સ્મિત સાથે જે નિર્દોષતા મલકે તે ગઝલ

સુગંધોનાં ઉપવનોમાં સદા ખિલતા રહેવાના
તમે સપનાં મહી આવી મઘમઘ થતાં રહેવાના.

તહેવાર ઉજવે લોકો વસંતોનો અવસર ગણી
ચમનમાં બારમાસી ફૂલ તો ખિલતા રહેવાના

કુદરત કદી નહીં આપે પુષ્પોને ડંખ કાંટાનો
જગતમાં પ્રેમનાં અંકુર સદા ફુટતાં રહેવાના

નથી આસાન દુનિયામાં સરળતાંથી કવન લખવું
લપસણી ભૂમિને કારણ ઝખમ મળતા રહેવાના

કશ્તી ડૂબે નહીં તોફાન સાગરમાં ઉઠે ત્યારે
અહી ઉરમાં સતત તોફાન તો ઉઠતાં રહેવાના

‘નરેન’તમે પુષ્પો જેવી નરમ ભાષા નહી બોલો
રૂપાળા ફૂલ પણ ઝખમો સદા દેતા રહેવાના

(નરેશ કે.ડૉડીયા)
——————————————
કદી વાતો કરીને મન મનાવે છે
નહી તો યાદમાં જીવન વિતાવે છે 
લખે છે ગઝલ તોયે દરદ હાંફે છે
દુખી હ્રદયે હસીને કૈં છુપાવે છે

નથી એ સરળ જીવન એ વિતાવે છે
છતાં ઉરમાં બગીચાને સજાવે છે

કફી સમજાય ના એનાં વિધાનો
છતાં જીવન સરળ છે એ બતાવે છે

સરળ માર્ગ નથી પ્રાસ પથરાળો છે
છતાં કવિતા મહી સુખ છલકાવે છે

ગઝલકાર બનવું એનું નવીન નથી
દુખી થઇ હું સુખી છું એ જતાવે છે

(નરેશ કે.ડૉડીયા)
(લગાગાગા-લગાગાગા-લગાગાગા)
----------------------------------------------
રૂબરૂ જે હું કહીં શક્યો નહી એ વાત બોલું છું
તમારી ચાહતોની વાત ગઝલોમાં તરાસું છું

ઘણા દિવસો સુધી જે વાત છુંપાવી હતી દિલમાં
તમારા નયનમાં એનો ખુલાશો હું તપાશું છું

તમારી યાદનાં પડઘા પડે છે સાંજની સાથે
તમોને ખબર હોવી જોઇએ દુઃખને સતાવું છું

નથી વિતતી પળો એનો હિસાબ બરોબર કરું છું
ઇશારાઓ કરીને એટલે ચાહત જતાવું છું

મને ખબર ન હતી કે પ્રેમ એ બંધન સમયનું છે
પડીને પ્રેમમાં હું સમય ને બંધક બનાવું છું

અમોને ગીતો જે ગમતા નહોતા એ ગણગણું છું
ગમે જે ગીત એની તરજમાં તુજને સજાવું છું

(નરેશ કે.ડૉડીયા)
—————————————–
અમોને ઘર ભલે આપે,દિવાલો એ સજાવે છે
મળે છે ઘાવ જગમાં,પ્રેમથી કેવા રૂઝાવે છે?

સદા ખિલતા રહે છે આંગંણે ફૂલો લહેજતથી
સવારે કોણ આવીને શબનમી વાઘા સજાવે છે?
...
ઉદાસી છેપટ ઉતરતી રહે છે અંધકાર મહી
જરા મલકે અને જાણે ઉદાસીને ભગાવે છે

નથી સામે અને હેત વરસાવે દુર રહીને એ
જગતમા દુર રહેનાર પણ યાદોમાં હસાવે છે

સુખતણા સુરજ રોજ ઉગે નહી જગમાં પરોઢીયે
સવારે કોણ લાલાશ ઘરમાં સુખની સજાવે છે?

