નયન દેસાઈ

અફવાથી છાપું ભરવાનું ચાલ, નયન એક ચા મંગાવ
આજ નથી કંઈ બનવાનું ચાલ, નયન એક ચા મંગાવ

એક નદી તરસી હાલતમાં ઉમ્બરલગ આવી શું કામ ?
પંચ નથી કોઈ નીમવાનું ચાલ, નયન એક ચા મંગાવ

હાથ સૂરજનો બારીના સળિયા પાછળ કે, સાંજ પડી
દિનભરના તડકા ભૂલવાનું ચાલ, નયન એક ચા મંગાવ

શહેર છે આખું મૂર્છિત હાલતમાં ગંદી કોઈ નાળીમાં
બોમ્બ ફૂટ્યાવીણ એ ઊઠવાનું ચાલ, નયન એક ચા મંગાવ

આમ સતત પડછાયામાં વહેંચાઈ જવાનો મતલબ બોલ !
કેમ દીવાલોમાં ઊગવાનું ? ચાલ, નયન એક ચા મંગાવ

ક્યાંકથી ચડ્ડી-બનિયનધારીઓનું કોઈ ટોળું આવે
તોય નથી પીડા લૂંટવાનું ચાલ, નયન એક ચા મંગાવ

-નયન હ. દેસાઈ
----------------------------------
પતરે ટપાક્ક ટપ્પ છાંટા પડે ને પછી નળિયાં ખટાક્ક ખટ્ટ તૂટે
સૂરતનો એવો વરસાદ

બારીમાંથી કૂદે ભફાંગ કરી વાછટને
વીજળી વેરાય મૂઠે મૂઠે… સૂરતનો…

પહેલાં તો છાપરિયા શેરીઓ ચૂપચાપ
કાળા આકાશ ભણી જુએ
સૂકાંભઠ પાંદડાંઓ ગબડે ને ભીનો પવન્ન
પછી જાણે પીંજાય રૂંએ રૂંએ
વાદળાં છલાંગ મારી ઊછળે ને તીર એની સાથે
સટ્ટાક સટ્ટ છૂટે… સૂરતનો…

નેવાંની સાથે ભળે ઝૂલતા કોઈ હિંચકાનું
આછું કિચૂડકચ્ચ એવું
સૂની હવેલીના ગોખમાંથી ચોમાસું માણે છે
એકલું પારેવું
રસ્તાઓ સૂમસામ ખુલ્લા ફટ્ટાક જેમ
શિવાજી શહેરને લૂંટે… સૂરતનો…

- નયન દેસાઈ
---------------------------------
માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે,
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…

ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…

વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈંક અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…

પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…

ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો સમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…

છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…

મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…

- નયન દેસાઈ (જન્મ: ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૬)
--------------------------------------
અરીસા વેચતા ગામે નયન દેસાઈ એસ.એસ.સી.
અને ભીંતો ઊભી સામે નયન દેસાઈ એસ.એસ.સી.

મળ્યો એક રોકડો ડૂમો ને પરચૂરણ કૈં ડૂસકાં,
અહીં બીજું તો શું પામે નયન દેસાઈ એસ.એસ.સી.?

પગોમાં પગરવો પહેર્યા ને આંખો પર નજર ઓઢી,
ફરે માણસ તીરથધામે નયન દેસાઈ એસ.એસ.સી.

વહે વિસ્તીર્ણ પટ જળથી તે ઝળઝળિયાં સુધી એનો,
નદીસરસો જીવે આમે નયન દેસાઈ એસ.એસ.સી.

રહે છે આમ તો તાપી તટી, સૂરતમાં એ કિન્તુ,
મળે શબ્દોના સરનામે નયન દેસાઈ એસ.એસ.સી.

