યા હશે!

આમ જ ન હોય તમારા જોબનમાં મસ્તિનો માહોલ
નક્કી અમારા સ્પર્શની જોરદાર અસર હશે!

(નરેશ કે.ડૉડીયા)
————————————----------------------------
સમયના સંધાનમાં આપણુ અનુસંધાન શોધીશુ
એક પળ આવશે જ્યાં આપણુ સંધાન હશે?

જ્યાં સમય એવો આવશે જે આપણો જ હશે
રોકાશે સમય ત્યારે વિસામે આપણુ સંધાન હશે?

ક્ષરને અક્ષરોમાં કંડારવાની મથામણ કરીયે
કંયાં સુધી અક્ષરોમાં આમ આપણું સંધાન હશે?

ગર્ભિત સ્મિતને ક્યાં સુધી ઇશારા ગણીયે
સ્મિતની સાથે સુંગધમાં ક્યાંક આપણું સંધાન હશે

માનૂની કયારેક તો પીળા રૂમાલની ગાંઠને ખોલો
આપેલા વાયદાની ગાંઠમાં ક્યાંક આપણું સંધાન હશે?

સંવેદના બંનેની છે,કાંટાનું કે ફુલોનું સંધાન
સ્પર્શના આદર અને અનાદરમાં આપનું સંધાન હશે?

મૌનની મૌસમને તમે કયાં સુધી લંબાવશો
કયાંક તમારી વાણીમાં આપણું બોલકુ સંધાન હશે?


(નરેશ કે.ડૉડીયા)
—————————–-------------------------------

ફાગણની કુખે જન્મી હતી પ્રિત આપણી
વૈશાખમા કાળજાળ ઉનાળાસી તપતી હતી
રંગ કેસુડાના ઉડયા હતા અબોલ નયનોમાં
વંસતની વાટ પણ ક્યાં જોઇ હતી ઢળવામાં

કોરા મન કેરા આકાશમાં છવાયા વાદળૉ બની
અષાઢી મૌસમ છલકાય હતી પુરબહારમા
શ્રાવણમાં છલકાણા નદીનાળાને તળાવો
કેવા ભીંજાયા હતા બે અબોલ જીવ પ્રેમથી

ભાદરવામાં જાણે ગાંડો થયો પ્રેમનો હાથીયો
સૃષ્ટીને છોડીને વરસી પડયો આપણા બે પર
આસોના આગમનના વધામણા થયા ઉજાગરાથી
નવરાત્રીની રાત્રીમાં ફરી શરૂ થયા ફાગુ ગીત

શૃંખલાઓની ભરમાર હતી ચાર આંખોમાં
વરણાગી પ્રીત હતી નવરંગ કેરી ચુંદડીમાં
નવતાલી લીધીને પાછું ફરી ને જોયું તો,
બની ગયો હતો યુવાનીનો આલમ બેખબર,

આવી હતી શરદપૂનમની રાત શ્વેતચાંદની સંગે
દુધમલસી કાયાની અસર થઇ હતી અંગેઅંગમાં
દિપાવલીના દિપની જેમ રોશન થઇ જિંદગી
માંગી હતી તને કાર્તિકીપૂનમે પરિણય કાજે

થયો હસ્તમેળાપ મૃગશીર્ષમાં મનના માંડવે
બે હાથોની હસ્તરેખાઓ વેહવાની જગા થઇ

કંઇક મૌસમ આવીને ચાલી ગઇ દુનિયામાં
હજુ પણ તું એવીને એવી ગાંડી ઘેલી રહી
બદલાયા અમારા તોરતરીકા ને મિજાજ
તારી પ્રેમ કરવાની રીત એ જ પુરાણી રહી

(નરેશ કે.ડૉડીયા)
--------------------------------------------
મન હોય જો ઉદાશ તારું ને
કોઇને ચહેરે સ્મિત લહેરાય તે ગઝલ

કોઇ વિરહમા ઝુરતી પ્રિયતમાને
પ્રીતના પારખાને સાચ કરાવે તે ગઝલ

ઉદાશ સાંજે ખાલી જામના પ્યાલાના
ટંકારમાં મહેફિલની જેમ રણકે તે ગઝલ

એકલતામાં આંખમાથી સરી જતાં આંસુથી
કાગળ પર અક્ષરો રેલાય તે ગઝલ

હસ્તમેળાપ વખતે બંધ ખોબામાં જે
સમાયને સ્પર્શને જે સ્પર્શે તે ગઝલ

નવોઢાના ચહેરાની લાલીને નીહાળીને
પીયુના મનમાં ફૂટતા અરમાન તે ગઝલ..

પહેલા વરસાદના મિલનથી ધરતીને
ફાડીને ફુંટતી લીલી કુંપળૉ તે ગઝલ.

સર્વ મૌસમને એક કાગળમાં ઉતારીને
માહોલને મુશાયરોનો મિજાજ બનાવે તે ગઝલ

ભુખવડચકે આવેલા કોઇ ગરીબ કવિની
સોળ જાતના પકવાન સમી તે ગઝલ

સુફી સંતોને ગીત ગાતા બંદાનવાજોની
સનમને સુફીબંદિશે લલકારતી લય તે ગઝલ

ખંભે મણનું દફતર લઇ જતાં બાલુડાના
દફતર સાથે ઝુલતું બાળપણ તે ગઝલ

(નરેશ કે.ડૉડીયા)
———————————---------------------
ચણા મમરા ફાકીને થાકી ગઇ છે કલમ
બનવું હતું હિરોઇન ને બની ગઇ બાર ડાન્સર

મુજ પર સીતમ કરી ગયા મારી ગઝલના શેર
મારી લખેલી રચના બીજા કોઇના નામે કરી ગયા

ચાહતો હું એને ફુલ સમી કોમળ કળી સમજી
સળી કરવામાં એ એક પણ મોકો ના ચુકી

એને મળવા જાંઉ તો બસભાડાના પૈસા લાગે
મોબાઇલ કરવાં જાંઉ તો બેલેન્સ ના જળવાય

કેમ કરીને મનાવુ મારા પાગલ મનડાના મોરને
ખરી ગયાં તમામ પીછા તોયે કળા કરવાની નેમ

મળવાનો એક મોકો મળ્યો પગપાળાને અંતે
મિલન એ ક્ષણૅ હું બેભાન થઇને ઢળી પડયો

ખરેખર તે ઘડી બુદ્ધિ કશું બોલી નથી શકતી,
જયારે આપણે ફુટેલી કિસ્મતની રેખા બોલે છે

પ્રેમમાં અનેક દિવાનાઓની દિવાનગી બોલે છે
કડકીના કારણે ખાલી પેટમા ગલુડીયા બોલે છે

બહું ઉચી વાત કહી ગયાં ‘નરેન’ગઝલમા,
બાકી બચેલા શેર પથ્થરબાજી કરી ગયાં,
(નરેશ કે.ડૉડીયા)
—————————————–-----------------------

હોય છે ઘણા મણકાઓ માળા બનાવવા માટે
તુટે છે એ માળા ને ટપકે એક પછી એક મણકા
ત્યારે લાગે છે જાણે ઇર્શાદ-ઇર્શાદની રેલમ છેલ..

આ જિંદગીની જલન અને દુઃખ ને દર્દ
એ રોયા વિના ગાવા કરવા,આપણાથી એ ના બને
જોયે રાખ,સોયની નોક જેવા અક્ષરોથી કંઇ ઘાયલ થશે..

મુફલિસ,મંલગોની જેમ અમારી ગણતરી ના કરશો
દુનિયાવાલો,કંઇક સિતારાઓ ઘાયલ થઇને
અમારા પગમાં આળૉટવા મજબૂર બનશે.

એમ નહી જીતી શકો બાજી અમારી સામે
યાદ રાખજો,રાણી ને રાજા પહેલા ગુલામ હોય છે
જીતવું હોય તો,એક વાર ગુલામ બની દેખાડ

ભાઇ સા’બ બાપા,જી હજુરી આપણને ન ફાવે
એક વાર તું મને ગળે લગાડી ને તો જો
તારા ચરણૉની ધુળ થશું યાર!

ભલે અમે લાગીએ પથ્થર જેવા પાષાણ
એક વાર તું ધારા બનીને અમને ભીંજવ
આખે આખા મીણની જેમ પીગળી જશું બાપ !

આ ધંધાદારીઓથી અલગ રાહ પાડવા
અમસ્તો જ નથી બન્યો’નરેન’ શાયર
ઇશ્વર પાસે આબરુ બચાવવાના ઘણા ઉપાય છે..
(નરેશ કે.ડૉડીયા)
———————————————--------------------
અફસોસ એ વાતનો નથી કે તમે બીજાના બની ગયા
અફસોસ એ વાતનો છે કે અમે બીજા ના બની ગયા
----------------------------------------
ખૂશ્બુની સફર હોત તો ફૂલોને ચગદી નાખ્યા હોત
વાત આખા બગીચાની હતી,જે અમોને ખટકી ગઇ

કેવી આ કરૂણતા છે યાદોના ફૂલોનો ભાર અસહ્ય છે
વંસતને ખંભે લઇને ફરતા,ખંભાને વાત ખટકી ગઇ

કોને ખબર તમે કેમ વિતાવી જિંદગી અમારા વિના?
જીવો છો અક્ષરે અક્ષરમા,એ વાત ખટકી ગઇ

અમારા આંસુની ચમક જોઇને તમે ચમકી ન જશો
લોકોના ઉજળા ચહેરાને કલમની રોશની ખટકી ગઇ

શકયતાઓના ઉંબરાઓ ટપવાની વાત સરળ હતી ને
ભવોભવની વ્યથાઓ આપી ગયા એ વાત ખટકી ગઇ

(નરેશ કે.ડૉડીયા)
--------------------------------------
પ્રિયતમ ! તારી યાદમાં તારી
રાણીની વાણી પણ રડી પડે છે
સમીસાંજે મારું એક ડુસકુ
મંદિરના ધંટારવમાં દબાય જાય છે

સુરજના કિરણોની સાથે યાદોના
પડછાયા ઘરમાં ફેલાય જાય છે

ફરીથી એક ડુસકુ ! હા,પ્રિયતમ
મારું એક ડુસકુ !
આરતીમાં વાગતાં
નગારાના નાદમાં બ્રહ્મલિન થઇ જાય છે

તારી રાણી હવે પ્રભુના ચરણૉના આશરે છે
તું આવશે કે નહી,એ પ્રભું જાણે !