નિશાને સંગ ગઝલ લખતો રહું છું શ્યામશાહીથી
ઉઠીને જોઉ તો મારી ગઝલને એ મઠારે છે

(નરેશ કે.ડૉડીયા)

(લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગાગાગા)

----------------------------------------------
નહીં પાછી વળે સરિતા સવાલ વટે ચડેલો છે
મહાસાગર વગર વાંકે જગત આંખે ચડેલો છે

સુનામી એમજ નથી આવતી સાગર મહી સોચો
જગતભરના દુખો જોઇ દરિયો કાઠે રડેલો છે

ભજવતા જાઇ છે નાટક રબ-સમા માનવીઓથી
જગતમા એક-એક કણંમા ઇશ્વર જાણે હટેલો છે

નથી મળતું સુખ જગતમાં બધે દુખની કહાણી છે
મળે છે સુખ પણ સંગાથે દુખોનો ઢગ પડૅલો છે

કરે છે માનવીઓ જાત જાત તણી ભવાઇ ભવ્ય
ભજવતા જાઇ નાટક પણ કલાકાર ખખડેલો છે

કદી પાગલપણાનો ભાર લઇ દરિયો ઘુમે જગમાં
કિનારેથી નદી પાછી વળી એનો જમેલો છે

(નરેશ કે.ડૉડીયા)
(લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગાગાગા)
——————————————
મારા વિરહને ખોખલું નાળિયેર ના સમજ
મારી ટકોરો લાગણીનો એને તું પરખ

આ વેદનાઓ ક્રમપ્રમાણે ચાલતી નથી
સૃષ્ટિની આ અસર છે હવે કર ન કોઇ શક

લયના સ્તરોની કૈંક સમજ હોવી જોઇએ
એમ જ તો અક્ષરો નહીં પ્રસરી શકે સતત

મેં લાગણી નિચોવી ભર્યા છે કટોરા કૈં
એમાં ડૂબેલ ડૂસકાતણી પામ તું ઝલક

આ તો ગઝલ છે ભૂલ નથી એ પ્રભુ તણી
કંકુ ને ચોખા સાથે લઇ આવજે હરખ

એ પણ ગઝલ લખે છે કે જે જાણતા નથી
રદ્દીફમાં ને કાફિયામાં હોય છે ફરક

– નરેશ કે. ડોડિયા
(છંદ – હજઝ અખરબ
માપ – ગાગાલગા લગાલ લગાગા લગાલગા)
————————————————–
ઘણું છોડી શકું છું હું,તમે છોડી બતાવો ને
તમે આવો નહીં,એ વાતને ટુકમાં પતાવો ને

તહેવારો હમેંશાં હું ય યાદોનાં મનાવું છું
વિના જે આપના ઉજવાય એ ઉત્સવ બતાવો ને

જરા ચાલો તમે,જે રાહ મારી ના બની કો’દી
બને આ રાહ એક જ આપણી એવું કરાવો ને

સરળ ના હોય જીવનને સજાવાની કદી રીતો
અમારા પર કદી અધિકાર પોતાનો જતાવો ને

હવે ઘરનું જ માણસ ઘર મહીં જડતું નથી કો’દી
‘અમારા સમ’કહીને આપ કોળીયો ભરાવો ને

(નરેશ કે.ડૉડીયા)
લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગાગાગા
————————————————
રીયાઝ વગર ગઝલ અટકી જાય છે
મૌસમ વિના વરસાદ વરસી જાય છે

રણમાં જળ ફરીને તરું વાવે અને
મૃગો તળાવો જોઇ તરસી જાય છે

થાતો નથી આંકો કવનમાં કલમથી
આ કાફિઓ દમવગર ફસકી જાય છે

દમદાર ભાષાના અભાવે કવિ ડરે
પ્રાસો મહી કવિતા સરકતી જાય છે

ડરતો હતો હું કલમને કંડારતા
રેવાલ ચાલે કલમ નિખરી જાય છે

શબ્દો કહે ના વાત દિલની સચ્ચાઇની
કવિ પણ કરે શું! ભાવિ લટકી જાય છે
(નરેશ કે.ડૉડીયા)