- નયન દેસાઈ (એસ.એસ.સી.!)
----------------------------------------
હોવાનો બોજ આ રીતે ઊંચકી શકાય છે
સમજી શક્યા નથી અને સમજી શકાય છે

શમણાંઓ એનાં એ જ છે પાંપણની ધાર પર
ચાદર પથારી પરની તો બદલી શકાય છે

ચાદર બદલવા જાવ તો શમણાં ઉડી જશે
શમણાં વગર તો ક્યાં કદી ઊંઘી શકાય છે ?

આ એજ છે નદી કે જે વહેતી હતી કદી
આ ચિત્ર સાથે નોંધમાં વાંચી શકાય છે.

-નયન દેસાઈ
-----------------------------
બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો
ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો

માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો

ક્યાં એ અવાજ સાંભળી પડઘાય છે જરા
માણસ ખુદાથી પણ વધુ બહેરો છે દોસ્તો

એકાંત છેક તળિયે મળે તો મળી શકે -
ડૂબી જવાય એટલી લહેરો છે દોસ્તો

-નયન દેસાઈ
---------------------------
મૌન મટીને બૂમ થયો છું
હું મારામાં ગુમ થયો છું.

કૈં ઠેકા ઠુમકા કીધા છે
તો આજે રૂમઝૂમ થયો છું.

જીવતર આખું ભડકે બળતું
સારૂં છે નિર્ધૂમ થયો છું.

ચીરેચીરા સુખના કીધા
હું કેવો માસૂમ થયો છું !

ગામનું ઘર ને ખેતર વેચ્યા
કોઈ ભાડાની રૂમ થયો છું.

-નયન હ. દેસાઈ
--------------------------
દરેક સાંજ એકાંતનું સંગીત હોય છે
પ્રત્યેક સાંજ લોહીમાં બાંધે છે રાફડો
લાચાર સૂર્ય પણ નભે ડૂબે છે બાપડો

ઉદાહરણ : જેવી રીતે આ દૃશ્ય સૌ આંખોમાં આથમે
ચશ્માના કાચ પર પડે ઝીણી ઝીણી તડો

પક્ષ: ડૂબે છે તારી યાદનો સારું છે આ સમય
નહીંતર તો લાંઘવી પડે એ ઊંચી ભેખડો

સાધ્ય: પડછાયો થઈ ગયા પછી માળા તરફ જવું
એવું શીખ્યો છે આટલી ઉમ્મરમાં કાગડો

સાબિતી: ચારે તરફથી આમ બસ કોરાવું કાળજે
મારી ગઝલ છે સાંજની જણસનો દાબડો

- નયન દેસાઈ
---------------------------------
જીવ્યાનું જોયાનું હસવું થઈ તૂટ્યાનું પાર્સલ કરી દો મુકામ પોસ્ટ માણસ
ભીંતો ને પડછાયા સારા સૂરજ ઊગ્યાનું લખી દો મુકામ પોસ્ટ માણસ

રસ્તાઓ નિયમિત પગોને છૂંદે છે પગલાંને ડંખે છે લાલ-પીળાં સિગ્નલ
ખોટા સરનામે એ ઘરમાંથી નીકળ્યાનું નૉટ પેડ ભરી દો મુકામ પોસ્ટ માણસ.

બારીને ઠપકો ને હીંચકાને હડદોલો ઝાંખી છબિને દિલાસાની આશા છે
મારી એકલતાઓ આવીને લઈ જાશે આટલું ખરીદો મુકામ પોસ્ટ માણસ.

ઘરનંબર અથવાને પિનકોડી અફવાને તાલુકે તરફડવું જિલ્લે જખ્મીપુરા
કાળા ખડક નીચે સૂતેલા શ્વાસોને ચૂંટી ખણી દો મુકામ પોસ્ટ માણસ.

કેન્સરથી પીડાતા શબ્દોને સારું છે કવિતાનાં ખંડેરે ક્યારેક જઈ બેસે છે
મરિયમની ભ્રમણાએ ઠેકાણું બદલ્યું ટપાલીને કહી દો મુકામ પોસ્ટ માણસ.

