એક નામ અલ્લા કહી, એક નામ મારું ય
આજ પછી લેવાનું છોડી દઉં… એટલે નિરાંત.
આંખના ઉજાગરા, ને જીવના ઉચાટ,
કશા વણફૂટ્યા ઝરણે ઝબોળી દઉં… એટલે નિરાંત.
એક એક અક્ષરને ગોઠવતાં ગોઠવતાં
અમથી લંબાઈ ગઈ વારતા !
ગેબી કો’ ગાયકના કંઠથી અગનઝરતી
ડાયરામાં ફૂલકણી ફોડી દઉં… એટલે નિરાંત.
જીવતરના કીડિયારે કણકણમાં ઝેર કોઈ
છાંટવા મથે ને કોઈ છાંડવા !
જોણું આ અચરજથી જોતાં હો એવાની
શબ્દોના સથવારે ભ્રમણા જ તોડી દઉં… એટલે નિરાંત.
ભર ભર બપોરનું તે જડબું ઉઘાડું ને
રોજની સવાર થતી સ્વાહા
દૂર દૂર સળગે છે સાંજનો મહેલ એના
આંગણે મલ્હાર રાગ ખોડી દઉં… એટલે નિરાંત.
સૂરજની પાઘડીનો વળ કોણ જાણે ક્યારે
છેડો આવે ને ક્યારે નીકળે ?
ધરતીની ઓઢણીને લીલેરી કોર હવે
દશ દિશથી લાવીને ચોઢી દઉં… એટલે નિરાંત.
-ગની દહીંવાળા
-------------------------------------
ઋતુ હો કોઈ પણ, ખૂણે ખૂણે મહેકંત માટી હો,
અને આ આપણું અસ્તિત્વ ધરતીની રૂંવાટી હો.
કબરમાં કોઈનું હોવું જરૂરી હો તો માની લ્યો,
હું એવી શૂળની છું લાશ, જે ફૂલોએ દાટી હો.
સમય પથ્થર સમો છે, એમાં પિસાવાનો મહિમા છે,
ખરલમાં કોઈએ ક્યારેક કસ્તૂરી ય વાટી હો.
પવન, તારાં પરાક્રમ શ્વાસમાં વર્તાઈ રહેવાનાં,
ચમનમાં ફૂલ વેર્યાં હો, કે રણમાં રેત છાંટી હો.
પરોવાયું રહે હૈયું મીઠેરી મૂંઝવણ માંહે,
સરળતાથી સરકતા દોરમાં એવી ય આંટી હો.
પડી જઈએ ચરણમાં, તે છતાં મસ્તક હો આકાશે,
‘ગની’, એકાદ તો સંબંધની એવી સપાટી હો.
-ગની દહીંવાળા
------------------------------------------
ગાવું જીવન-ગીત,મારે ગાવું જીવન-ગીત,
તુજ વિણ ગાઈ શકું શી રીત ?
મારે ગાવું જીવન-ગીત.
આવ મધુરા બોલ બનીને,
પંખીનો કલ્લોલ બનીને,
લય મેળવજે કોકિલ દ્વારા,
તાલ સ્વય છે ઝાંઝર તારાં;
લાવ અધર પર સ્મિત !
મારે ગાવું જીવન-ગીત,
હોય ન ગાણું સાજ વિનાનું,
દર્દ ન દીઠું દાઝ વિનાનું.
દુનિયા તુજને કહેશે દ્રોહી,
નહિ આવે તો ઓ નિર્મોહી !
લઈને તારી પ્રીત,
મારે ગાવું જીવન-ગીત,
યજ્ઞ મહીં હોમાઈ જવું છે,
કોઈ પ્રકારે ગાઈ જવું છે.
ક્રૂર ભલે નિશ્ચય દુનિયાનો,
લેશ ન રાખું ભય દુનિયા નો,
જે વીતે તે વીત !
મારે ગાવું જીવન-ગીત.
- ગની દહીંવાળા
---------------------------------
લે કાળ ! તને સંતોષ થશે, હું તારે ઈશારે ચાલું છું,
જીવનની સફર પૂરી કરવા તલવારની ધારે ચાલું છું.