————————————————–
(ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા)
મારા ઉપર મીઠી દયાની નજર હોવી જોઇએ
ના જોઇએ દોલત તમોને કદર હોવી જોઇએ,

દલે મૌસમ ને મિજાજ સમયની તાલે ભલે
પણ પ્રેમની આ લાગણી તો સંમદર હોવી જોઇએ

તાકાત શું છે લોહમાં સોનું બની ચળકે નહી
આ પારસમણીના સ્પર્શમા કસર હોવી જોઇએ

સંમદરમાં ભરતી ઊઠે અવરીત દિલના તંરગતણી
એને લગાતાર મુહબ્બતની અસર હોવી જોઇએ,

જીવી જશું જીવન તમારી નજર સામે મસ્તથઇ
મારી કબર સાથે તમારી કબર હોવી જોઇએ

જીવી ગયા હરજનમ યુગયુગથી તમારી સોબતે
તરસ્યા રહેવાની મજા હરજનમ હોવી જોઇએ

(નરેશ કે. ડૉડીયા)
————————————————–
————————————————–
રૂપાળા દેહમાં દિલ પણ રૂપાળું હોય જરૂરી છે
પણ નથી દેહમાં એ દિલ,ઇન્સાની જાત બૂરી છે

ઝલક એની પરખવી જોઇએ,માનવ નબી ન બને
હશે માનવતણી સદભાવના તો ખૂશખબરી છે

બચ્યા ના હોય રબના અંશ જગતમહી તપાશ કરો
અમારી જો શ્રધ્ધા ટકશે,દિલમહી જો સબૂરી છે

અમે પણ જોઇ લીધા શંખ જે રણભૂમિ ફુંકાતા
જુઓ,મંદિરમહી પૂજાય છે એની મજબૂરી છે

નમે તું મંદિરે જઇ કે,મસ્જિદમાં દુવાં માંગે
તમારી હોય માનવતા,ખુદ ખુદાએ કબૂલી છે

(નરેશ કે.ડૉડીયા)
——————————————————-
ગમતી ગઝલનો એક જ હું શબ્દ થાઉં બસ
દુઃખી હ્રદયનું સ્મિત કદી ફક્ત થાઉં બસ

પાંખો વિનાના પંખીની હું પાંખ થઇ શકું
હું સંતના મુખેથી સદા વ્યક્ત થાઉં બસ

જીવન તણો કંઇક પછીથી અર્થ તો સરે,
હૈયા મિલાવી જાય હું એ શખ્સ થાઉં બસ

શત્રુના હૈયે સ્નેહની સાંકળ બની શકું,
હું પ્રેમના આ દેવનો જો ભક્ત થાઉં બસ

કોઇ અજાણ યાત્રીનો રસ્તો જો થઇ શકું
લોકોને કાજ સહેજ હવે વ્યસ્ત થાઉં બસ

– નરેશ કે. ડોડિયા
(છંદ – હજઝ અખરબ
માપ – ગાગાલગા લગાલ લગાગા લગાલગા)
————————————————-
મને હું બહુ ગમું જયારે તમારી સંગ હોઉં છું
તમારી આંખમાં ત્યારે હું મારી જાત જોઉં છું

અરીસે સાવ એકલતા મને લાગ્યા કરે તેથી
બનું છું બિંબ ત્યારે આંખમાં તમને પરોઉં છું

તમારી ઘૂઘરાળી લટથી રમવાનો મને છે શોખ
લટો લટકો કરે છે ત્યારે મારા હોશ ખોઉં છું

તમે પાવન નદી સમ રૂપ લઇ દરરોજ આવો છો,
તમારી સંગ રહીને જાણે મારા પાપ ધોઉં છું.
– નરેશ કે. ડોડિયા
———————————————-
અમારી આંખમાં એની મહોબતની અસર બોલે
અમારું આ વદન બોલે, હ્રદય બોલે, નજર બોલે