પ્રભુના સાંનિધ્યમાં તારી રાણીને
મારા પ્રભું દેવદાસી બનાવશે કે નહી?
એ પ્રભુ જાણે ?

મારી જિંદગીના પડાવો તારે નક્કી કરવાનાં છે!
હું બનીશ તારી રાણી કે મારા દેવની દાસી!

પ્રિયતમ એક વાત કહું..!
તું જ મારો રાજા છે ને તું જ મારો દેવ
તારી રાણી પણ હું બનીશ અને દાસી પણ,

હો, કે !

(નરેશ કે.ડૉડીયા)
-------------------

જિંદગીને કઈ ફરક પડતો નથી તમારા વિના
બસ યાદોના કાટમાળ તળે દબાય છે જિંદગી

કંઇક વિકલ્પોમાં જીવાય જાય છે જિંદગી
તારા વિના જિંદગીને થોડી કહેવાય છે જિંદગી?

તારી હાજરીમા જિંદગીમાં કઇક હતી લિલોતરી
હવે સુકાયેલી ઉર્મિઓ સહેરાની અસર તળે જિંદગી

જિંદગીની પણ કેવી વક્રતા છે,એક ક્ષણ પડે ભારી
ઘણા પ્રેમીઓ જેને ઓછી પડી એક જિંદગી

તારૂ સ્થાન અડગ છે ક્ષિતિજના પટ પર હમેશા
રોશનીથી રોશન હશે ક્ષિતિજ પાર એક જિંદગી

સ્મરણૉની ભીનાશ સતત છવાયેલી રહેશે આંખોમાં
આકાશી વાદળૉની જેમ ભાર રહીત છે જિંદગી

સુરજની રોશનીથી રોશન છે દુનિયા આખીની જિંદગી
અસર એવી પડી દિવા તળે અંધારામાં જિંદગી

વિસામો છોડીને ઉડી ગયા યાયાવર પંખીની જેમ,
છોડી ગયેલા પંખીઓના માળા જેવી અમારી જિંદગી

(નરેશ કે.ડૉડીયા)
------------------------------------
નાચ ગુજરાતણ, નાચ ગુજરાતણ,
રે ગુજરાતણ નાચ તું મન મુફીને નાચ
નીચે ધરતીને ઉપર ગગન
આજુ બાજું પ્રકાશ છે તારે કાજ
શાને તું લાજ!સઘળી સૃષ્ટી છે તારે કાજ
નાચ ગુજરાતણ નાચ બાઇ તું મન મુકીને નાચ

હાથ હલાવ, ઘેરદાર ઘાઘરાને ઘુમાવ
તાલ દે ને પગ ને દે ઠમકારો
ઉછાળ તારી મસ્તીનો ગુલાલ ને
ભરી દે રંગ તારી ચુંદડીમાં,
નાચ ગુજરાતણ નાચ,બાઈ તું મન મુકીને નાચ,

અવસરના ચુકીએ એવાં ગુજરાતી અમે
વધાવી વિધાતાના ખેલ રમતા રમતા
આંનદ અવસર રુડા છે દીન રાત,
સઘળા વિશ્વને મુઠીમાં સમાવતા એવા ગુજરાતી અમે
નાચ ગુજરાતણ,તું સારા વિશ્વને નચાવ
નાચ ગુજરાતણ નાચ,બાઇ તું મન મુંકીને નાચ,

ખુલી ગયાં છે ભાગ્ય આજ
સર્વ સુખ છે તારે સાથ
આભે ચમકે તારાઓ તારે કાજ
વધાવ ગુજરાતણ ચાંદાને આજ્
નાચ ગુ જરાતણ નાચ,બાઇ તું મન મુકીને નાચ,

ઘાણ,પખવાજ ને નોબત વાગે છે
ઢોલ્ નગારાંને ડમરાની ડમડમાટી
સાવજની ડણકને મોરના ટહુકાં
સઘળાં સંગીત છે તારે કાજ
નાચ ગુજરાતણ નાચ,બાઇ તું મન મુકીને નાચ,

તારી આંખોને નચાવ,તારી કમરને લટકાવ
કરી લે લટકાને ઝટકા ને મસ્તિના તું દે ફટકા
નારી દેહમાં ભરી મરદાનગી
દેખાડ તારું ગુજરાત તણુ ખમિર
નાચ ગુજરાત નાચ બાઇ તું મન મુકીને નાચ,

સૃષ્ટી કેરા રૂડા અવસરોનું ધામ એવું ગુજરાત
કચ્છ,કાઠિયાવાડની ધીંગી ધરાના ખાધા છે ધાન
ખમિરવંતા ગુજરાતની અમે લટકાળી નાર
નીકળી પડીયે નવરાત્રીમાં સોળે સજીને શણગાર
નાચ ગુજરાતણ નાચ,બાઇ તું મન મુકીને નાચ,

આવી માતા કેરી ભકિતની નવરાત
નક્કર ને ધીંગી કાયા ને ગહેકતાં ગળામાંથી
નીકળશે ભકિત કેરા ગીતોનો રસથાળ
જુવાનીયા ને જુવાનડી રાસડા લેશે સારી રાત
નાચ ગુજરાતણ નાચ,બાઇ તું મન મુકીને નાચ,

ઉતરી પડશે ખૈલયાઓ,તસતસતા લાલ કપડા ને
કડલા,કાંબી,હાંસડીને બલોયા રણઝડી ઉઠશે
લાલ રંગે રંગાયેલ ચણિયાચોળીમાં ગુજરાતણો
કોયલડી જેવાં કંઠે ગુંજવશે નવે નવ રાત
નાચ ગુજરાતણ નાચ,બાઇ તું મન મુકીને નાચ

(નરેશ કે.ડૉડીયા)
-------------------------------------
મને પામવાની લગાતાર વ્યર્થ કોશિશ ન કર
આયનામાં તું તસવીર શોધવાની લગાતાર કોશિશ ન કર,

ખુદાએ જે રસ્તાઓ અને મંજીલ અલગ બનાવી છે
મંજીલ પામવાનો નથી,ખુદને ભટકાવાની કોશિશ ન કર,

જિંદગીના દરેક રંગોની કહાની છે અલગ અલગ
મેઘધનુષને તું ઉનાળામા પામવાની ખોટી કોશિશ ન કર

હોય અક્ષરોની બાંધણી તો ગઝલ કે કવિતામાં ઉતારું
કિસ્મતની લકિરોને નવો મોડ આપવાની કોશિશ ન કર

માંગી લેવાની તને ઘણી ઇચ્છા અને અરમાન હતાં
કિસ્મતના કાણા પાત્રમાં તું માંગવાની કોશિશ ન કર.

ઇચ્છાઓના નગરમા અરમાનો અમારા અબજોપતી હતાં,
સરસ્વતી ખોડે રમનારો,લક્ષ્મીને પામવાની કોશિશ ન કર

જીવાડે પ્રેમથી એવા રાહબરની હવે ક્યાં તલાશ છે
ગઝલ લખેલા પાનામાં, તું પામવાની કોશિશ ન કર

મને પામીશ તો આ પામર તને કશુ નહી દઇ શકે
મૃત ઇચ્છાઓને તું જિવીત કરવાની કોશિશ ન કર

(નરેશ કે.ડૉડીયા)
--------------------------------------
ના બાંધ તું આટલી મૌનની દિવાલો આપણી વચ્ચે
મારી સંવેદનાના પડઘાથી સોંસરવા બાકોરા પડી જશે.

ના ખેંચ આટલી મોટી લક્ષ્મણ રેખા આપણી વચ્ચે
મારા અરમાનોની આહટથી ધરતી પણ ફંટાય જશે.
...
ના બાંધ તું આટલી પાળ આપણા કિનારા વચ્ચે
દીલમાં ઉઠતા તોફાન બધુ એક સાથે ઘસડી જશે.

ના પાછુ ઠેલવ આપણુ મિલન સમયના વાયદા વડે
કાયદાની બહાર રહીને અરમાનો તને વિંટળાય જશે.

ના ખેલ રસ્સીખેંચની રમત તારા નાજુક હાથ વડે
તારા નાજુક હાથની રેખાઓ એક ઝાટકે બદલી જશે

ના નાંખ આટલા પાસાના દાવ પ્રેમની ચૉપાટ તળે
મારી એક જ શકુની ચાલ વડે પાસાઓ બદલાય જશે

ના બાંધ આટલી સરહદો આપણા સંબધોના છેડે
નાજુક મન ક્યાં જાણે છે ક્યારે સરહદ બદલાય જશે?

ના તડપાવો ફુલો સમ દેખાવ ને ઝાકળમા મોહરા વડે
રસજ્ઞ ભમરાઓને નથી ખબર કે સાંજે ફુલો કરમાય જશે?

(નરેશ કે.ડૉડીયા)
-------------------------------------
માંગી હતી ક્યા તારી પાસે જિંદગીની દોલત
તમારી ચાહત મોંઘી મોલાત હતી એ ખબર નહોતી?

નસીબ હતા મુજને ખિલાફ કે તારી ચાહત
ચાહતની બાજી કેમ ખેલવી એ મને ખબર નહોતી?

પ્રેમમાં ક્યા વેપારી નીતિ અપનાવુ મારી
કાંડા કાપી લેવાની તમારી કળાની ખબર નહોતી?

હક્કીત અને સપનાને જોજનના અંતરો છે
પાકટ થયેલી આંખો એ વાતની ખબર નહોતી?

અમે સપના જોવાના ગુના કર્યા નાદાનપણે
ઠંડે કલેજે દિવાનાને વિંધી નાંખશો એ ખબર નહોતી?

હતી આશ અમને પ્રેમના પંથે વહેવાની
નાખી હશે તમે કોઇ આડ એ ખબર નહોતી?

સપનાની પણ કિંમત હોય એ ક્યા ખબર હતી
લાખોના સપના કોડીના મુલે વેંચાશે ખબર નહોતી?

