-ખલીલ ધનતેજવી

ગ રગને રોમ રોમથી તૂટી જવાય છે,
તો પણ મઝાની વાત કે જીવી જવાય છે;
ખાલી ગઝલ જો હોય તો ફટકારી કાઢીએ,
આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે !

- ખલીલ ધનતેજવી
------------------------------
હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું,
કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહિ આવું.

ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું.

કહે તો મારું આ માથું મૂકી લાઉં હથેળી પર,
પરંતુ હાથ જોડીને તને મળવા નહિ આવું.

તું દરિયો છે, તો મારું નામ ઝાકળ છે, એ જાણી લે,
નદીની જેમ દોડીને તને મળવા નહિ આવું.

ટકોરા દઈશ, પણ દરવાજો તારે ખોલવો પડશે,
કોઈ દીવાલ તોડીને તને મળવા નહિ આવું.

ખલીલ ! આવીશ તો કે’ જે કે ઉઘાડેછોગ હું આવીશ,
હું માથામોઢ ઓઢીને તને મળવા નહિ આવું.

- ખલીલ ધનતેજવી
-------------------------
લે આ મારી જાત ઓઢાડું તને;
સાહેબા, શી રીતે સંતાડું તને.

કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું,
મૌનની મસ્તીથી રંજાડું તને.

હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,
તક મળે તો સામે બેસાડું તને.

કો’ક દિ’ એકાંતમાં ખપ લાગશે,
લાવ મારી યાદ વળગાડું તને.

ઘર સુધી આવવાની જિદ્દ ન કર,
ઘર નથી, નહિતર ના પાડું તને?

તું ખલીલ, આકાશને તાક્યા ન કર,
ચાલ છત પર ચંદ્ર દેખાડું તને.

- ખલીલ ધનતેજવી
--------------------------
સ્થિર જળ સાથે અટકચાળા ન કર
કાંકરા નાખીને કૂંડાળા ન કર

લોક દિવાળી ભલેને ઊજવે
પેટ બાળીને તું અજવાળા ન કર

આજથી ગણ આવનારી કાલને
પાછલાં વરસોના સરવાળા ન કર

ક્યાંક પથ્થર ફેંકવાનું મન થશે
ઈંટને તોડીને ઢેખાળા ન કર

થઈ શકે તો રૂબરૂ આવીને મળ
ઊંઘમાં આવીને ગોટાળા ન કર

-’ખલીલ’ ધનતેજવી
----------------------------
તારી ને મારી જ ચર્ચા આપણી વચ્ચે હતી,
તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી.

આપણે એકાંતમાં ક્યારેય ભેગાં ક્યાં થયાં ?
તો ય જોને કેવી અફવા આપણી વચ્ચે હતી.

આપણે એક સાથે શ્વાસોચ્છ્વાસ જીવ્યાં તે છતાં,
એકબીજાની પ્રતીક્ષા આપણી વચ્ચે હતી.

કોઈ બીજાને કશું ક્યાં બોલવા જેવું હતું,
આપણી પોતાની સત્તા આપણી વચ્ચે હતી.

આપણે તો પ્રેમના અરમાન પૂરવાના હતા,
ક્યાં અજૂગતી કોઈ ઈચ્છા આપણી વચ્ચે હતી ?

આપણે તો સાવ ઝાકળમાં પલળવાનું હતું,
ક્યાં સમન્દરની તમન્ના આપણી વચ્ચે હતી ?

યાદ કર એ પુણ્યશાળી પાપની એકેક ક્ષણ,
કેવી લીલીછમ અવસ્થા આપણી વચ્ચે હતી ?

એક ક્ષણ આપી ગઈ વનવાસ સદીઓનો ખલીલ,
એક ક્ષણ માટે જ મંથરા આપણી વચ્ચે હતી.

- ખલીલ ધનતેજવી
------------------------------
તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.

કહો તો માછલીની આંખમાં ડૂબકી દઇ આવું,
પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે.

તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.

તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું ?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે

તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.