અદાઓમાં તો એની ઉપવનોની જાણે લહેજત છે
કળી ખીલે ને મારા હૈયા કેરો આ ભ્રમર બોલે

બધી મોસમ તણો મિજાજ તુજ ઝૂલ્ફોના તાબામાં
ઢળે છે રાત ત્યારે ચાંદની પણ તરબતર બોલે

ખુલી ચાલ્યા નસીબના તાળાં આ સાંનિધ્યમાં તારાં
લકીરો જીવતી થઇ જાય છે ને આ અધર બોલે

મને પૂછો નહીં કેવી મહોબતની અસર થઇ છે
પડયો છે ઇશ્કના કુંડાળે પગ એ ઉમ્રભર બોલે
– નરેશ કે. ડોડિયા
——————————————-
ખુશીના ચાકડે તારી તમન્નાઓને ખુશ કરવા
હું આ નાજુક વળાંકોવાળી ને સુંદર ગઝલ લાવ્યો

તું જો શબ્દોની માટીમાં મેં લોહી ભેળવી દીધું
અને તેથી જ તો હું આટલી સધ્ધર ગઝલ પામ્યો

ઉદાસી સાંજની વધતી ગઇ સૂર્યાસ્તની સાથે
ઉદાસી દૂર એની કરવાને ખાતર ગઝલ લાવ્યો

નિરાશાઓની વચ્ચે ડૂબતી કસ્તી બચાવા લ્યો
જીવનની આ બધીયે વેદનાથી પર ગઝલ લાવ્યો

કહીને ‘આવજો’ પાછા ન આવ્યા જે સ્વજન મારા
બધાની યાદ એમાં સંઘરી સરભર ગઝલ લાવ્યો

ખમીરવંતી ધરા સોરઠના આ હાલારથી મિત્રો
‘નરેન’નામે તમારો સાથી આ નવતર ગઝલ લાવ્યો
(નરેશ કે.ડોડિયા)
------------------------------------------
મને આદી બનાવ્યો છે તમે આંખોથી પાઇને
નશો આવો ન પામ્યો મયકદે સાકીના પ્યાલામાં

નસીબદારીના સઘળા ભેદ ખૂલે તારી ખાતિરમાં
ફરીશ્તાનું નસીબ લાવે છે મારી હસ્તરેખામાં

બુલંદી હૂશ્નની અમથી નથી પામ્યો આ આશિક કંઇ
અસર કેવી હશે એના હ્રદયની તમાન્નામાં

‘નરેન’કહે છે અમસ્તી તો નથી કોઇ ગઝલ બનતી
વહે છે કેટલાયે સોણલા આંસુની ધારામાં

ભર્યા છે વિશ્વમાં મુફલિસ, તવંગર એકસાથે જયાં
રહું છું બાદશાહી લઇ ફકીરોના ઇલાકામાં

(નરેશ કે. ડોડિયા)
હવે આ બૂમ અને પડઘાઓનો બહુ ભાર લાગે છે
વધારે બોલવું એ પણ હવે બેકાર લાગે છે

બધા આ દાખલા ખોટા તમારા વાયદાઓના
કરો ના વાયદા કે એય અત્યાચાર લાગે છે

વિનવશો નહિ હવે ઓ ડાળખીઓ આ વસંતોને
અરે નાજુક કળીઓને હવાનો ભાર લાગે છે

તમે આ મુખવટો ઝાકળનો પહેરી રાખશો ક્યાં લગ?
રવિના તાપમાં એને જતા ક્યાં વાર લાગે છે?