ચોમેરથી થપ્પડ મારે છે તોફાનનાં ધસમસતાં મોજાં,
લોકોની નજર તો નીરખે છે, હું શાંત કિનારે ચાલું છું.
ફૂટીને રડે છે મુજ હાલત પર મારા પગનાં છાલાંઓ,
કંટકથી ભર્યા પંથે આંખો મીંચીને જ્યારે ચાલું છું.
છે નામનો ગૃહસ્થાશ્રમ પણ ઠરવાનો વિસામો ક્યાંય નથી,
જ્યાં થાક જીવનને લાગે છે, હું તેમ વધારે ચાલું છું.
થાકીને ઢળી જ્યાં દેહ પડે, બસ ત્યાં જ હશે મંઝિલ મારી,
એથી જ હું નિજને થકવું છું, બસ એ જ વિચારે ચાલું છું.
સંકટ ને વિપદના સંજોગો ! વંટોળ ને આંધીનાં દૃષ્યો !
સોગંદથી કહેજો હું તમથી ગભરાઈને ક્યારે ચાલું છું ?
ઓ સૂરજ, ચંદ્ર, સિતારાઓ ! ઓ આકાશે ફરનારાઓ !
આ ધરતી પર ચાલી તો જુઓ, જ્યાં સાંજ સવારે ચાલું છું !
વ્હેતી આ સરિતા જીવનની, સુખ–દુઃખ એના બે કાંઠાઓ,
લઈ જાય છે મારું ભાગ્ય ‘ગની’, હું એક કિનારે ચાલું છું.
-ગની દહીંવાલા
------------------------------------
રે, આ નયનો કામ ન આવ્યાં !
બે દીવડાઓ નિત્ય પ્રકાશી અંધારા સર્જાવ્યાં !
રે, આ નયનો કામ ન આવ્યાં !
રંગ જગતના માણ્યા કિન્તુ રંગ ન પૂરી જાણ્યો,
ઝાકઝમાળે અંજાઈને સાથ મને પણ તાણ્યો;
આગળ રહીને ઊંધા પાટા જીવતરને બંધાવ્યાં !
રે, આ નયનો કામ ન આવ્યાં !
ચેતન સાથે વાત કરી પણ જડને ન આપી વાચા,
જોઈ પરિચિત વાટ પરંતુ,પંથ ન ચીંધ્યા સાચા,
ઊંડે જઈને તેજ-તિમિરના ભેદ નહીં સમજાવ્યા,
રે, આ નયનો કામ ન આવ્યાં !
જોયાં દૂરનાં અજવાળાં પણ, અંતર-જ્યોત ન જોઈ,
ઉંબર-ઉંબર ભટકીને પણ ધામ ન દીઠું કોઈ;
ભિક્ષુક થઈને દ્રષ્ટિરૂપે હાથ બધે લંબાવ્યા !
રે,આ નયનો કામ ન આવ્યાં !
- ગની દહીંવાળા
---------------------------------------
નયન અને નીંદરું વચ્ચે કશો તણાવ હશે,
મળી શક્યાં નહિ, પાંપણમાં અણબનાવ હશે.
દરદનો આટલો વ્યાપક તે શો પ્રભાવ હશે !
જરૂર આપણું અસ્તિત્વ, કોઈ ‘ઘાવ’ હશે.
બને તો શાંત પડી જાઓ દિલના ધબકારા !
તમે છો, ત્યાં સુધી કોઈને અભાવ હશે.
બિચારા પુષ્પની આ વૈખરી વિષે વિસ્મય !
છૂપો વસંતની વાણીમાં વેરભાવ હશે.
અમે તો વાતનો વાહક ગણીને ઉચ્ચર્યા’તા,
ન’તી ખબર કે પવન પણ બધિર સાવ હશે.
પણે રસે છે સિતારાને લાગણીના રસે,
કોઈ તો રોકો, કે એ આપણો સ્વભાવ હશે.
હસી પડે છે હવે તો ઉદાસીઓ ય ‘ગની’ ,
નવી નવાઈના જન્મેલ હાવભાવ હશે.