સરળ હતું અમારૂ વેપારી ગણિતને નીતિ સાચી
તમારૂ ગણિત હશે ગલતફહેમીનું એ ખબર નહોતી?

ભીતરનો તાપ અમારો જલાવ્યો તમારી રોશની કાજે
હાથ તપાવી પોબારા ભણી જશો એ ખબર નહોતી?

…(નરેશ ડૉડીયા)
-------------------------------
રાતોની અદબ ક્યાં પાડી છે જ્યારે જ્યારે તું આવી છે,
સંવેદનાને ક્યાં સંસ્કાર નડયા હતા જ્યારે તું ખીલતી હતી,

ગુંજતી રહેતી હતી સતત બે શ્વસોની ટંકાર તણી ગઝલ,
જ્યારે જ્યારે તારા શ્વાસોમાંથી શબ્દોની ખૂશ્બૂ નિખરતી હતી,

હવાને પણ એક ધુન ચડતી રંગેચંગે નાચતી આઠે પહોર,
પ્રભાતના પુષ્પોની તાલાવેલી અડધી રાતે ખિલતી હતી

બેલાની ફુલોની જેમ ખીલતી તારા અંગે અંગની ડાળી ડાળી,
નદીઓ સાગર માટે આતુર હોય તેમ તૃષા તારી જાગતી હતી

સુકાયેલી લાગણીઓને ભીંજાવતા આપણે ઠેઠે મુળીયા સુધી,
વહેલી સવારે લાગણીઓ ઝાકળ બનીને ફૂલો પર રમતી હતી

પરચમ તારો લેહેરાતો હતોને ભકિત તારી કરતો રાતભર,
તારા ખુલ્લા બાલોને સંગસંગ હવા શરાબી બનીને ઝુલતી હતી

આરસની ફરસ પર ફેલાય જતી તારી સંગેમરમરસી કાયા,
બારી વાટે ચાંદની તને જોઇને ચાંદને વારે વારે રીઝવતી હતી

ચંદ્રને પણ માયા તારી લાગી,નિરખતો હતો તને રાતભર,
ચાંદની સફેદીમાં તું જીવતા તાજમહેલ જેમ ચમકતી હતી

આંખો અંજાય ગઇ ચાંદને કરતો જોઇ ચેડા તારી સાથે,
ભીંજવતો રહતો રાતભર તને,હાલત મારી કફોડી થતી હતી

ભારી થતી આંખો મારી રંગ ચડતો કંસુંબલ ઉજાગરાનો,
ઉષાના આગમન સુધી અર્ધજાગૃત આંખો મારી જાગતી હતી

(નરેશ કે.ડૉડીયા)
---------------------------------------------
તારા વિરહની શું વાત કરૂ,કેમ રાતો વિતાવી?
એ હક્કીકતોના બયાન આંસુઓના ઉત્સવોમાં ઉજવાય છે

વંસતને વિદાય કરી છે લીલા તોરણે અને
તારા વિના પ્રણયના આંગણે પાનખરનો ઉત્સવ ઉજવાય છે,

ભેંકારતા ભાસતી રાતોને એકલતા એકીશ્વાશે હાંફતી હતી
ઉજાગરા ભરેલી આંખોમાં હવે વેદનાઓના ઉત્સવ ઉજવાય છે

સુરજની રોશનીમાં દેખાતા લાલ ચણોઠીના ખેતરો
પરોઢના નમીમાં હવે સુરજના તાપનો ઉત્સવ ઉજવાય છે

સમી સાંજના ઉજાસમાં આખેં આવતા અંધારા અમાપ
ગુજારેલા સમયના અંજવાળાનો અંધારામાં ઉત્સવ ઉજવાય છે

તારા ગયાના દિવસો ગણવા અટપટા લાગે કેમ
જામની પ્યાલીઓ સાથે હવે ખ્યાલોના ઉત્સવ ઉજવાય છે

મારા ચોપડે તારા નામના ખાતે બોલે છે ઉધારી અનેક
પાછી નહી વળે ત્યાં સુધી ગણતરીના ઉત્સવ ઉજવાય છે.

(નરેશ કે. ડૉડીયા)
-----------------------------------------------

કૈંક હોવાપણાની ઉમરકેદ ભોગવી લીધી
ગઝલગઢમાં જિંદગીની નવી કેડી શોધી

દિલાશો,સાંત્વન જેવા શબ્દોને રજા દીધી
જીંદગીને જીવવાની એક નવી રીત શોધી
...
ઘટના કોઇ અમસ્તી નથી બનતી અહીં
કિનારેથી ડુબાડવાની નવી તરકીબ શોધી

મસ્તિકના વિચારે ચકડૉળે ચડે છે અહીં
મેળૉ નથી તો યે હેલે ચડવાની રીત શોધી

ભીંજાતી કોર મહી ભેજ સહેજે સુકાય નહી
વેદનાને ભૂલવા ગઝલ મહી ઓથ શોધી

સૌંદર્યના સંશોધનોના શબ્દો ખુટી પડયા
ખુદાને સનમ કહેવાની નવી રીત શોધી

ગઝલને તને ગાંઠી ગઇ ને તું ગઝલ ને,
વેપારીએ શાયરીના ધંધામાં નવી તક શોધી

(નરેશ કે.ડૉડીયા)
------------------------------------

કરીને બેવફાઇ એ કોઇની બાહોમા ગીત ગણગણે છે,
એના મીઠા સ્મિતની પાછળ ખંધાઇ બોલે છે

નજરોના સળગતા તીર સાથે કાકડા ફેકે છે,
લજ્જા વિહોણી આંખમા બેવફાઇનો કિસ્સો બોલે છે

ઠેકડી અમારી ઉડાડી સરાજાહેર બદનામ કરે છે,
જિવવાલાયક ઘડીનો ઘડોલાડવાનો ઇરાદો બોલે છે,

તારી ફુટેલી કિસ્મતની ચિરફાડ કરે છે,
એક પ્રેમની લકિરને મીટાવવાનો ગુનો બોલે છે

હવે આદત પાડજે તારી ગઝલને ઉદાસીથી રંગવાની
દરેક દિવાનોની પાછળ એક ખૂબસૂરત કિસ્સો બોલે છે

આંસુને કિસ્મતમાં લખેલું છે વહીને સુકાય જવું
તારી ઉદાસીની આગળ તારું સદાબહાર સ્મિત બોલે છે

(નરેશ કે.ડૉડીયા)
---------------------------------------------
શૂન્યતાના સિમાડાઓનો વ્યાપ વધતો જાય છે
એકડાઓની માન્યતા તું ઘુંટવાનું હવે બંધ કર.

સંબધોનુ નહીં હોય ગણિત જે તું કંઠસ્થ કરી શકે
તારી વેપારી પેઢીની જેમ જાંગડ વ્યવાહર બંધ કર

માન્યતાની પણ એક હદ હોય છે દરેક સંબધોમાં
થાકી ગયેલા સંબધોને હવે દોડાવવાનું બંધ કર

સંબધોનું આકાશ છે હથેળીમાં ચાંદ-તારા મઢેલું
મધ્યાહને હોય સુરજનુ મોં ચઢેલું તું આંખોને બંધ કર

નહી મળે સંબધનું અખિલ બ્રહ્માંડ જેને તું ઝંખે છે
ઉપગ્રહો ટકરાય છે મતભેદમાં,એ જોવાનું બંધ કર

સંબધોનાં પરિમાણ માપવાના કોઇ યંત્ર ના હોય
દરેક માટે હ્રદયની પ્રયોગશાળાનો ઉપયોગ બંધ કર

(નરેશ કે.ડૉડીયા)
---------------------------------------
પ્રેમદિવાનાઓને સપના શું હોય કે શું હક્કીત હોય!
ના હોય મદિરા તો પ્રિયતમની આંખોના જામ છલકાવે છે.

પ્રેમદિવાનાઓને મિલનની શાશ્વતતા શું હોય કે દુરતા!
વિરહની રાતોમાં કાગળો પર આંસુના પુર છલકાવે છે.

સદા ગીત ગાતા એ દિવાના પ્રિયતમાના તાનમા!
ગુલાબી સનમને હોઠે સજાવી મૌસમને છલકાવે છે.

હોય ખુદાકે પ્રિયતમાનું સાનિધ્ય આ દિવાના માટે!
અલગારી કૈક સનમ માટે સુફીરાગે તાલ છલકાવે છે

વગર ચોમાસે વરસાદ વરસાવતા એ પાગલ દિવાના!
સદા દીઠતા કાળી ઝુલ્ફોના છાંવમાં ઘટા છલકાવે છે

પાપણૉમાં સદાય મસક ભરી રાખતા પાણીની દિવાના!
વેદનાની તરસ છીપાવતી આખોંની મસકો છલકાવે છે

દુનિયાદારી ભૂલીને પ્રેમમાં પાગલ બનતા આ દિવાનાઓ!
મયખાનામાં ભેગા થતા કિસ્મત ફૂટેલા જામ છલકાવે છે.

(નરેશ કે.ડૉડીયા)
------------------------------------
છળકપટ કરે આ રૂપાળા ફૂલો ખૂશ્બૂઓથી તરબતર થઇને
આ સુંગધી ચાલની પાછળ રંગબેરંગી પંતગીયા કાયલ છે.

નથી જવું તારા એ ખૂશ્બૂસભર બાગબગીચાના માહોલમાં
જ્યાં ભમરાઓનો ફુલોની ચુમવાની મજુરી લેવી પડે છે?

મૌસમને પણ વારંમ વાર તકાજા કરવા પડે છે વંસતને,
જા નથી ખીલવું!ફુલોની આ ભૂલનું પરિણામ ધાતક છે

કરમાયેલા ફુલોના ચહેરા પર હાસ્યની બુંલદી છલકાય છે,
કરેલી ભૂલોના હોઠો પર ભમરાઓના ગુંજનના નિશાન છે.

ખૂશ્બૂની સફર હવે આસાન નહીં હોય,સર્વ કળીઓ સાંભળૉ!
બાજુંમાં અન્ય માળીઓ પણ નવા બાગકામમા મશગૂલ છે.