તમે ફૂટેલા કિસ્મતનો સહારો લઇને જીવો છો
અહીં મહેનત કરે એ સુખ તણો હકદાર લાગે છે

(નરેશ કે. ડોડિયા)
———————————————-
————————————————
સમયની આ બબાલોમાં ફસાયેલો સવાલ જ છું
અગર માંગે મને તો તુંજને ગમતો જવાબ જ છું

દુહાઇ ખપે નહીં તકદીરનો બળવાન માણસ છું
અગર માંગે મને તો,તુંજને ગમતો નવાબ જ છું

થશે પૂરા જમાનાના દુખ દર્દ તુંજ સંગાથે
અગરમાંગે મનેતો,તુંજને ગમતો સહવાસ જ છું

ફુટી નિકળે ખુમારી આઠપ્રહરની તુંજ સહવાસે
અગર માંગે મને તો,તુંજને ગમતો શરાબ જ છું

જિવી જઇશું તમારી ચોકટૅ સજદા અમે કરતાં
અગર માંગે મને તો,તુજને ગમતો રૂવાબ જ છું

પુછો જ નહી મિજાજ મને અમારા શેર-શાયરનાં
અગર માંગે મને તો,તુંજને ગમતો ખિતાબ જ છું

(નરેશ કે.ડૉડીયા)
(લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગાગાગા)
———————————————-
રૂપાળા એ જવાબોમાં અમુક રૂપ લાજવાબ હતાં
રૂપાળા એ ચહેરામાં રૂબાઇ તણા રૂઆબ હતા

ખુબી એ છે બગીચામાં ખુદાના જાદુઇ ફુલોની
નિખરતા હોય રંગતણા રૂપ,શબનમી હિજાબ હતાં

નમે છે ડાળખી એના પગ બગીચે પડે ત્યારે
મને ગમતાં હતા એના અધર જાણે ગુલાબ હતાં

કલાકારો તણી હો એ કલા ખિદમત કરે રૂપની
ઋષિ તપોભંગ થઇ જાય રૂપ એના બેહિસાબ હતાં

‘નરેન’તમે પણ ખરારૂપતણા સપના ધરાવો છો
મળી મલિકા તમોને રૂપ તણા એ આફતાબ હતા

(નરેશ કે.ડૉડીયા)
———————————————–
જેટલા એ પામવા માટે મને આતુંર હશે?
ચાતકનું પણ સજળનયને તૃષા-તરસ્યું હશે?

ઝંખના હું જિંદગીભર એ કહે તો કરતો રહું
મૃગ પણ મૃગજળ કાજ રણ મહીં ભટક્યું હશે?

એ કહે તો જિંદગીભર રણ બની તરસ્યો રહું
રણ મહીં વરસાદનું પાણી પણ વરસ્યું હશે?

સિતમગર થઇને ભલે તડાપવતા આદતવશે
ચુંમવા ધરતી ભલભલું આભ પણ ઝૂકયું હશે?

ચોસલા ભીતર મહીં હ્રદયતણા થઇ ના શક્યાં
એમને પણ આંસુ માંરા જોઇને ખટક્યું હશે

જગતમાં પ્રેમી હશે ક્યાંરેય એ મળતાં નથી
આજલગ મનને ગમે એ પાત્ર ક્યાં સર્જાયું હશે?

(નરેશ કે.ડૉડીયા)
માપ-ગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા
 ------------------------------------------------
જીવનમાં સામ–સામે યુદ્ધ તો ચોપાસ ચાલે છે,
છતાંયે ભીતરે ખાલીપણાનો શ્વાસ ચાલે છે.

જુઓ આંખોનું આ ઉઘાડ–બંધ રોજિંદી ઘટના છે,
કશું નક્કર કરું છું એટલે ઇતિહાસ ચાલે છે.

અમારા શ્વાસ અટકી અટકીને ચાલે છે જાણે કે,
આ નકરી વાસ્તવિકતા વચ્ચે પણ આભાસ ચાલે છે.

બધી આપત્તિઓ વચ્ચે સલામત થઇને જીવું છું,
દવા સાથે દુઆનો પણ હજી સહવાસ ચાલે છે.