- ગની દહીંવાળા
------------------------------------
સૂરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો,
જાગો અતૃપ્ત જીવ, કે ટપકી દિવસ પડ્યો.
પકડાઈ ચાલ્યાં પાનથી ઝાકળનાં પંખીઓ,
કિરણોના પારધીને ફરીથી ચડસ પડ્યો.
વાવ્યા વિના લણાયો રણે ઝાંઝવાંનો પાક,
બોલ્યા વિના બપોરનો પડઘો સરસ પડ્યો.
માટીને મહેકવાની ગતાગમ નથી હજી,
વરસાદ આંગણા મહીં વરસોવરસ પડ્યો.
અંધાર આવું આવું કરે બારી બા’રથી,
પીળો પ્રકાશ ખંડમાં હાંફે ફરસ-પડ્યો.
સૂરજના મનના મેલ નિશાએ છતા થયા,
ઓજસનો ધોધ કાંખમાં લઈને તમસ પડ્યો.
કાંઠાનો સાદ સાંભળ્યો તળિયે અમે ‘ગની’,
‘કોઈ અભાગી જીવ લઈને તરસ પડ્યો.’
- ગની દહીંવાલા
-----------------------------------
સ્પર્શથી નાતો હૃદય પોતાની રીતે જોડશે,
ટેરવાં નવરાં ! પરસ્પર ટાચકા કંઈ ફોડશે.
આ પ્રવાહો તો પવનનો સાથ લૈ દોડી રહ્યા !
શક્યતા પોતે જ શું અવસરનાં તોરણ તોડશે ?
આંતરિક સંબંધના શબ્દો તો નહીં ચૂકે વિવેક,
વારતા બનતાં કદી વસ્તુ મલાજો તોડશે.
ભાનમાં આવ્યા પછીની મૂંઝવણ તે આનું નામ !
અધસુણ્યું પડઘાય છે કંઈ: “મારો પીછો છોડશે?”
પગની સાંકળ, વહેલ ઘુઘરિયાળી જાણે લગ્નની,
એ જ રીતે ડોલતી દીવાનગી પણ દોડશે.
પુષ્પને ખીલ્યાનાં દૈ દઈએ અભિનંદન, ‘ગની’,
આ કળી જોશે તો શું ? મોઢું જરી મચકોડશે !
-ગની દહીંવાળા
-----------------------------------
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.
હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.
છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.
તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી.
તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.
જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
- ગની દહીંવાલા
(1908 - 1987)
--------------------------------------------
કયારેક પગ મહીંથી આ રસ્તો વિદાય થાય.
તો થાકનો ય કંઇક નિરાંતે ઉપાય થાય.
હાલત અમારી જોઇને બીજા ય વ્યાકુળ થાય.
પર્વત ઢળી પડે અને સાગર ઊભા ય થાય.
અમને હસી જ કાઢજો એ છે અતિ ઉચિત,
ઠલવાય લાગણી, તો નીપજ વેદના ય થાય.
ખીલ્યું હો બાર માસી અજંપાનું ફૂલ જ્યાં,
ત્યાં મુંઝવણની વેલ તો વાવ્યા વિના ય થાય.
પાડી ઊઠ્યો છે જામનો ખાલીપો એવી ચીસ,
મદડાં તરસનાં જીવ લઇ દોડતાં ય થાય.
આદિથી એજ આગના સંચયથી લાલસા,
સૂરજ ન હોય તો અહીં તો દિનકર ઘણા ય થાય.
સંતાપિયા સ્વભાવને આઘાત શા ‘ગની’?
વેરણ તો એવા જીવની ઠંડી હવા ય થાય.
–ગની દહીંવાળા
------------------------------------
દુઃખ અમર હોય તો વાંક મારો નથી,
હદ વગર હોય તો વાંક મારો નથી;
ચુપ અધર હોય તો વાંક મારો નથી,
આંખ તર હોય તો વાંક મારો નથી.
