મુકુલ ચૉકસી

આ અંતરીક્ષ જેવું બીજું છળ કશું નથી,
ઉન્માદ! એકમેકથી આગળ કશું નથી.

ઝંઝા ઝરણ કે ઝાળ કે ઝળહળ કશું નથી,
અમથું આ મન થયા કરે વિહ્વળ કશું નથી.

નિજમાંથી જન્મ પામતા,મરતા ને ઝૂલતા,
અસ્તિત્વથી વધારે અનર્ગળ કશું નથી.

વિતાવી ના શકો તો એ સર્વસ્વ છે અને,
વિતાવી જો શકાય તો આ પળ કશું નથી.

સહરાની જેમ તું ય ધધખતો ભલે ને હોય,
વરસી શકે જરાક,તો વાદળ કશું નથી.

દીવાલ સોંસરા જો પ્રવેશી શકાય તો,
દ્વારો કશું નથી અને સાંકળ કશું નથી.

- મુકુલ ચોકસી.
---------------------------------
અમે માણસ વગરના ગામમાં બનશું મુખી પાછા
અમે માની લઈશું જાતને થોડા સુખી પાછા.

ફરી ગુલમહોર પીગળશે ને લાવારસ બની જાશે,
ભભૂકી ઉઠશે ઋતુઓના સૌ જવાળામુખી પાછા.

હલેસાંઓના આંસુથી નદીમાં પૂર નહિ આવે,
એ જાણી હોડીમાં બેઠેલા થઈ ચાલ્યા સુખી પાછા.

તમે આગળ વધી જઈને, અમે પાછા વળી જઈને,
બની શકીએ ના બંને પોતીકી રીતે સુખી પાછા ?

- મુકુલ ચોકસી.
---------------------------------
પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો,
સ્વપ્નમાં પળાય એવો કાયદો;
પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં ડૂબી જતાં મારાં
ચોર્યાસી લાખ વહાણોનો કાફલો !

ક્યારેય નહીં માણી હોય એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે- એ પ્રેમ છે,
દાઢી કરતાં જો લોહી નીકળે ને ત્યાં જ કોઈ પાલવ યાદ આવે- એ પ્રેમ છે;
પ્રેમ એટલે કે સાવ ઘરનો જ એક ઓરડો, હા, ઘરનો જ એક ઓરડો
ને તોયે આખા ઘરથી અલાયદો.

કાજળ આંજીને તને જોઉં તો તું લાગે એક છોકરી ને તે ય શ્યામવરણી,
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે મને મૂકી આકાશને તું પરણી;
પ્રેમમાં તો ઝાકળ આંજીને તને જોવાની હોય અને
ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો !

- મુકુલ ચોકસી
-------------------------------------
પૂછ્યું મેં કોણ છે ! ઉત્તર મળ્યો યયાતિ છે,
ને બહાર જોઉં તો આખી મનુષ્યજાતિ છે.

બીજાને તૂટતા જોવા કરે છે આવું એ ?
આ આયનાનું વલણ કેમ આત્મઘાતી છે ?

ને આભ જેવા નિસાસાઓ ઢાંકવા માટે,
આ નાના-નાના પ્રપંચોની ખૂબ ખ્યાતિ છે.

સૂરજનું ખૂન થયું હોય એવો સંભવ છે,
આ ઢળતી સાંજે ક્ષિતિજ આખી કેમ રાતી છે ?

ભરાઈ ગઈ’તી એની પીઠ આખી જખ્મોથી,
બધાને લાગ્યું બહુ મજબૂત એની છાતી છે.

જો સ્થિરતા જ અનિવાર્ય હોય, હે મિત્રો,
ઢળી જવાની જરૂરિયાત પણ તો તાતી છે.

જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.

- મુકુલ ચોકસી
------------------------------
શબ્દને શોભે નહીં આ કાગઝી વસ્ત્રો સજનવા
આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા

ખાલી હો તો પાછી તારી ઓઢણી લઈ લે સજનવા
ને હાથ સાથે હો તો કિંમત સો ગણી લઈ લે સજનવા

બે અમારા દૃ્ગ સજનવા, બે તમારા દૃગ સજનવા
વચ્ચેથી ગાયબ પછી બાકીનું આખુ જગ સજનવા

ક્યાં તો પીઝાનાં મિનારાને હવે પાડો સજનવા
નહીં તો મારી જેમ એને ઢળતા શિખવાડો સજનવા

સૂર્ય સામે એક આછું સ્મિત કર એવું સજનવા
થઈ પડે મુશ્કેલ એને ત્યાં ટકી રહેવુ સજનવા

આભને પળમાં બનાવી દે તું પારેવું સજનવા
થઈ જશે ભરપાઈ પૃથ્વીનું બધુ દેવું સજનવા

છે કશિશ કંઈ એવી આ કાયા કસુંબલમાં સજનવા
કે જાન સામેથી લુંટાવા ચાલી ચંબલમાં સજનવા

આજ કંઇ એવી કુશળતાથી રમો બાજી સજનવા
જીતનારા સંગ હારેલા યે હો રાજી સજનવા

ટેરવાં માગે છે તમને આટલું પૂછવા સજનવા
આંસુઓ સાથે અવાજો કઈ રીતે લૂછવા સજનવા

- મુકુલ ચોક્સી (જન્મ: ૨૧ ડિસેમ્બર ૧૯૫૯)
------------------------------
ખુલ્લી હદથી વધારે જાત ન કર,
આંખ ભીની કર, અશ્રુપાત ન કર.

તું ભલે મારો પક્ષપાત ન કર,
પણ ગમે તેની સાથે વાત ન કર.

થોડા બીજાને માટે રહેવા દે,
સઘળા સત્વોથી મુજને જ્ઞાત ન કર.

બૂટ પહેરી નીકળતા પગ માટે,
આંગણે ફૂલની બિછાત ન કર.

જીતનારાઓને જ જીતી જો,
હારનારાઓને મહાત ન કર.

મારો ચહેરો બીજાનો ચહેરો હોય,
એવી રીતે તું દૃષ્ટિપાત ન કર.

કર, સવારો વિશે તું ચિંતા કર,
પણ એ ચિંતાઓ આખી રાત ન કર.

-મુકુલ ચોક્સી
-------------------------
તમે દીવાલને ભૂરાશ પડતા રંગે રંગી કેમ ?
હવે આકાશની તમને પડી લાગે છે તંગી, કેમ ?

તમારું કાળરાત્રિએ ખીચોખીચ એકલાં હોવું
ભરે એકાંતની જાહેરસભાઓ ખૂબ જંગી કેમ ?

અચાનક મારી સામે આમ આ બપોરને વખતે,
ક્ષિતિજના સૂર્ય જેવું તે હશે છે રક્તરંગી કેમ ?

બની’તી જે હકીકત, વારતારૂપે તો ગમતી’તી,
હવે મારી કથારૂપે એ લાગે છે ક્ઢંગી કેમ ?

- મુકુલ ચોકસી
-------------------------------
ભીંતને લીધે જ આ પાડોશી જેવું હોય છે,
એક સમજૂતીસભર ખામોશી જેવું હોય છે.

તન જિવાડી રાખતા એક જોશી જેવું હોય છે,
મન કોઈ મરવા પડેલી ડોશી જેવું હોય છે.

એ મને મૂકીને ફરવા પણ જઈ શકતો નથી,
મારા પડછાયાને પણ નામોશી જેવું હોય છે.

- મુકુલ ચોકસી
------------------------
અહીંથી આવ-જા કરતા બધા બસ રાહદારી છે
અહીં દ્વારો વગરનું ઘર અને હજ્જારો બારી છે

હવે વારાંગનાના બારણાથી પણ વધુ ખુલ્લી
આ મારી ખુલ્લી છાતી પર સજાવેલી પથારી છે

છતાં એવી જ નિર્મમતાથી પીડે છે હજુ આજે
ગયા ભવમાં હતી જે શોક્ય આ ભવમાં અટારી છે

પ્રતીક્ષાની પીડાઓ તો અ.સૌ. છે ને અ.સૌ. રહેશે
ભલે એક આંખ વિધવા છે અને બીજી કુંવારી છે.

-મુકુલ ચોક્સી
-------------------------------
फिर से आ जाओ ज़िन्दगानी में,
जैसा होता है इक कहानी में ।

मेरी नज़रों में एक है दोनों
अश्क में डूबना या पानी में ।

फर्क क्या है कि दोनों रोयेंगे
तुम बूढापे में हम जवानी में ।

जो थे जिन्दा तेरी ज़फा में भी
मर गये तेरी महेरबानी में ।

-मुकुल चोक्सी
-------------------------
હૃદયને રસ્તે હું જન્મ્યો હતો, ખબર છે તને ?
રુદનને બદલે હું મલક્યો હતો, ખબર છે તને ?

હું તારી લટને કિનારે જ આવીને અટક્યો
ક્ષિતિજના ઢાળથી લપસ્યો હતો, ખબર છે તને ?

બિચારા ઈવ કે આદમને કંઈ ખબર ન્હોતી
પ્રણય મેં એમને શીખવ્યો હતો, ખબર છે તને ?

એ વર્ષોમાં તો રચાઈ નહોતી ભાષા છતાં,
હું બૂમ પાડીને બોલ્યો હતો, ખબર છે તને ?