ગઝલ લખવાનું ચાલે છે, કદી અટકીને ચાલે છે,
તમારો જો કરું ઉલ્લેખ તો તો ખાસ ચાલે છે.

(નરેશ કે.ડૉડીયા)
**************************
નથી એ આંખ,જે મારું વિશ્વ હતું
જે મિજાજે મિજાજે શરમાતું હતું

નથી એ દુઃખ જે તારી આંખોમાં
જે નાની વાતોમાં ભરમાતું હતું

નથી એ ટસયું જે તારી આંખોમાં
જે નાની અવગણનામાં ફૂટતું હતું

નથી એ અંકુર જે તારી આંખોમાં
જે મારા સ્પંદનોથી ફૂટતું હતું

નથી એ મયખાનું જે તારી આંખોમાં
જે મારા સાંનિધ્યમાં ખુલતું હતું

નથી એ પારેવું જે તારી આંખોમાં
જે મારી બાજનજરથી ફફડતું હતું

નથી એ ઝરણુ જે તારી આંખોમાં
જે દરિયાનાં સાનિધ્યને ઝંખતું હતું

નથી એ હેતાળપર્વ એ તારી આંખોમાં
જેં મારા સંગે રંગેચંગે ઉજવાતું હતું

નથી એ ગુઢરહસ્ય તારી આંખોમાં
જે મારા અઢી અક્ષરથી ખુંલતું હતું

(નરેશ કે.ડૉડીયા)

**************************
ઉદાસીની કંઇક સાંજ સાચવેલી પડી છે
તારા વિના ગુજારેલી હર પળ રડી છે

મૌસમને કયાં સમયે આવવાની પડી છે?
તારા વિના મૌસમ પણ ટલ્લે ચડી છે

મિલનની એ તરસ પણ વલખે ચડી છે
મૃગજળના એ મૃગને તરફડવાની ઘડી છે

સદીઓ જિવવાની હામ ભીડી હતી એ
ઘડીઓ પણ માછલીની જેમ તરફડી છે

યાદોના બોજ લઇને ફરતા કાફિલાને પણ
સુકા રણોમાં ભટકવાની આદત પડી છે

કિસ્મતમાં લખેલું એ મીટાવી ના શકીયે
એટલે જ અમારી ઇચ્છા પાછી પડી છે

દરવાજે કોઇ આવશે એ તકતી જડી છે
હવે લખેલું ભુંસવાની શુકનવંતી ઘડી છે

(નરેશ કે.ડૉડીયા)
******************************
હોય ઉદાશ દિલ ને તું લખે તે ગઝલ
ઉદાસીમાં ચહેરે સ્મિત ઝળકે તે ગઝલ

વિરહમા ઝુરતી પ્રિયતમાના અંતરને
પ્રીતના પારખા કરાવે અંકે તે ગઝલ

ઉદાશ સાંજે ખાલી જામના પ્યાલાના
ટંકારમાં મહેફિલની જેમ રણકે તે ગઝલ

એકાંતમાં આંખમાથી સરી જતાં આંસુથી
કાગળ પર અક્ષરો જે છલકે તે ગઝલ

હસ્તમેળાપ વખતે બંધ ખોબામાં જે
સમાયને સ્પર્શને જે અડકે તે ગઝલ

નવોઢાના ચહેરાની લાલીને નીહાળીને
પીયુના અંતરના ભાવ મલકે તે ગઝલ

પહેલા વરસાદના મિલનથી ધરતીને
ફાડીને ઉગતી કૃંપણો ઝળકે તે ગઝલ.

સર્વ મૌસમને એક કાગળમાં ઉતારીને
મુશાયરાની મૌસમમાં છલકે તે ગઝલ

સુફી સંતો ને ગીત ગાતા બંદાનવાજોની
સનમની સુફીબંદિશમાં રણકે તે ગઝલ

ખંભે મણમણના દફતર સાથે બાલુડાના
સ્મિત સાથે જે નિર્દોષતા મલકે તે ગઝલ

(નરેશ કે.ડૉડીયા)
******************************