- ખલીલ ધનતેજવી
----------------------------------
ઝાડ સામે દોટ મેલીને હવા પાછી પડી,
એને ઝંઝાવાત બનવાની ઉમર કાચી પડી.

ઝાંઝવા ધારીને તરવૈયા ઘણા ડૂબી ગયા,
રણ વિષેની ધારણા હમેશ ક્યાં સાચી પડી?

જિન્દગી! સીધા ચઢાણ તારી સાથે હું રહ્યો,
મારે સાથે તું ઊતરતા ઢાળમાં થાકી પડી.

સાવ ઓચિંતુ સભા છોડી કોઈ ચાલ્યું ગયું,
કોઈ ના પૂરી શકે, એવી જગા ખાલી પડી.

છેવટે એક ચપટી અજવાળુંય ના પામી શક્યો,
ક્યાંકથી આવીને દીવાને હવા બાઝી પડી

- ખલીલ ધનતેજવી
---------------------------------
નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારા પગલાથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી.

હશે, મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,
ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.

રદીફને કાફિયા સાથે ગજબની લેણાદેણી છે,
મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી.

કદી તેં હાંક મારી’તી ઘણા વર્ષો થયા તો પણ,
હજી ગૂંજું છું ઘુમ્મટ જેમ હું એના જ પડઘાથી.

ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,
ફરક શું પડશે કોઈના અહીં હોવા ના હોવાથી.

- ખલીલ ધનતેજવી
----------------------------------------
---------------------------------------
--------
આંખમાં છો ને ભીની ઝલક ઊઘડે,
મેઘ વરસી પડે તો ફલક ઊઘડે.

ગાલ પર કોઈ શમણાનું પીંછુ ફરે,
પોપચાં થરથરે ને પલક ઊઘડે.
...
રોજ લાગે કોઈ યાદ કરતું હશે,
રોજ છાતીમાં ઝીણી સલક ઊઘડે.

પારકા દેશમાં તારી યાદ આવતાં,
ઘર તો ઘર, આખેઆખો મલક ઊઘડે.

છો ખલીલ! આજ મન થોડું હળવું થતું,
આંખમાં છોને ભીની ઝલક ઊઘડે!

-ખલીલ ધનતેજવી
-----------------------------------------
મોજ મસ્તી તાજગી મારા વિના ક્યારે હતી,
આવી ઝાકમઝોળ આ તારી સભા ક્યારે હતી.

પોત પોતાના જ માટે સૌ કરે છે પ્રાર્થના,
કોઈના માટે કદી કોઈ દુવા ક્યારે હતી.
...
હું ય ક્યાં ફૂલોની માફક કોઈ દિ’ ખીલી શક્યો,
તું ય જો ખૂશબૂની માફક બેવફા ક્યારે હતી.

એણે શ્વાસમાં જ વાવાઝોડું સંતાડ્યું હશે,
હા, નહિતર આવી ભારેખમ હવા ક્યારે હતી.

સંત અથવા માફિયા માટેના છે જલસા બધા,
આપણા માટે તો આવી સરભરા ક્યારે હતી.

આંખ ભીની ના થવાની શરતે રડવાનું કહ્યું,
કોઈ પણ કાનૂનમાં આવી સજા ક્યારે હતી.

રમતાં રમતાં મેં ગુજારી છે ખલીલ આ જિન્દગી,
મારી કોરી આંખમાં ભીની વ્યથા કયારે હતી.

-ખલીલ ધનતેજવી

--------------------------------------------
આમ છંદોલયની પણ શાયદ ખબર પડશે તને,
એક અક્ષર પણ જો રદ, ખબર પડશે તને.

લટ ઘટા ઘનઘોર ચહેરા પર વિખેરી નાખ તું,
પોષ સુદ પૂનમ કે શ્રાવણ વદ ખબર પડશે તને.

તું પ્રથમ તારો જ માહિતગાર થઇ જા, એ પછી,
બાઇબલ, કુરઆન, ઉપનિષદ ખબર પડશે તને.