- નયન દેસાઈ
--------------------------------------


અથશ્રી હોવું, બે હાથો જોડીને રોવું…

અભરે આંસુ, સભરે પીડા
તરફડવું ચિરકાળ, જીવજી
તન તડકો છે… મન પર્વત છે ને
શ્વાસો ખડકાળ, જીવજી
અથશ્રી હોવું : પડછાયાને પાણી ટોવું
બે હાથો જોડીને રોવું

ફૂલની પાંદડીઓમાં પેઠા ભમરા કૈં
ભમરાળ, જીવજી
ડંખ મ્હેંક ભરીને વાગ્યા
કંટક થૈ ગૈ ડાળ, જીવજી
અથશ્રી હોવું : દર્પણ થઈ ઝાકળને જોવું
બે હાથો જોડીને રોવું

સખ્ખળ ડખ્ખળ સંબંધોનાં
અણિયાળાં કૈં આળ, જીવજી
આ સૂરજને પાદર કાઢો
ઊગે છે બરફાળ, જીવજી
અથશ્રી હોવું : વહેતા જળને જળથી ધોવું
બે હાથો જોડીને રોવું

નયન દેસાઈ
---------------------------------


દરિયો નિહાળે તો મોજું થઈ જાય
ને રેતીને જુએ તો વાયુ જેમ વાય…
મગદલ્લા બંદરની છોકરી…
બોલે તો ઘૂઘવતા કાંઠાની જેમ
ચાલે તો ધરતી પર તરતી દેખાય…
મગદલ્લા બંદરની છોકરી…

નારિયેળી ઝૂંડનો પડછાયો ઓઢી
ગીત ગાય હઈસો ને હોફા
નામ એનું કાંઈ નહીં
મિલ્કતમાં મચ્છી ને ટોપલો ભરીને તરોફા….
બગલાની પાંખ જેવો પાથરી પવન
ઝાડ નીચે સૂઈ જાય ત્યારે દરિયો થઈ જાય…..
મગદલ્લા બંદરની છોકરી…

મગદલ્લા બંદરમાં ભરતી આવે ને
વ્હાણ આવે છે કંઈ કંઈ થી મોટાં
હારબંધ સરૂઓનાં વૃક્ષોની પાછળથી
સૂરજ પાડ્યા કરે છે ફોટા
ફોટામાં આપ ધારી ધારીને જુઓ તો
પરપોટા જેવું જે હસતું દેખાય…..
મગદલ્લા બંદરની છોકરી…

નયન દેસાઈ
-------------------------------
અમે સાવ રસ્તા પર લ્યો ! આ ગગન પાથરી સૂતાં
જરા વારમાં નીંદર આવી ધુમ્મસમાં આળોટ્યાં

ગગનનું એવું કે ચાદરની જેમ કદી ના ફાટે
સાવ સુંવાળા વાદળનું એ રેશમ આપે સાટે
નહીં કમાડો, બારી, પગરવ ઊમ્બર આઘાં મૂક્યાં
અમે સાવ રસ્તા પર લ્યો ! આ ગગન પાથરી સૂતાં

ધરા ઉપર સૂવાનું સુખ આ : પોતીકા થૈ જઈએ
પવન-ઘાસની વાતો મીઠી કાન દઈ સાંભળીએ
રોજ સવારે પંખીના મીઠા કલરવથી જાગ્યાં
અમે સાવ રસ્તા પર લ્યો ! આ ગગન પાથરી સૂતાં
------------------------------------
માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…

ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…

વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈં અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…

પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…

ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો સમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…

છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…

મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…

- નયન દેસાઈ
-----------------------------------

એક પડછાયો પીધો તેનો નશો છે લોહીમાં,
આમ બસ હર એક સાંજો લડખડતી જાય છે.
-નયન દેસાઈ


બોલ મારા આ જનમના ને તે જનમના ભાગિયા,
કોણ ઉમ્બર પર અધૂરી સાંજ આ નાખી ગયું.
-નયન દેસાઈ
-------------------------------------