(નરેશ કે.ડૉડીયા)
--------------------------------------------
જિવનમાં આવતી પ્રેમની મૌસમના રંગ પણ જુદા છે
હોય રાધા કે મીરાં અંતે તો વિરહમાં ઝુરવાનું છે.

દરેક પ્રેમીઓના રાહ એક જ હોય છે પ્રેમપથમાં
કોઇને રાધાના તો કોઇને મીરાનાં નશીબનું મેળવવાનું છે

પ્રેમ કરવો એટલે પામવું એવું તારું માનવું છે?
પ્રેમ કરવો એટલે મેળવવાની સાથે ગુમાવવાનું છે

વ્હાલપની વેદનાની મૌજ વિરહમા માણીશુ
આપણે ખિજડાના પાનના તોરણને આંગણે ઝુલાવવા છે

વંસતોને આપણે લિલાતોરણે વિદાય કરશુ
પાનખરને આપણે પ્રેમથી લીલા તોરણે વધાવવી છે

(નરેશ કે.ડૉડીયા)
----------------------------------------
મલપતિ ચાલે રાતે આવીને અચાનક મેઘ
ભીંજાયને કોરીકાટ ધરતીના નીખર્યા અંગેઅંગ

જો તો ખરી ધરતીએ કેવા ધીંગા રૂપ ધર્યા
છલક્યા ખુશીના જામ શબનમી રંગે અંગેઅંગ

લીલા રૂપને જોઇને આંખોમા જોબન છલકે
ટહુકે દિલડાના મોર એક સામટા અંગેઅંગ

જોબનની જાણે લાગી કુંપળૉની વણજાર
ઘટાટોપ ઝાડને લાગી નવી રંગત અંગેઅંગ

ફુટી નીકળી છે તકદીરની તકરીર કરતી
લીલા ઘાસમાં નીખરી ગઇ ભીનાસ અંગેઅંગ

ફુલોને પાનને જાણે લાગ્યો જવાનીનો રંગ
સુહાગરાત પછી નવોઢાના નવા રંગ અંગેઅંગ

ધોળા દેખાતા વનફુલો બની ગયા લાલચોળ
સુકાયેલી નસોમાંથી પાનખર ગાયબ અંગેઅંગ

નમણી નવલલિતા કેરી મહેકે છે હવા સારી
જાણે કોઇ નાજુક હસીનાઓ સ્પર્શ અંગેઅંગ

વરસી ગયો ઓળધોળ થઇને વિલાસી મેઘો
નવપલ્લિત કરી ગયો નદીઓને અંગેઅંગ

(નરેશ કે.ડૉડીયા)
----------------------------------------------
ચાતકના ટોળાને છૉડીને હવે અમે મોરના ટૉળામાં ભળી ગયાં છીએ
દુનિયાદારીની સામે થવા મોરની જેમ કળા કરતા શીખી ગયા છીએ

હતી અસર અમારા પર દિવાનગીની,કરતા રહ્યાં બંદગી ખુદા સમજી
બુતપરસ્તીના માહોલમાં અમે કેમ આરતી ઉતારવી શીખી ગયા છીએ

જીવનભર સામે આવતા તોફાનોને હું સામે ચાલીને વધાવતો રહ્યો
હવાને તેના વર્તનની ગહેરી અસર હતી,એ અમે જાણી ગયાં છીએ

એમના કરેલા દરેક ગુનાહની સજા હું સમજયા વિના ભોગવતો રહ્યો
આ તેમની સમજી-વિચારેલી ચાલ હતી,એ અમે જાણી ગયા છીએ

સપનાઓ અમારા દાટી દીધા એને બનાવેલી હક્કીતની ભૂમિ પર
હજું ત્યા યાદોની માટી ભીની છે એ વાત અમો ભૂલી ગયા છીએ

પ્રણયભૂમિ પર નિર્દોષ કબુતરો ગુટરગુ કરતા પ્રણય મસ્તિ કરે છે
અહીંયા અમે જવાન મુરઘાઓ જેમ મુંગામોઢે હલાલ થઇ ગયા છીએ

સુકાયેલી રેતીના રસ્તા પર ભીના પગલાની છાપ વર્તાય રહી છે,
આંખોમાં પસ્તાવાની ધાર ફૂટી રહી છે,એ અમે જોઇ ગયાં છીએ

(નરેશ કે.ડૉડીયા)
-----------------------------------------------
લાગે છે આજે મેં તને ફરિસ્તાની આંખે નિહાળી છે;
એટલે જ તારા સૌંદર્યમાં એક દિવ્ય જ્યોતી નિહાળી છે.

લાગે છે આજે મેં તને નવાબી આંખે નિહાળી છે
એટલે જ તારી અદામાં પાકિઝાની નઝાકત નિહાળી છે.

લાગે છે આજે મેં તને પ્રેમીની આંખે નિહાળી છે;
એટલે જ તારી આંખોમા તોફાની સમુદ્રની લહેરો નિહાળી છે.

લાગે છે આજે મેં તને કવિની આંખે નિહાળી છે;
એટલે જ તારી રૂપમાં ગઝલની મસ્તી નિહાળી છે.

લાગે છે આજે મેં તને શિલ્પીની આંખે નિહાળી છે;
એટલે જ તારા કમનિય વળાંકોમાં કોતરણી નિહાળી છે.

લાગે છે આજે મેં તને ઝેસલની આંખે નિહાળી છે;
એટલે જ તારા અસ્તિત્વમાં સતીત્વની ઝલક નિહાળી છે.

લાગે છે આજે મેં તને ક્રિષ્નાની આંખે નિહાળી છે;
એટલે જ તારા વર્તનમાં રાધાની સાધના નિહાળી છે.

લાગે છે આજે મેં તને કાલિદાસની આંખે નિહાળી છે,
એટલે જ તારા શરીરમાં મેઘની ભીનાશ નિહાળી છે.

લાગે છે આજે મેં તને ચિત્રકારની આંખે નિહાળી છે
એટલે જ તારાંમાં સ્મિતમાં મોનાલિસાની મસ્તી નિહાળી છે

લાગે છે આજે મેં તને શરાબીની આંખે નિહાળી છે
એટલે જ તારા યૌવનમાં આઠોજામની ખુમારી નિહાળી છે

લાગે છે આજે મે તને 'અસિમ રાંદેરી'ની આંખે નિહાળી છે
એટલે જ તારી નખરાળી ચાલમાં કોલેજે જતી'લીલા'નિહાળી છે

લાગે છે આજે મેં તને 'રમેશ પારેખની' આંખે નિહાળી છે
એટલે જ તારા સ્નેહમાં 'સોનલ'ની સાલિનતાં નિહાળી છે

લાગે છે આજે મેં તને'ફરાઝ અહેમદ'ની આંખે નિહાળી છે
એટલે જ મેં તને આંખોને ભરીભરીને ટીકીટીકીને નિહાળી છે

લાગે છે મેં તને મારા ખૂદની આંખે નિહાળી છે;
એટલે જ મેં તારી આંખોમાં મારી દુનિયા નિહાળી છે.

(નરેશ કે. ડૉડીયા)
-------------------------------------
નહીં ફંફોસ મારો ચહેરો,કંઇક સવાલોનો છે મહોરો
તારા મનગમતા દરેક સવાલનો જવાબ છે ચહેરો

રૂપાળા કૈંક ચહેરાની પાછળ છે ખૂબસૂરત મહોરો
કૈંક અરમાનો ને સપનાઓને છુપાવી રાખે છે ચહેરો
...
નથી રમતનો સવાલ,જવાબ હારનો છુપાવે મહોરો
તમારી રાજરમતમાં પ્રેમથી હારી જાય છે આ ચહેરો

સમયની ખુલ્લી કિતાબના પાનાની પાછળ છે મહોરો
દીસે દરેક પાને અધુરા પ્રકરણ જેવો છે આ ચહેરો

તમે માંગી લો દુનિયાભરની ખૂશી આપી દેશે આ મોહરો
લાખો રિયાસતોને લૂટાવી ઠાઠથી બેઠો છે આ ચહેરો

કૈંક પાનખર,થંડી-ગરમીની મૌસમ ઝીલે છે મોહરો
હજું તમારા નામની એક વંસતને સાચવે આ ચહેરો

તમે નહી આવો એ શકયતાને વળગી રહ્યો છે મહોરો
જો તમે આવશે તો પૂજયભાવે નમી પડશે આ ચહેરો

(નરેશ કે.ડૉડીયા)

----------------------
તરવેણીનો મેળો ..
આ નિર્જન પ્રદેશમાં ભરવાડ-રબારીઓ આવશે
ભરવાડણ અને રબારણ આંખી રાત રાસડા લેશે.

નક્કર અને ધીંગી કાયાનાં ઊછાળા,
...નરવા અને ગંહેકતા ગળા..વાહ ભૈ વાહ..!
આ ડુંગરા પણ શોભી ઉઠશે એના રૂપથી

એક રૂપનગરી..તસતસતા કાપડા ને કસો
લાલ રંગે રંગાયેલા દાંત,બલોયા,કાંબીને કડલા
હાંસડીને પોખાનિયુ

આખી રાત ઢોલ અને પડઘમનાં તાલે
અને કોયલડી જેવા કંઠે ગાતી
લોઠકી કાઠિયાણીના ગીતોની રેલમ છેલ બોલશે

અને હેઇ ને....
જુવાનીયાની કાયા ઊછળી ઊછળીને રાસડા લેશે
અરે બાપ ...
આ કાઠિયાવાડની ધરતીનો ઓછવ છે.

આંઇ પાણીને માંપીને પીવાય છે
ને ભલભલાના પાણી મંપાય છે.