થૈને સાગર રહે દૂર આરાથી તું,જોઈ
બિન્દુને વેગળું રાખે ધારાથી તું;
એથી આગળ વધી કહું તો મારાથી તું -
બેફિકર હોય તો વાંક મારો નથી.
એક આવાસ. જે હરઘડી શોકમય,
ઊર્મિ-અભિલાષ સેવી રહ્યા એમાં ભય,
હાય બરબાદ જે થૈ ગયું એ હૃદય,
તારું ઘર હોય તો વાંક મારો નથી.
હું તો પાગલ ગણાયો સદાનો, પ્રભુ !
પણ વિચારું છું એકાંતે છાનો, પ્રભુ !
હું મુસાફર અને આ જમાનો, પ્રભુ !
રાહબર હોય તો વાંક મારો નથી.
કોઈનું હું બૂરું ચાહું, મારું થજો !
મારા દિલની વ્યથા કોટિ દિલમાં હજો;
મેં જગતને વહેંચ્યું છે એ દર્દ જો
શ્રેયકર હોય તો વાંક મારો નથી.
એક તણખો ઝગે છે ‘ગની’ અંતરે,
લોક અવળો ભલે અર્થ એનો કરે,
કોઈની નેહ-તરબોળ મારા પરે
જો નજર હોય તો વાંક મારો નથી.
-ગની દહીંવાલા
-------------------------------------
તું ન માને કહ્યું, તું ન વર્તે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
છે મને રાત દી એક તારો જ ભય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
જોતજોતામાં થઇ જાય તારું દહન, વાતોવાતોમાં થઇ જાય અશ્રુ-વહન,
દવ દીસે છે કદી તો કદી જળપ્રલય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
કોઇ દુખિયાનું દુઃખ જોઇ ડૂબી જવું, હોય સૌન્દર્ય સામે તો કહેવું જ શું !
અસ્ત તારો ઘડીમાં, ઘડીમાં ઉદય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
એ ખરું છે, કે દુઃખ મુજથી સે’વાય ના, એ ય સાચું તને કાંઈ કે’વાય ના,
હાર એને ગણું કે ગણું હું વિજય ? લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
આભ ધરતીને આવી ભલેને અડે, તારે પગલે જ મારે વિહરવું પડે !
તારી હઠ પર છે કુરબાન લાખો વિનય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
મારે પડખે રહી કોઈનો દમ ન ભર, સાવ બાળક ન બન, ઉદ્ધતાઈ ન કર !
બીક સંજોગની છે, બૂરો છે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
એક વાતાવરણ સરજીએ હર પળે, આ જગતની સભા કાન દઈ સાંભળે,
હું કવિતા બનું, તું બની જા વિષય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
એક સોનેરી અપરાધની તું સજા, પાત્રમાં દુઃખના જાણે ભરી છે મઝા,
જખ્મ રંગીન છે, દર્દ આનંદમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
પારકી આગમાં જઈને હોમાય છે, તારે કારણ ‘ગની’ પણ વગોવાય છે,
લોકચર્ચાનો એ થઈ પડ્યો છે વિષય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
- ગની દહીંવાલા
---------------------------------------------------
તમારાં અહીં આજ પગલાં થવાનાં,
ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર થૈ ગઈ છે.
શરમનો કરી ડોળ સઘળું જુએ છે
કળી પાંદડીઓના પડદે રહીને,
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર
તમારાં નયનની અસર થૈ ગઈ છે.
બધી રાત લોહીનું પાણી કરીને
બિછાવી છે મોતીની સેજો ઉષાએ,
પધારો કે આજે ચમનની યુવાની
બધાં સાધનોથી સભર થૈ ગઈ છે.
હરીફો ય મેદાન છોડી ગયા છે
નિહાળીને કીકી તમારાં નયનની,
મહેકંત કોમળ ગુલાબોની કાયા
ભ્રમર – ડંખથી બેફિકર થૈ ગઇ છે.
પરિમલની સાથે ગળે હાથ નાખી-
કરે છે અનિલ છેડતી કૂંપળોની,
ગજબની ઘડી છે તે પ્રત્યેક વસ્તુ,
પુરાણા મલાજાથી પર થૈ ગઈ છે.
ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન,
કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે,
તમે જો ન હો તો બધા કહી ઊઠે કે;
વિધાતાથી કોઇ કસર થૈ ગઇ છે.
‘ગની’, કલ્પનાનું જગત પણ છે કેવું,
કે આવી રહી છે મને મારી ઇર્ષ્યા !
ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને,
ઘણી જન્નતોમાં સફર થૈ ગઇ છે.
- ગની દહીંવાલા
---------------------------------------------
વિપદના કંટકોને ધૈર્યથી પુષ્પો બનાવીને,
જીવનની ફૂલદાની એમ બેઠો છું સજાવીને.
તમારી આકૃતિ એને કહું કે પ્રકૃતિદર્શન ?
સકળ વાતાવરણ થંભી ગયું આંખોમાં આવીને.
તમે આવો જીવનમાં, કાં મને આદેશ આપી દો,
કે ચાલ્યો આવ અહીંયા, જિંદગીની હદ વટાવીને.
તમારી યાદમાં ફૂલોથી અદકું હાસ્ય વેર્યું છે,
નવી રીતે હસી લીધું અમે આંસુ વહાવીને.
સુખી કરવો હતો હૈયે વસેલા એક તિખારાને,
ભરી દીધી હ્રદયમાં આગ દુનિયાભરની લાવીને.
મહેકો એમના સાંનિધ્યમાં, હે શ્વાસ-ઉચ્છવાસો !
પવન ફોરમ બને છે પુષ્પની નજદીક આવીને.
બચાવી નાવ તોફાનો થકી, પણ એ નહીં જાણ્યું,
કે તોફાનો ઊગરવા ચ્હાય છે નૌકામાં આવીને.
ગ્રહી લીધાં ચરણ અહીંયાં ‘ગની’, વાસ્તવની ધરતીએ,
ઉષા-સંધ્યા કહે છે રોજ, બેસો આંહી આવીને.
-ગની દહીંવાલા
----------------------------------------
સળગતો શબ્દ, પણ પીંખાયેલા પરિવાર જેવો છું,
મને ન વાંચ, હું ગઈ કાલના અખબાર જેવો છું.
અભાગી મ્યાનમાંથી નીકળી તલવાર જેવો છું,
ખરા અવસર સમે ખાલી ગયેલા વાર જેવો છું.
કદી હું ગત સમો લાગું, કદી અત્યાર જેવો છું,
નિરાકારીના કોઈ અવગણ્યા આકાર જેવો છું.
ભલે ભાંગી પડ્યો પણ પીઠ કોઈને ન દેખાડી,
પડ્યો છું તો ય છાતી પર પડેલા માર જેવો છું.
પરિચય શબ્દમાં પાંખી પરિસ્થિતિનો આપ્યો છે,
ને મોઢામોઢની હો વાત, તો લાચાર જેવો છું.
‘ગની’, તડકે મૂકી દીધા રૂડાં સંબંધના સ્વપ્નાં,
હવે હું પણ સળગતા સૂર્યના વ્યહવાર જેવો છું.
- ગની દહીંવાલા
-------------------------------------
બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે,
કશું અંધારમાં ઊગે, ને સૂર્યોદય થવા લાગે.
અધરના ગોખમાં બેઠાં રહે શબ્દોનાં પારેવાં,
પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે.
રહે સરખું ધબકતું ત્યાં સુધી તો આપણું હૈયું,
અને ગૂંગળાય ત્યાંથી કોઈનો આશય થવા લાગે.
હવે પીનાર કે પાનારની નૈયતને શું રડવું ?
ભરેલો જામ ફૂટે ને તરસ અક્ષય થવા લાગે !
પ્રથમ આકાર પામે લાગણી સંબંધના સ્તર પર,
ન પામે માવજત મનની તો એ સંશય થવા લાગે.
નહીં પગલાં પડે તો શી દશા થાશે વિકટ પથની ?
મુસાફરના થશે શા હાલ ! જો નિર્ભય થવા લાગે.