સમયની શોધ થઈ તેની આગલી સાંજે
મેં ઇન્તજારને શોધ્યો હતો, ખબર છે તને ?

-મુકુલ ચોક્સી
------------------------------
એક આખી જિંદગીનો છે એમાં અભાવ દોસ્ત;
આ ખાલી જામનુંય વજન છે ઉઠાવ દોસ્ત.

જીરવી શકાશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત;
પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત.

દરિયામાં મોજાં આવે, બધે આવતા નથી,
અમથી જ રાહ જોયા કરે છે તળાવ દોસ્ત.

દરિયા-પહાડ-આભમાં જો ના સમાય તો
નાની ચબરખીમાં પ્રણયને સમાવ દોસ્ત.

તાજાકલમમાં એ જ કે તારા ગયા પછી,
બનતો નથી આ શહેરમાં એકે બનાવ દોસ્ત.

- મુકુલ ચોકસી
----------------------------
પ્રલંબ જીવી જવાથી ગઝલ લખાતી નથી,
ને મોત વહેલું થવાથી ગઝલ લખાતી નથી.

નહીં તો સંતો ગઝલકાર થઈ ગયા હોતે,
ફકત પ્રભુની કૃપાથી ગઝલ લખાતી નથી.

મરીઝ જેવા સરળ પારદર્શી બનવું પડે,
ફકત શરાબ પીવાથી ગઝલ લખાતી નથી.

ગઝલ લખાય તો ક્યારેક અમથી અમથી લખાય,
અને નહીં તો કશાથી ગઝલ લખાતી નથી.

-મુકુલ ચોક્સી.
--------------------------
અમે કેકટસને કાંઠે લાંગરેલા હાથ થઈ બેઠા,
તમે પણ કેટલો લોહીલુહાણ આધાર દઈ બેઠા!

તો વચ્ચેની જગાને સૌ તળેટી નામ દઈ બેઠા,
જો પહાડો ખીણથી બે ચાર ડગલાં દૂર જઈ બેઠા.

નિચોવાઈ ગયેલા હોઠને જોયા તો યાદ આવ્યું;
ફરી ક્યાં કોઈનું ગમતું પલળતું નામ લઈ બેઠા!

અવસ્થાની નદીમાં આજ ઘોડાપૂર આવ્યાં, ને;
અમે કાંઠા કદી નહી છોડવાની હઠ લઈ બેઠા.

- મુકુલ ચોકસી
--------------------------------
ઐશ્વર્ય હો અલસનું ઉપર તિલક તમસનું
ઉન્માદ કેવું રક્તિમ છે રૂપ આ રજસનું,

ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસનું
મનને છે કેવું ઘેલું આ જર્જરિત જણસનું !

પૂર્વે હો પારિજાતો, પશ્ચિમમાં પૂર્ણિમાઓ
ચારે તરફ હવે તો સામ્રાજ્ય છે સરસનું

બાહુ વહાવી દઈને બારીથી બારણાથી,
ઓછું કરી દો સાજણ, અંતર અરસપરસનું.

પેટાવો પાંદપાંદે એ તળપદાં તરન્નુમ
બુઝાવો ધીમે ધીમે એ તાપણું તરસનું

કેવા અસૂર્ય દિવસો ! કેવી અશ્યામ રાતો !
કેવું ઝળકઝળકતું મોંસૂંઝણું મનસનું

- મુકુલ ચોકસી
---------------------------
શબ્દને શોભે નહીં આ કાગઝી વસ્ત્રો સજનવા
આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા

હાથમાં પકડ્યો તમારો હાથ તો લાગ્યું સજનવા
મન પ્રથમ વાર જ ઊઘાડી પોપચાં જાગ્યું સજનવા

હાથમાં રાખ્યા જીવનભર પેન ને પોથી સજનવા
પણ લખી અંતે જીવનની જોડણી ખોટી સજનવા

કોરા અંતરપટના કંઈ ઓછા નથી કામણ સજનવા
આપણે નાહક ઉપર શાં કરવાં ચિતરામણ સજનવા

સૂર્ય સામે એક આછું સ્મિત કર એવું સજનવા
થઈ પડે મુશ્કેલ એને ત્યાં ટકી રહેવુ સજનવા

સાવ અલગ રીતે મુહબ્બતને છતી કરીએ સજનવા
આપને મળવાની સઘળી તક જતી કરીએ સજનવા

હાથમાં દરિયાઓ રાખીને દઈશ દસ્તક સજનવા
ના મળે ઉત્તર તો ચાલ્યો જઈશ નતમસ્તક સજનવા

ખાલી કૂવાના અને કોરી પરબનાં છે સજનવા
આ બધાં સપનાં રાબેતા મુજબના છે સજનવા

ટેરવાં માગે છે તમને આટલું પૂછવા સજનવા
આંસુઓ સાથે અવાજો કઈ રીતે લૂછવા સજનવા

- મુકુલ ચોકસી
---------------------------
ઉપલબ્ધ એક જણની અદા શી અજબ હતી
એ પણ ભૂલી જવાયું કે શેની તલબ હતી
પાસે જઈને જોઉં તો કાંઈ પણ હતું નહીં
રેતી ઉપર લખ્યું હતું કે અહીં પરબ હતી !