(નરેશ કે.ડૉડીયા)
--------------------------------------
ભરી પડી છે ફુલોની ડાળી અને મહેકી રહી છે મૌસમ સારી
સ્વાગત કરવા મૌસમેને તૈયારીનો થઇ ગયો છે હુકમ જારી

વાદળોને પણ ચાનક ચડી છે ઢાકીને બેઠા છે સુરજને વારી
તડકાને કોરાણે મુકવા મેઘરાજાને થઇ ગયો છે હુકમ જારી,

સ્વાગત તમારૂ કરવા કુદરત પણ બની છે બાવરી બાવરી
રંગેચંગે વધાવવા સારું વંસતને થઇ ગયો છે હુકમ જારી

રૂપની ચર્ચા ચાલે છે કાને કાને અને ફુલોને ડાળી ડાળી
પાનખરને પીળાપાને રવાના થવા થઇ ગયો છે હુકમ જારી

દિવાના બન્યા છે મોરલા અને બાપૈયા ટહુકે છે વારી વારી
મીઠા મધુરા ટહુકે વધાવવા કોકિલોને થઇ ગયો છે હુકમ જારી

ક્યારી ક્યારી ભીનાશ ભરી પ્રતિક્ષા કરે છે ક્યારની તારી
ફુલોને તારા નામની છડી પોકારવાનો થઇ ગયો છે હુકમ જારી

રંગોની કરામત ભાળી ભમરાએ કર્યુ છે ગુંજન ડાળી ડાળી
ડોલન શૈલીમાં ડોલવાનો ડાળીઓને થઇ ગયો છે હુકમ જારી

લીલા ચટાની મેદાનો બની ગયા છે મુલાયમ જાજમ તારી
તારા પગલાને વધાવવા શબનમને થઇ ગયો છે હુકમ જારી

સુરજને પણ છે તારા રૂપની ચાહત,જુએ ચમકી ચમકીને વારી
વાદળોની પાછળથી ડોકીયા કરવાનો થઇ ગયો છે હુકમ જારી

હું તો માનવ થઇને પુલકિત થયો છે જોઇને અદા તારી
જોબનની ડાળીએ ઝુલવાનો મનડાને થઇ ગયો છે હુકમ જારી

આપના આગમનની પ્રતિક્ષા કાજે તૈયારી છે મારી સારી,
તારા જોબનને ભરી પીવાનો ઉંમગોને થઇ ગયો છે હુકમ જારી

(નરેશ કે. ડૉડીયા)
------------------------------------------
મારી યાદોની ગુંજ તને આવતા જન્મમાં સંભળાશે.
આવતા જનમારા સુધી આપણે પણ વાટ જોઇશું?

ભલે મળીશુ આપણે આ જન્મારા પુરા થયા પછી,
તારી યાદોની ટિપણ બની છે લાંબી એ પણ જોઇશું?

સ્વર્ગમાં પણ આપણને સુખ ચેન મળે કયાંથી,
હશે અનેક કિસ્મતના ફુટેલાનૉ જમાવડૉ એ જોઇશું?

ઈશ્વર સાથે હું પણ લડીશ બસ તારો સાથ જરૂરી,
તને પામવાં સત્યાગ્રહ કરીને સત્યની અસર જોઇશુ?

પછી હું પણ જોઇશ કે મારો પ્રેમ સાચો કે ઇશ્વર,
રામનાં નામે જિંદગી જીવનાર ગાંધીની અસર જોઇશું?

ઇશ્વર સામેની અહીંસક લડતની લડાઇ લડીશું
ગાંધી ચીંધ્યા માર્ગની અસર કેવીક છે એ જોઇશું?

તું ભલે આ જન્મમાં મારી ન બની શકી તું,
હવે આવતા જન્મની આઝાદીનો સુરજ પણ જોઇશું?

(નરેશ કે. ડૉડીયા)
----------------------------------------
હાલત દિલની સમજાવવી બહું મુશ્કેલ છે,
મારા બેસુમાર દર્દોનો તારે ઇલાજ કરવો પડે છે

જાણે અજાણ્યે કેટલી યે ભુલો થઇ ગઇ છે,
છંતા પણ તારા પાસે એકરાર કરવો પડે છે

એક પળ જિંદગીની જિંદગીથી દુર થતી ગઇ,
મિલન કાજે તારો જ આશરો માંગવો પડે છે

પ્રેમને એ જ સમજે છે જેને ઠોકરો ખાધી છે,
ફરી ઉભા થવા માટે તારો સહારો માંગવો પડે છે

આંખો ભારી લાગે છે જાગવાની કોશિશ કરી છે
જિંદગીને પણ તારો શ્વાસ ઉધાર માંગવો પડે છે

મુજ વ્યથા અને વેદના તારા તક સિમિત છે,
પીડાથી પર થવાં સ્મિતનો સહારો માંગવો પડે છે

રહી જશે એક ઇચ્છા અધુરી જાતી જિંદગીએ,
જીવવા માટે પણ તારે અધિકાર આપવો પડે છે

નથી અમૃત કે મયની આશ હવે જિંદગીમાં
તારે હાથે જે મળે એ નશો કબુલ કરવો પડે છે

'વ્હાલી'ભલે થઇ જાય આપણુ મિલન આ જન્મમાં
રાધા હોય રૂપાળી તોયે શ્યામને કબૂલ કરવો પડે છે

(નરેશ કે. ડૉડીયા)
-----------------------------------

તૃપ્તીનો એહસાસ કરી લેજે આજ,
મયખાનૂ છે આજે તારે કાજ.
ભરી લે ભરી લે જામને આજ,
કરીલે મસ્તી આજે બે બે વાર.

હોઠો તરસ્યા છે આજે જામને કાજ,
આંખો પ્યાસી છે સાકીને કાજ.

કોઇની સોનેરી લટને કોઇની કાળી લટ,
કોઇનું રૂપેરી મુખને કોઇનું ગુલાબી સુખ.

આ જન્મારો છે ચોરાસી અવતાર બાદ,
પ્રીત પીયુને પાનેતર છે તારે કાજ.
કરી લે કરી લે પ્રિયાનો પોકાર,
દે આલિંગનને કરી લે પ્યાર.

આ જ છે ભવસાગરનો સાર,
સંભળાય છે તને પ્રિયતમાનો સાદ.
પ્રેમ કરે છે તને દુનિયા આજ,
તારું વેપારી સત્ય સાચુ છે બાપ.

છોડી દે સંસાર ત્યાગની વાત,
બ્રહ્મચર્ય છે બાવાઓની વાત.

(નરેશ કે. ડૉડીયા)
------------------------------
સમાવી અમે જાતને વરસાદમા છત્રીને શરમાવી દીધી
એને તો આંખ જ માંડી,મેં તો હેલી વરસાવી દીધી,

કોરા કોરા કંઇક વર્ષોના હિસાબ પલમા સરભર કીધા
બાકી બચેલી સિલક પણ મેં એના હોઠે ચોટાડી દીધી

કોરો કાટ થયો હું અને તો યે વરસાદ કહે વન્સમોર
પછી તો શું થાય?,અમે છત્રીની આડસ ધરી દીધી

વરસાદ નામે કંઇક ખેલ થયાને છત્રી કહે'મારું શું કામ?'
છત્રીને કહ્યું'તું મોજ માણે?'મેં છત્રીની આડસ હટાવી દીધી

છત્રી કહે'આ તો નાઇનસાફી કહેવાય,હું એક ને તમે બે?'
છત્રીને નિર્વસ્ત્ર હવાનો મેળાપ કરાવી કાગડૉ બનાવી દીધી

(નરેશ કે.ડૉડીયા)
-----------------------------------------
લાગણીના ટકોરા મારીને હ્ર્દયના દરવાજા ખોલો
અધુરા સપનાઓથી આંખોમાં હવે લજ્જાનો બોજ લાગે છે

પાનખરની લાંબી મૌસમને તમે વિદાય આપજો
વંસતની ટૉકરીઓનો હવે બેય હાથોને ભાર લાગે છે

સઘળા પ્રયાસો પછી સુખદ અંતની આશા જાગી છે
અરમાનોને પાંખો આવી,આભનો પનો ટૂકો લાગે છે

વિતેલા દિવસો હવે પાછા નહી ફરે,બાંધી છે વાડ
જોઇ લીધી તમારી નાડ,ત્યા મારું નામ લાગે છે?

‘નરેન’ફરીથી એ રાહ પર કદમ મુકયા છે તમે
તમારા દાટેલા સપનાઓને હવે ફુલોનો ભાર લાગે છે?

માળીને કહો કે હવે દરવાજા ખોલે બાગના તમામ
ફુલઝાડને પણ ખિલવા માટે મૌસમની ચાહ લાગે છે?

પ્રણાલિકા તોડીને લાગણીને બેફામ લડાવો લાડ
સુંગધીત ફુલોને ભંવરાઓના સ્પર્શની આશ લાગે છે?

તમારા મિલન માટે આજે મુકદર પણ બેતાબ છે
બે દિલની ગૂફતગૂ માટે મૌસમ સદાબહાર લાગે છે?

(નરેશ કે.ડૉડીયા)
------------------------------------------
ડાળખીઓમાંથી ખરી પડે તમામ પર્ણો વંસતની રાહમાં
અસમજ પર્ણો તો જુવો! પાનખરના પ્યારા બની ગયા

સમયનું લગીરે ભાન નથી આ સુકાયેલા ઝાડના ઠુઠાને
બાજુના કંઇક ઘરડા થડૉ કઠિયારાના પ્યારા બની ગયા

સમજાવો,સુકાયેલા ઠુઠાને એક વાર ઉડી ગયેલા પંખીઓ
પણ હવે મૌસમી યૌવનસભર ડાળીઓના પ્યારા બની ગયા

નહી હોય આજુબાજુ બાગમાં કોઇ જાતની ચહલ પહલ
પંતગીયા પણ તાજી કળીની ચાહમાં રંગીન બની ગયાં

કાળની થપાટ લાગતા ભલભલા મૂળસોતા ઉખડી જાય છે
અડીખમ રહેવાની જિદમાં,માળી પણ વિરોધી બની ગયા


(નરેશ કે.ડૉડીયા)
-----------------------------------------
વિરહી આંખે કશા કારણ વિના ભાસ થાય છે
નથી ઉંબરે ને તોયે પગરવના સાદ થાય છે

અભાગી કિસ્મતની રેખા કેમ બદલતી નથી?
નહી આવે તોયે કિસ્મત બદલવાના ભાસ થાય છે

નામ લેવાય જાય ને રાતભરના જાગરણ થાય
ના છુટકે સપનાના મળવાના અભરખા કેમ થાય છે

મન,ક્રમ અને વચનથી એ સતત આડા ફાટયા
હું અભાગી તોયે એના કેમ અબળખા થાય છે

ચાહત કેરી બલિહારી કેવી છે અજબ ગજબની
પનઘટમા ઘડૂલો લઇને જતી પનિહારી તરસી થાય છે

મળૅ છે જ્યારે એ,ટીકી ટીકીને સામે જોયા કરે છે
આંખો બંધ હોયને મૌન મારું થનગનાટ થાય છે

સવાલ હું પુછુ ને તોયે એ માંગે છે સામા જવાબ,કહે
રહું ખ્વાબ ને દિલમા ને કેમ સવાલ થાય છે?