ભરબપોરે તું કદી માપી જો તારો છાંયડો,
કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને.

ઓળખી લે, બંને બાજુથી રણકતા ઢોલને,
આપણામાં કોણ છે નારદ ખબર પડશે તને.

તું ખલીલ અજવાળું પૂરું થાય ત્યાં અટકી જજે,
ક્યાંથી લાગી મારા ઘરની હદ ખબર પડશે તને.

-ખલીલ ધનતેજવી
-------------------------------------------
ના  ઘરની  એક બારી મારા ઘર  સામે હતી
મારી જે  દુનિયા  હતી મારી નજર સામે  હતી


એક   સરખો  ગર્વ  બંનેને  હતો  વ્યક્તિત્વનો
એક  ઊંડી  ખીણ  પર્વતના શિખર સામે  હતી

રાતે   ચિંતા   કે  સવારે   સૂર્ય  કેવો  ઊગશે
ને  સવારે
,   સાંજ  પડવાની ફિકર સામે  હતી

ને   વસંતોને  ઊમળકાભેર  માણી  લેત પણ
પણ હાય રે
! એક વેંત છેટે પાનખર સામે હતી

હું  જ અંધારાના ડર થી આંખ ના ખોલી શક્યો
એક  સળગતી  મીણબત્તી  રાતભર સામે હતી


મિત્રને  શત્રૂની  વચ્ચોવચ ખલીલ  ઊભો હતો
એક આફત પીઠ  પાછળ એક નજર સામે હતી.

-          ખલીલ ધનતેજવી
-----------------------------------------
અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે,
તમે ઘરે દિવો સળગાવ્યો, અમે જાતને બાળી છે.

વાર તહેવારે જિદે ચડતી ઇચ્છાઓ પંપાળી છે,
મનમાં ભિતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે.
...
તમને જોઇ ને પલકારાની રસમ ટાળી છે આંખોએ,
જ્યારે જ્યારે નજર મળી છે ત્યારે મેં પાંપણ ઢાળી છે.

છાંયડે બેસી અસ્ત ઉદયની લિજ્જતના સમજાવ મને,
માથે આખો સૂરજ લઇ ને સાંજ બપોરે ગાળી છે.

કેટકેટલી ડાળો જાતે નમી પડેલી તોયે 'ખલિલ',
જે ડાળેથી ફૂલ મેં ચૂંટ્યું, સૌથી ઉંચી ડાળી છે.

- ખલિલ ધનતેજવી
------------------------------------------
ત્યાગમાં ક્યાં કંઇ મહિમા જેવું લાગે છે?
ભઇ આમાં તો હસવા જેવું લાગે છે.

આજે કોઇ જોઇ રહ્યું છે મારા તરફ
આજે કંઇ ઝળહળવા જેવું લાગે છે.
...
એક દિવસ તો ખાબોચિયાએ પૂછ્વું મને,
મારામાં કંઇ દરિયા જેવું લાગે છે?

ભઇ આ તો છે મંદિર મસ્જિદ જેવું કશું,
પાછો વળ, અહિં ખતરા જેવું લાગે છે.

આપણો દેશ ‘ને રાજ પણ આપણું પોતાનું,
એ સાચું છે પણ અફવા જેવું લાગે છે.

ચાલ ખલિલ, આ અંધારાને ખોતરીએ,
આમાં કંઇ અજવાળા જેવું લાગે છે.

- ખલિલ ધનતેજવી
--------------------------
----------------------
अब मैं राशनो की क़तारों में ऩज़र आता हूं
अपने खेतों से बिछड़ने की सज़ा पाता हूं

इतनी मेंहगाई के बेज़ार से कुछ लाता हूं
अपने बच्चों में उसे बाँट के शरमाता हूं
...
अपनी नींदो की लहू पोछने की कोशिश में
जागते जागते, थक जाता के सो जाता हूं

कोई चादर समझ के खींच ना ले फिर से "ख़लील"
मैं क़फन ओढ कर फूट-पाठ पे सो जाता हूं