- મુકુલ ચોકસી
----------------------------
એ વર્ષોમાં જો હું ટાંકું ઉદાહરણ તારાં,
ચહલપહલ શી મચી ઊઠતી’તી પરીઓમાં,
એ વર્ષો જેમાં મેં તુજથી વિખૂટા થઈ જઈને
તને ફરી રચી આમ્રમંજરીઓમાં…

એ વર્ષો જેમાં હતાં ટોળાબંધ સપનાંઓ
ને મોડી રાત સુધી જાગતો એક ડેલો હતો,
ને થોકબંધ સમસ્યાની આવજા વચ્ચે
સમયનો ઝાંપો ઉઘાડો રહી ગયેલો હતો.

એ વર્ષોમાં તો રચાઈ નહોતી ભાષા છતાં
હું બૂમ પાડી બધું બોલતો, ખબર છે તને?
સમયની શોધ થઈ તેની આગલી સાંજે
મેં ઇન્તજારને શોધ્યો હતો, ખબર છે તને?

પછી પુરાણી હવેલીના એક પગથિયા ઉપર
તમારી પગલી પડી ને સમયને ગર્ભ રહ્યો,
હજારો વર્ષ સુઘી એનો મેં ઉછેર કર્યો -
છતાં પ્રસવની પળે સૌ રહ્યા ને હું ન રહ્યો.

ને તારી દૂરતા ફરતે પછી જો દેરી બને,
તો એ મિલનથી હજારો ગણી રૂપેરી બને;
વેરાન ચર્ચોમાં જે રીતે પાદરીઓ વગર
ઈસુની હાજરી જ્યાદા પ્રબળ ને ઘેરી બને.

ને અંતે બાકી રહેલી બે’ક વાત કરીશ,
કે હું મહાન રીતોથી જ મુજને મ્હાત કરીશ;
હું વિષના વાતાવરણ વચ્ચે પાંગરીશ સદા
ને પ્રાણવાયુની ટાંકીમાં આપઘાત કરીશ.

- મુકુલ ચોકસી
--------------------------------


ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.

પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,
સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.

સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.

કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં,
પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.

લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી,
પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને.

પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.

-મુકુલ ચોકસી
------------------------------


પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો
સ્વપ્નમાં પળાય એવો કાયદો
પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં
ડૂબી જતાં મારાં ચોર્યાસી લાખ વહાણોનો કાફલો !

ક્યારે ય નહીં માણી હોય એવી કોઈ મોસમનો
કલરવ યાદ આવે, એ પ્રેમ છે
દાઢી કરતાં જો લોહી નીકળે, ને ત્યાં જ કોઈ
પાલવ યાદ આવે, એ પ્રેમ છે
પ્રેમ એટલે કે સાવ ઘરનો એક ઓરડો,
ને તોયે આખા ઘરથી અલાયદો…

કાજળ આંજીને તને જોઉં તો તું લાગે
એક છોકરી, ને તે ય શ્યામવરણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે,
મને મૂકી, આકાશને તું પરણી
પ્રેમમાં તો ઝાકળ આંજીને તને જોવાને હોય
અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો !

- મુકુલ ચોકસી
-----------------------------


સામેનો રથ આ વાતથી અણજાણ પણ નથી;
કે મારી પાસે એક્કે ધનુષ-બાણ પણ નથી.

વિસ્તરતી ચાલે મારી ક્ષિતિજો આ દૂર.. દૂર..
ને આમ કોઈ જાતનું ખેંચાણ પણ નથી.

માટે તો અર્થહીન આ ઊભા રહ્યા છીએ,
ત્યજવું નથી, ને કાયમી રોકાણ પણ નથી.

સંપૂર્ણ શાંતિ કેવી રીતે સંભવી શકે!
કર્ફ્યુ નખાય એટલું રમખાણ પણ નથી.

-મુકુલ ચોકસી
--------------------------------


કિસ્સો કેવો સરસ મઝાનો છે,
બેઉં વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને;
મુજને આનંદ ઊંચે ગયાનો છે !

-મુકુલ ચોકસી