(નરેશ કે.ડૉડીયા)

---------------------------------

સમયના સવાલમા અટવાયેલો જવાબ છું
અગર માંગે મને તો તારો ગમતો જવાબ છું

દુહાઇ ખપે નૈ મને નશીબનો બળવાન છું
અગર માંગે મને તો,સુફીમિજાજનો સંત છું

પૂરી થશે જમાનાઓની વ્યથાઓ તમારે સંગ
અગર માંગે મને તો,હું તાજી જન્મેલી ક્ષણ છું

આઠોજામ ખુમારી ફૂટી તારી એક નજરથી
અગર માંગે મને તો,હું એહલે-શરાબ છું

જિવી જવું છે તારા કદમોના સજદે-સજદે
અગર માંગે મને તો,તારો ખુદાઇ-સનમ છું

પુછજે નહી કેમ સાંપડે શાયરીનો મિજાજ?
અગર માંગે મને તો,તારા રૂપનો કાયલ છું

(નરેશ કે.ડૉડીયા

--------------------------
સંબધોનું અંતિમ પરિમાણ નહી મળે
તું કહે એ આવે નહી બને

શક્યતાને સાંધતા તુટે જે મણકા
એમાંથી ફરી નવી માળા નહી બને

ગામ વિનાના રસ્તે કોઇ મળે
શકય છે એ રાહબર નહી બને

ઉતાવળે ભરજે નહી એક ડગ
શકય છે કોઇ કેડી નહી બને

એકલા જવુ ને એકલું મલકવું
હસતું ફુલ બનવું,તારાથી નહી બને

તારું આ એક જ દુઃખ
તું અસામાન્ય માનવ કદી નહી બને

(નરેશ કે.ડૉડીયા)
---------------------------
પવન કહેતો હતો કાનમાં ચમેલીને,
સસ્તી બની ગઈ તું સુગંધ ફેલાવીને

પવન કહેતો હતો કાનમાં રાતરાણીને
બિન્દાસ બની ગઇ રોજ રાત્રે ખીલીને

પવન કહેતો હતો કાનમાં પરાગરજને
મૌજ કર મારા ખંભે વૃક્ષોને ફળાવીને

પવન કહેતો હતો કાનમાં ગઝલને
અક્ષરોમાં ફુલે તું કવિનું લોહી પીને

પવન કહેતો હતો કાનમાં કવિતાને
ખૂશ રહે હમેશા આસુંને સ્મિત બનાવીને

પવન કહેતો હતો કાનમાં કવિને
દર્દને છુપાવ્યા કરે તું કવિતા લખીને

(નરેશ કે.ડૉડીયા)
--------------------------------


સખી રે,હવે મારી સોળની સળમા સતરને ભાળુ
આ શ્વાસમાં હવે મારા માણિગરની સુવાસ ભાળુ

સખી રે,હવે કોયલડીના ટહુકામાં મીઠાસ ભાળુ
આ જોબનમાં હવે ચોમાસાની બેકાંઠે નદીને ભાળુ

સખી રે,હવે મારી અંતરમાં ઉઠતી લાહ્યને ભાળુ
આ આયખાંમાં પેલી વાર નણદલના વિરને ભાળુ

સખી રે,હવે મારા પોલકાની બાયમાં ફુમકુ ભાળુ
આ મખમલી કાયા સારું છોગાળા જુવાનને ભાળુ

સખી રે,હવે જીવન કેરા બાગમાં ભમરાને ભાળુ
આ જુવાનીના બાગમાં નવી નવેલી વંસતને ભાળું

સખી રે,ઉંઘરેટી આંખોમાં અફીણી આસ્વાદને ભાળુ
આ મનેખમાં ડારા દે એવી લાલઆંખ્યુંને ભાળુ

સખી રે,હવે હું ઢીંગલીની રમતમાં ઢીંગલાને ભાળું
આ અઢી અક્ષરનાં'પ્રેમ'માં મારા ઢીંગલાને ભાળુ

(નરેશ કે.ડૉડીયા)
----------------------------------
તું મારી આંખોમાં રોજ નમણા સપના લખી જા
મારી બાહોમાં પ્રાસમાં અક્ષરોની જેમ ફેલાય જા

તું મારી નજાકતને નઝમની જેમ માણતો જા
મારી નાજુક ક્ષણોમાં મુકતકની જેમ મલકાય જા
...
તું મારી લટૉમાં પવનની જેમ રમત રમી જા
મારી ઘુંઘરાળી લટૉમાં કવિતાની જેમ અટકાય જા

તું મારી ગુલાબી ગાલોની લાલીમાં રંગાય જા
મારા હોઠોમાં ગુલાબી ગઝલ થઇને છવાય જા

તું મારી લટકા કરતી ચાલમાં લટકાય જા
મારા કામણમાં શબ્દોની માટીની જેમ લિપાંય જા

તું મારી આંગળીનાં નખને કલમથી રંગી જા
મારા ટેરવામાં મનગમતા શેરની જેમ છવાય જા

(નરેશ કે.ડૉડીયા)
---------------------------------
યાદ તમારી આવે ત્યારે આંખો ઉપર
આખી રાતનો લગાતાર ભાર લાગ્યા છે

સવારે ઝાકળને પણ રાતની થંડા થંડા
સ્પર્શને સુરજને તાપ લાગ્યા કરે છે

મિજાજ અમારો સુકાયો નથી હજુ પણ
તળીયે મીઠી-મીઠી લુ લાગ્યા કરે છે

યાદોના દિવડા ચાહતના ઘીથી જલ્યા કરે
પાગલ હવા ડરાવવા આવ્યા કરે છે

અમોધ સ્મિતના શસ્ત્રો તમારા હોઠો પરના
જોઇને દિલ વેદનાથી તરફડયા કરે છે

રૂપની જયોતીનો અંખડ દિવડો સતત
અમારી અર્ધખૂલ્લી આંખોમાં જલ્યા કરે છે

ભલે તમે આવો નહી અમારા આંગણીયે
ગઝલ હજુ તમારા ભકિતભાવ કરે છે

મીઠી મિઠી ખૂશ્બોથી તરબતર છે આંગણ
યાદોના દેરીમાં ધુપસળી જલ્યા કરે છે

(નરેશ કે.ડૉડીયા)
---------------------------
વ્હાલી આમ લાગણીને સાચવીને મોંઘી ના બનાવ
ચાલ તારા સાનિધ્યમાં આપણે થૉડી ખર્ચી જાણીયે

વ્હાલી આમ હવામાં સુંગધના દરિયા ના બનાવ
ચાલ આત્માંના અત્તરની સુંગધને આપણે માણીયે

વ્હાલી આમ મુંઝવણને મૌનનો આસરો ના બનાવ
ચાલ તારા હોઠોને ફફડાવને ગુલાબી મૌસમ માણીયે

વ્હાલી આમ શ્રધ્ધાને શંકાના દાયરા ના સમાવ
ચાલ અઢી અક્ષરના પ્રેમમાં ઇશ્વરનો અંશ જાંણીયે

વ્હાલી મસ્તીને મલાજાને ખાતરમાં હૈયામાં ના છુપાવ
ચાલ મલાજાને મુક પડતોને આંખોથી શરાબને માણીયે


વ્હાલી આમ વ્હાલને કરવાને વિષય ના બનાવ
ચાલ થોડા પ્રેકટિકલ કરીને આપણે વિષયને માણીયે


(નરેશ કે.ડૉડીયા)
--------------------------------------
વ્હાલી, તું અચાનક કઇ પણ કહ્યા વિના એક દિવસ ચાલી ગઇ હતી.
તે પછીના વિતેલા દિવસોની વાત છે.

સુરજના પહેલા કિરણ સાથે તારી યાદોનો ગર્ભ પાંગરે છે
સુરજના છેલ્લા કિરણ સાથે તારી યાદોના ગર્ભનો પ્રસ્સવ થાય છે
તારા ગયા પછી તાજા જન્મેલા યાદોનાં બાળકનો ઉછેર મેં એકલે હાથે કર્યો છે
વિતેલી રાતોમાં બાળકને મારી નાજુક લાગણીઓથી સ્પર્શથી યુવાન બનાવ્યો છે

તું ગઇ એના વર્ષોના ગણતરી થાકેલા દિમાગથી શકય રહી નથી
તું એક વાર આવીને જોઇ લે,તારી યાદોનું બાળક યુવાન થઇ ગયું છે
પ્રાસમાં આજે એની થનગનતી યુવાનીનો અંદાજ ખુબ જ નિરાળો છે
લોકો એ એને પ્રેમથી એક નામ આપ્યું છે- 'નરેન'ની ગઝલ

(નરેશ કે.ડૉડીયા)
------------------------------
શાંત એંકાતે મૌનનું અજવાળુ તિમિર પર પથરાય જાય છે
યાદોની ઝાંખી મિણબતીના પ્રકાશે જિંદગી જીવાય જાય છે.