‘ગની’, નિર્દોષ આશય છે હૃદય સાથે ઝઘડવાનો,
કે એમાં જે વસે છે એમનો પરિચય થવા લાગે.
-ગની દહીંવાલા
-------------------------------------
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ન ધરા સુધી,ન ગગન સુધી,નહીં ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.
હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.
છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.
તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી.
તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.
જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
- ગની દહીંવાલા
------------------------------------------
ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું,
કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું.
જો કહું વિનમ્રભાવે તો સૂરજ સુધી ગયો છું
કે નજરનો તાપ જોવા હું નયન લગી ગયો છું.
હતો હું ય સૂર્ય કિન્તુ ન હતી તમારી છાયા,
ઘણીવાર ભરબપોરે અહીં આથમી ગયો છું.
આ હૃદય સમો તિખારો છે દઈ રહ્યો ઈશારો,
કોઈ કાળે સૂર્યમાંથી હું જુદો પડી ગયો છું.
નથી કંઈ પ્રયાણ સરખું અને પથ કપાઈ ચાલ્યો
નથી કાફલાની હસ્તી અને હું ભળી ગયો છું.
બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો,
ન જિવાયું દર્દરૂપે તો સ્વયં મટી ગયો છું.
‘ગની’ પર્વતોની સામે આ રહ્યું છે શીશ અણનમ
કોઈ પાંપણો ઢળ્યાં ત્યાં હું ઝૂકીઝૂકી ગયો છું.
- ગની દહીંવાલા
----------------------------------
સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.
બાળસહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,
પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.
માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી,
બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.
તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં,
છળના રણમાં છાનાંમાનાં મૃગજળ મૃગજળ રમીએ.
હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,
પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.
ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,
મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.
હું ય ‘ગની’, નીકળ્યો છું લઈને આખોમાખો સૂરજ,
અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.
-’ગની’ દહીંવાળા
-----------------------------------------
હૃદયના ભાવ , પાંખે કલ્પનાની લઇને આવ્યો છું ,
સિતારાઓ ! સુણો કથની ધરાની લઇને આવ્યો છું .
હજારો કોડ , ટૂંકી જિંદગાની લઇને આવ્યો છું ,
સમય થોડો અને લાંબી કહાની લઇને આવ્યો છું .
સમયની પીઠ પર બેસી વિહરનારા ભલે રાચે ,
તમન્ના હું સમયને દોરવાની લઇને આવ્યો છું.
તૃષાતુર વાટ ! તારે મારી પાછળ દોડવું પડશે ,
ભર્યાં છે નીર છાલામાં , એ પાની લઇને આવ્યો છું.
જગત-સાગર , જીવન-નૌકા , અને તોફાન ઊર્મિનાં ,
નથી પરવા , હૃદય સરખો સુકાની લઇને આવ્યો છું.
ઊડીને જેમ સાગર-નીર વર્ષા થઇને વરસે છે ,
જીવન ખારું , છતાં દ્રષ્ટિ કળાની લઇને આવ્યો છું.
’ગની’ , ગુજરાત મારો બાગ છે , હું છું ગઝલ-બુલબુલ ,
વિનયથી સજ્જ એવી પ્રેમ-બાની લઇને આવ્યો છું .
ગની દહીંવાલા
--------------------------------------
જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે,
એ પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે.
માફ કર નિષ્ક્રિયતા, મારાથી એ બનશે નહીં !
જીવતાં મારી જગતને ખોટ વર્તાયા કરે.
એટલું ઉન્નત જીવનનું ધ્યેય હો સંતાપમાં,
વાદળી એકાકી જાણે ચૈત્રમાં છાયા કરે.
જે પૂનમના ચાંદ સમ ચમકે છે તેઓને કહો:
બીજરૂપે પણ નભે ક્યારેક દેખાયા કરે !
શાંત એ તોફાન દુનિયાએ કદી જોયું નથી,
આંખડી વરસી રહે ને કોઈ ભીંજાયા કરે.
જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ, ને એનું નામ બોલાયા કરે.
-‘ગની’ દહીંવાલા
----------------------------------