સીધી લિટીંમાં વહેતી સરીતા પર ચોમાસું મંડાય જાય છે
દરિયામાં સમાવવા સરિતાના માર્ગ આપમેળે ફંટાય જાય છે
...
આંગણીયે શુકનવંતા પગલે લાગણીઓ પથરાય જાય છે
આવા અવસર ઉજવવા માટે ચોઘડીયા ભૂલાય જાય છે

ગહેરા ઝખ્મોને કોઇ મુલાયમ સ્પર્શનો મલમ રૂઝાવી જાય છે
પહેલી નજરમાં કોઇ ચહેરો આંખોમાં આઠેપ્રહર છવાય જાય છે

દરિયો અમસ્તો પાગલ નથી બનતો એને બહાનુ મળી જાય છે
કાઠે આવેલી ભરપૂર નદી અચાનક દરિયાને છેહ દઇ જાય છે

લોક કહે ફકત પાંચ શેરમાં આખી ગઝલ લખાય જાય છે
ભીતરના બ્રહ્માસ્ત્રોથી હ્રદય છેદાય ત્યારે ગઝલ લખાય જાય છે

(નરેશ કે.ડૉડીયા)
-----------------------------------------
કરકમલ ઝુલાવતી જોબનવંતી એ ગુજરાતણ ભાળી છે
નજાકતભરી અસિમ એ આંખોમાં નશીલી નઝમ ભાળી છે

શબ્દના સમનવ્યમાં સુખડની આજે પમરાટ ભાળી છે
અજાણી દેહલતાંમાં જીવન સુખની એ કવિતા ભાળી છે
...
ઝીણા અનારદાણા સમ સ્મિતની જહોજલાલી ભાળી છે
શબ્દો ટુકા પડે એવી સૌંદર્યની સામ્રાજ્ઞીને ભાળી છે

ખુદાની કલાકારીની નિશાનીસમી એ જિંદાબૂતને ભાળી છે
સુફીસંગીતની તરજોને ઝંઝોડી નાખે એ સનમ ભાળી છે

'નરેન'અસિમ તમન્નાની સુખદ અંજામની ધડી ભાળી છે
મદમસ્ત ગઝલએ ખુદાના વાસ્તે તારી ચોકટ ભાળી છે

(નરેશ કે.ડૉડીયા)
---------------------------------------------
શક્યતાના ઉંબરે તોફાનો આવીને ઉભા રહેશે , ત્યારે
તારા દિલમાં મારા માટે એક આશ્રયસ્થાન હોવું જોઇએ

નથી કોઇ એવી દુવા મારા માટે જે ઇશ્વરને કબુલ હોય?
તારા દિલમાં માટે મારા માટે એક મંદિર હોવું જોઇએ

એકલો લડી લડીને હું થાકી જઇશ દુનિયાદારી સામે
તારા દિલમાં મારા માટે લાગણીનું હથિયાર હોવું જોઇએ

મારા આંસુઓના ઝરાઓ કયારેક સુકાયને રણ બની જાય
તારા દિલમાં મારા માટે ઉષ્માનું માનસરોવર હોવું જોઇએ

મારી બાગના વૃક્ષોનાં પાન પાનખરમાં ખરી ગયા હોય
તારા દિલમાં મારા માટે વહાલપનું ઉપવન હોવું જોઇએ

શિકાર થઇ જઇશ સત્યવાન થઇને યમરાજના ભાલાથી
તારા દિલમાં મારા માટે સાવીત્રીનું સત હોવું જોઇએ

વ્હાલી,પ્રેમની દુનિયાના અમુક નિયમો છે જ નિરાળા
તારા દિલમાં 'નરેન'નું એક સમાધીસ્થાન હોવું જોઇએ.

(નરેશ કે.ડૉડીયા)
--------------------------------------------
સુખ વિશેની વ્યાખ્યા ગઝલમાં લખવા કયારેક અતિરેક થઇ જાય છે
કોયલને ટહુકો કરવો જ હોય છે પણ ચોમાસુ હાથતાળી દઇ જાય છે

મારા ભ્રામક ખ્યાલોથી લોકોને લખીને લખીને ભરમાવતો રહ્યો છું
વિષયોમાં પાંરગત નથી છતાં દોઢડાહી કલમની દાઢ સળકી જાય છે

સુરજના ઘરે અંધારું જ હોય છે એવું લગાતાર લોકોને કહેતો રહ્યો છે
ઔરતનો ચહેરાને ચાંદ સાથે સરખાવું તો ચાંદની કમાન છટકી જાય છે

નથી કળીઓ ને ખુશ્બુ ને બગીચાની વાત કાગળમાં લખાય જાય છે
પ્રાસમાં અક્ષરોનું મરણ થાય છે જ્યારે કાગળના ફુલો સળગી જાય છે

અઢી અક્ષરના પ્રેમના ચોમાશાના નામે કંઇક અડપલા પ્રાસમાં થયા છે
ભીંજાવાની બાધા લીધી હોય તેમ રદીફ-કાફિયા કોરેકાટ રહી જાય છે

ખુમારી કંઇ વારસાગત નથી,તું ભલે આખી જિંદગી ગઝલ લખતો રહે
'નરેન'મરીઝ જેવા શાયરો જિંદગીની વાત એક શેરમાં જ કહી જાય છે

(નરેશ કે.ડૉડીયા)
----------------------------------------------------------
ફીકર નોટ,ફીકર નોટની તારી મસ્તી માણવામાં
જુવો,આજે અમારા હાલ નોટોની ફીકર કરતાં થયાં

બ્યુટીકોન્ટેસ્ટની બ્યુટી જેવાં તારા સાજશણગારમાં
જુવો,અમે સજનવામાંથી બજાણિયાનાં ખેલ કરતાં થયા
...
સ્વીટહાર્ટ,સ્વીટહાર્ટ કહી કહીને તને મનાવવામાં
જુવો,અમે ડાયાબિટિશના દર્દી સ્વીટના દુશ્મન થયાં

પ્રિયતમ,પ્રિયતમ કહી નીતનવાં વાઘા ખરીદવામાં
જુવો,તારા પ્રિયતમ હવે ચડીબબિયાનધારી થઇ ગયા

સુપરમોલ ને સુપરસિનેમા હોલમાં મજા કરવામાં
જુવો સનમ,હવે ઘરમાં હાંડલા હડી કાઢતાં થઇ ગયાં

તારી સાથેની ગુજારેલી ક્ષણોનો ભેદ પારખવામાં
જુવો,આંખે અંધારા ને વાળમાં સફેદ અંજવાળા થયાં

(નરેશ કે.ડૉડીયા)
--------------------------------------------
રોજ ઉઠતી સંવેદનાઓમાં સમાવવું કોઇનું,ને
પ્રવાસી બનીને ભીના પગલે નીકળી જવું

યાદોની અટારીએ લટાર મારવું કોઇનું,ને
રોજ નવું તોરણ લટકાવીને નીકળી જવું
...
આહટના ઉંબરે ઝાંઝરનું ઝણકવું કોઇનું,ને
રણકતી રોજ ભૂતાવળ છોડીને નીકળી જવું

અક્ષરોમાં સવેંદનાઓ ભરી જવું કોઇનું,ને
રદીફ-કાફિયાને રેવાલ ચાલે નીકળી જવું

ગઝલના ચોકીપહેરા વચ્ચે સરકવું કોઇનું,ને
પાંચે પંકતિઓમાં મલકીને નીકળી જવું

આ કારસ્તાન એમનું જ છે,નથી કોઇનું,ને
ટેવવશ યાદોને છંછેડીને એમનું નીકળી જવું

(નરેશ કે.ડૉડીયા)

---------------------------------------
નદી એ દરીયાને કહ્યું
હું તારી જ હતી
તારા માટે જ મારૂં સર્જન થયું છે
તારામાં જ રહેવાની છું

ભર બપોરે તારા મહેનતનાપસિનાની
ખારાશ તે આકાશને આપી
આકાશે તેનો બદલો આપવા
વાદળૉનું સર્જન કર્યું

વાદળોએ આકાશ અને તારા
અહેસાનને બદલે પાણી વર્ષાવ્યુ

પિતા પર્વતે એ પાણીનો
બદલો ચુકાવવા મારું સર્જન કર્યુ
પાછી ના વળવાની શરતે મને
પથ્થરોના કઠીન રસ્તે વિદાઇ કરી

પથરાળ રસ્તે અથડાટી કુટાતી
તારા મિલન કાજે દર દર ભટકી

વહેતા વહેતા માનવ સમુદાયની
ગંદકીને સાફ રાખી છતા પવિત્ર રહી
તારી ચાહને માટે મેદાની ઇલાકામાં
ઉંછાછળા સ્વભાવને ભૂલીને પ્રોઢની જેમ વર્તી

કંઇક ખાબોચિયા,વોકળાઓની છેડછાડની
ભોગ બનીને હું તારા માર્ગે વહેતી રહી

હેં મારા સાગરદેવ!
ભલે તારામાં ખારાશ ભરેલી હોય
તો પણ હું તારા માટે મારી
મિઠાશ કુરબાન કરવા તૈયાર છું

હે મારા સાગરદેવ!
તારા સિવાય હવે મારું કોણ ધણી થશે?

મને તારામાં સમાવવી જ પડશે
આખરે તો હું તારા પસિનાની
જ સાચી કમાણી છું

મને ખબર છે પસિનાની કમાણીને
જીવની સાચવવી પડે છે

(નરેશ કે.ડૉડીયા)
--------------------------------------
ઝાકળ જેમ ફૂલોને અડકે તેમ
હું સપનાને અડતા શીખી ગયો

વેદનાની જેલમાં કૃષ્ણ જેમ જન્મી
જાતને વિંધીને વાસળી થઇ ગયો

સમયની ધારે સતત ઘસાતો આવ્યો
એવી એક ક્ષણમાં બુઠો થઇ ગયો

પાણી સમ જિંદગીના બુદબુદામાં
કાંકરીના ચાળાથી કુંડાળુ થઇ ગયો

નશીલી કલમના લડકપન જોઇને
કાફિયાનો મિજાજ શરાબી થઇ ગયો

યૌવન ને બુઢાપાની રાહની વચ્ચે
લીલ પરણાવવા જેવડૉ થઇ ગયો

વિતાવી એક રાત ફૂલોને સંગ ને
સવારે સુરજને હવાલે થઇ ગયો

જન્ન્તન ખ્વાબ જોતો એક શાયર
પલદોપલમાં જન્ન્તનસિન થઇ ગયો

(નરેશ કે.ડૉડીયા

-----------------------------------------
દીકરી તારા વીનાની સુકી મારા સંસારની વાડી !
ફુલો વીના સુની પડી વાડી યાદ કરજે દીકરી મારી

ઉર્મી તણો કો છોડ ઊગ્યો પણ અન્નજળ થયા પુરા
સ્નેહના ખાતરથી ખીલવી હતી ફુલ સમી દીકરી મારી

લેખ હશે ત્યારે તારી ચાહે દીકરી દોડી આવજે
પંચ્મ સુરે પાપાની યાદમાં ગીતો ગાશે દીકરી મારી

મારે માથે હેતાળ હાથ ફેરવી પુછે ખબર મારી
કોઇ જુવે ના તેમ છાની ખબર લેશે દીકરી મારી

ઉછળતી કુદતી ને હસતી ગાતે ખોળે રમતી મારા
શાંત ઝરણાંની જેમ દુર વહેતી રહેશે દીકરી મારી

જીવનની ઉર્મિઓને ખોળે ભરી દીકરી સાસરે જશે
હૈયામાં જીવનભર એક ખાલિપો ભરી જશે દીકરી મારી

સુખ અને દુખની આવન-જાવન નશીબના ખેલ
ના અડકે એકેય દુઃખ તને સુખી રહેજે દીકરી મારી

(નરેશ કે.ડૉડીયા)
----------------------------------------

વ્હાલી,તમારા ઉપર ઘાતની અસર લાગે છે!
બાગમાં જતાં પહેલા તમે સો વાર વિચારજો!
ફૂલોએ બિછાવેલી સુંગધી સુંરગોના વિસ્ફોટથી
આપની નાજુકાઇને કળીઓની કરચથી ઝખ્મી
કરવાનું બગીચાનું વ્યસ્થિત કાવતરું લાગે છે!
...
(નરેશ કે.ડૉડીયા)


---------------------------------------
પરોઢનું સરનામું હું શોધું તારી અંદર
એક સાંજ મને મળી જાય તારી અંદર

મધરાતનો મુકામ હું શોધું તારી અંદર
પરોઢના પંખી ટહુકી જાય તારી અંદર
...
તરસ્યો પાણીનું પરબ શોધું તારી અંદર
મુજને એક મૈયખાનું મળે તારી અંદર

સ્થિરજળ સમજી કાંકરી ફેંકુ તારી અંદર
ઉછળતો પાગલ દરિયો મળે તારી અંદર

બંધ આંખોનું એક સપનું શોધું તારી અંદર
ખુલ્લી આંખે સાકાર થતું જાંઉ તારી અંદર

ખોવાય જાવ હું એવી રીતે તારી અંદર
મારું જીવતા જગતીયું થાય તારી અંદર

(નરેશ કે.ડૉડીયા)

-----------------------------------
નખશીખ મુંજાયેલો તારો ચહેરો…
મારો મસિહા મને બિમાર લાગે છે

ખુલતા વાળમાથી આજે ઉદાસીની
વાંછટૉ જંમીન પર પડે છે.

આકાશ ગોંરભાયુ છે,
નહી વરસવાની માનતાનો આજે છેલ્લો દિવસ છે.

પ્રિયતમને નજરથી દુર જતો જોઇને,
વરસાદી છાંટણાની સાથે પ્રિયાના આસું
પણ જમીન પર પડીને હવામાં બાષ્પીભવન થઇ જાય છે.

કોકિલના એક ટહુકા સાથે,
કોઇના રૂદનનો અવાજ દબાય ગયો.

પ્રિયતમ પ્રિયાની આંખથી ક્ષિતિજમાં
ડુબતા સુરજ સાથે ઓજલ થઇ ગયો.

સંધ્યાની જીણી કેશરી લાલાશ ને
પણ ઉદાસીની અસર હતી…

બીજા દિવસના ઉગતા સુરજની લાલી
સાથે એક પડછાયો મારા ઘરના
દ્વાર સુધી લંબાય ગયો.

બારણે ટકોરાના અવાજ સાંભળીને
હાફળા ફાંફળા દોડીને દ્વાર ખોલ્યુને !

પ્રિયતમની સાથે સુરજની લાલી
મારા ચહેરા ઉપર પ્રસરી ગઇ.

એક રાતની કિંમત મારા આંસુએ
ભરપૂર વસુલ કરી લીધી…

(નરેશ કે.ડૉડીયા)
----------------------------------

આંગળીના ટેરવે ઉગી નીકળેલા
કેકટસને સવાલ પુછયો?
નમણી નાજુક કલમને જોઇને કેમ
તને સળી કરવાનુ મન થાય?

કેકટસનો બચ્ચો કહે છે મને,

હવે શાયરોના અસરારો બુઠા થયા;
જયાં જયાં ખિલતા સ્મિતને ભાળૉ
ત્યાં ફૂલોના અક્ષરો વેરી આવો છો?

જ્યાં ડાચાનું ઠેકાણુ ના હોય એને
તમેં ચાંદ સરીખે સરખાવો છો?
જેની બત્રીસીમાં બે ઘટતા હોય
ત્યાં અનારદાણા વેરી આવો છો?

હવે તમારી ફુલોના બગીચાની
દુકાનોને બંધ કરો તો સારું છે?


રાતરાણીને કહો કે હવે તું બહું
બિન્દાસ બની છે રાતે ખીલીને?
ચમેલીને કહો કે હવે તું બહું
સસ્તી થઇ છે સુંગધ ફેલાવીને?

એક તમે ગફલત કરો ગઝલમાં
પ્રાસમાં પોદળામાં સાઠીકા ભરાવો છો
રદીફ-કાફિયાને ઉધેકાંધ ઉછાળો છો
હલકાફુલકા શેર તમારા બકરીની જેમ
બેં બેં કરે ને દુઝાણાના નામે મીંડુ?

સમજી જજો શાયર તમે !
નહીંતર કલમને કેકટસનો
એક ઘસરકો કાફી થઇ જશે?

લોહીલુહાણ અવસ્થામાં ઢસડાતી
કલમને કાગળનો પાટો બાંધજો
લોહીના ડાધામાં વાંચજો તમે

કદાચ એને કવિતા કે ગઝલ
કહેવાતી હોવી જોઇએ..બીપ બીપ

(નરેશ કે.ડૉડીયા)
--------------------------------

નથી એ સુખ જે તારી આંખોમાં
જે મિજાજે મિજાજે શરમાતું હતું

નથી એ દુઃખ જે તારી આંખોમાં
જે નાની વાતોમાં ભરમાતું હતું

નથી એ ટસયું જે તારી આંખોમાં
જે નાની અવગણનામાં ફૂટતું હતું

નથી એ અંકુર જે તારી આંખોમાં
જે મારા સ્પંદનોથી ફૂટતું હતું

નથી એ મયખાનું જે તારી આંખોમાં
જે મારા સાંનિધ્યમાં ખુલતું હતું

નથી એ પારેવું જે તારી આંખોમાં
જે મારી બાજનજરથી ફફડતું હતું

નથી એ ઝરણુ જે તારી આંખોમાં
જે દરિયાનાં સાનિધ્યને ઝંખતું હતું

નથી એ હેતાળપર્વ એ તારી આંખોમાં
જેં મારા સંગે રંગેચંગે ઉજવાતું હતું

નથી એ ગુઢરહસ્ય તારી આંખોમાં
જે મારા અઢી અક્ષરથી ખૂલતૂં હતું

(નરેશ કે.ડૉડીયા)

-------------------------------------
કુદરતના સાનિધ્યમાં કૈં નવો સંચાર લાગે છે
તમારા આગમનની છડીનો આસાર બોલે છે

ખીલતી કળીઓ રહસ્યમય મૌન ખોલે છે
તમારા આગમનથી ફૂલોની ભાષા બોલે છે

કંઇક ચમરબંધી વંસત વિતિ ગઇ ચમનમાં
તમારી સુંગધની કૈં નવી આભા બોલે છે

ફૂલોની ખૂશ્બૂથી ત્રસ્ત ભંમરા કૈં તલાસ કરે છે?
લાગે છે તમારી ખૂશ્બૂની તાજી અસર બોલે છે

સુરજની સામે ઝાકળે મુખવટૉ ખોલી નાખ્યો ને
શર્મસાર થયેલા ફુલો પર ઇર્ષાની અસર બોલે છે

ઝુકી ગઇ બધી ડાળીઓ તમારી ખિદમતદારીમાં
તમારા ઝુકેલા નયનોની બાદશાહત બોલે છે
----------------------------------------



---------------------------------------
દેવ સમજીને પથ્થરોને નમવાની ટેવ છોડવી પડશે
માણસમાં માણસને પારખવાની ટેવ પાડવી પડશે

જિંદગીની અંતિમ ઘડીમાં કોણ તને કામ આવશે?
સંબધોની એક સાંકળ તારે સલામત રાખવી પડશે

નહી મળે દુનિયામાં લાગણીની ભાષા સમજનાર
તારે લાગણીની એક નવી ભાષા વિકસાવવી પડશે

તને સંબધોનું આકાશ આમ લાગશે બહું સોહામણુ
સ્નેહની દોરના પંતગને સાચવીને ચગાવવી પડશે

કાંધા દેનાર ચાર લોક તને મળી રહેશે 'નરેન'
જલતી ચીતામાં તારે તો ખુદને જ બળવું પડશે

-----------------------------------------


------------------------------------------


તમે મૌનની મૌસમને હવે જાકારો ન આપો
માફક આવી ગઇ મોઢું ફેરવીને બોલવાની રીત

અણગમાનો અણસાર ન આપો તો ચાલશે
માફક આવી ગઇ તમારી ન ગમતી પ્રીત
...
સમજવામાં તમને આમ તો સદી ચાલી ગઇ
માફક આવી ગઇ આપણા વચ્ચેની મૌન ભીંત

મારી ભાગ્યરેખામાં રહેવાનું ગમ્યું નહી ભલે
માફક આવી ગઇ રીત,સરળતાથી થવું ચીત

સત્ય ભલે હવે બુકાની પાછળ સંતાય જાય
જુઠની ગોલીથી ક્યારેક સત્ય પણ થાય ચીત

નથી અમે યોધ્ધા અમે છીએ સીધા શાયર
માફક આવી ગઇ રણચંડી જેવી તમારી જીત

(નરેશ કે.ડૉડીયા)


------------------------------------------------



2 comments:

Anonymous said...

બહુ સુંદર!

Haresh mangukiya said...

સરસ કાવ્ય